• Home
  • News
  • મોટા થઈને રોનાલ્ડો અને મેસી જેવા ફૂટબોલર બનવાનું સપનું જોતા છ વર્ષના ટેણિયાને 6 પેક એબ્સ છે
post

6 વર્ષના અરાતના ઈન્સ્ટાગ્રામ પર 40 લાખ ફોલોઅર્સ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 10:07:08

લિવરપૂલ: મૂળ ઈરાન અને હાલ ઇંગ્લેન્ડમાં રહેતા 6 વર્ષના અરાત  હોસેઈની પોતાના 6 પેક એબ્સને લઇને ઇન્ટરનેટ પર સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 40 લાખ ફોલોઅર્સ છે. અરાતને મોટા થઇને ફેમસ ફૂટબોલર સ્ટાર મેસી અને રોનાલ્ડો જેવું બનવું છે. તેના વીડિયો જોઈને લોકો તેને જુનિયર ફૂટબોલર કહે છે.

6 વર્ષના અરાતનો જન્મ ઈરાનમાં થયો છે, પણ હાલ તે ઇંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાં રહે છે.  અરાતના 6 પેક એબ્સ અને ફૂટબોલરના સપના પાછળ તેના પિતાનો મહત્ત્વનો ફાળો છે. તેનું ઇન્સ્ટા અકાઉન્ટ પણ તેના પિતા મોહમ્મદ જ સંભાળે છે. મોહમ્મદે અરાત 9 મહિનાનો હતો ત્યારથી જ જિમ્નાસ્ટિક  ટ્રેનિંગ આપવાની શરુ કરી દીધી હતી. 2 વર્ષની ઉંમરમાં અરાતે ઇન્ટરનેશનલ મીડિયાનું ધ્યાન ખેંચી લીધું હતું. હાલ અરાત પોતાના 6 પેક એબ્સને લઈને ચર્ચામાં છે. તે લિવરપૂલ એકેડમીમાં સ્પોર્ટ્સ ટ્રેનિંગ પણ લઇ રહ્યો છે.  

ન્યૂઝ એજન્સી ઈરાન ફ્રન્ટ પેજ સાથે વાતચીત દરમિયાન મોહમ્મદે કહ્યું કે, મારા દીકરામાં રહેલું ટેલેન્ટ જોયા પછી ઘણા લોકોએ મને ઈન્સ્ટાગ્રામ પેજ બનાવવાની સલાહ આપી હતી. મેં તેના માટે સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું અને તેને માત્ર ઈરાન જ નહિ પણ આખી દુનિયામાંથી સારો આવકાર મળ્યો.
 
ઘણા યુઝર્સ મોહમ્મદ પર તેના દીકરાને નાનકડી ઉંમરમાં કરાવી રહેલી મહેનત પર પણ પ્રશ્ન ઉઠાવે છે. અ પ્રશ્નો પર મોહમ્મદ કહે છે કે, અરાત એક્ટિવ બાળક છે. નાનપણથી તેને એથ્લેટિક એક્ટિવિટીમાં અલગ જ રસ છે. હું તેને ટ્રેનિંગ આપવામાં હેલ્પ કરું છું.  એક પિતા હોવાને લઇને મારા દીકરાને તેના સપના પૂરા કરવામાં મદદ કરી રહ્યો છું અને તેમાં કઇ જ ખોટું નથી.