• Home
  • News
  • આ તે કેવો ન્યાય?:રેલીઓ કાઢનાર નેતાઓને દંડ નહીં ને સુરતમાં એકની એક દીકરીના લગ્નના અવસરે પાલિકાએ 5000નો દંડ ફટકાર્યો
post

100 લોકોની મંજૂરી છતાં નાના વરાછાની ગંગા-જમના સોસા.ની વાડીમાં વધુ હાજર હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 10:07:52

કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબજ જરૂરી છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાડીમાં ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા પાલિકાએ 5000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉલ્લેખનીય છે કે, એકતરફ કોરોના કાળ દરમિયાન ચૂંટણીના બ્યૂગલો ફૂંકવા માટે નેતાઓ ઠેર-ઠેર જાહેર સભાઓ અને રેલીઓ કાઢતા હતા. ત્યારે પાલિકાએ તેમની પાસેથી દંડ વસૂલવાનું યોગ્ય લાગ્યું નહોતું. જ્યારે એકની એક દીકરીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાયું તો પાલિકાએ ભાઈ પાસેથી 5 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

સુરતમાં લગ્નપ્રસંગમાં દંડ ફટકારવાની આ પહેલી ઘટના
લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે હાલમાં વકરી રહેલા કોરોના વાયરસના કેસને લઇ પાલિકાએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા સામે સઘન કામગીરી શરૂ કરી છે. બુધવારે નાના વરાછાની એક સોસાયટીની વાડીમાં યોજાયેલા લગ્ન સમારોહમાં લોકો માસ્ક વગર દેખાતા અને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા વરાછા ઝોન-બી (સરથાણા)ની ટીમે કન્યાના ભાઇને રૂા.5 હજારનો દંડ ફટકાર્યો હોવાની માહિતી સામે આવી છે. સુરતમાં લગ્નપ્રસંગમાં દંડ ફટકારવાની આ પહેલી ઘટના બની છે. આગામી દિવસમાં શહેરમાં વિવિધ સ્થળોએ લગ્ન પ્રસંગો યોજાનાર હોઇ પાલિકાની ટીમ સજાગ થઇ છે.

માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના તો ધજાગરા ઉડ્યા
બુધવારે નાના વરાછા સ્થિત ગંગા જમના સોસાયટીની વાડીમાં હિરલબેન દુલાભાઇ જીવાણી નામની કન્યાના લગ્ન હતા. આ લગ્નસમારોહમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના તો ધજાગરા ઉડ્યા હતા. પરંતુ લગ્નપ્રસંગમાં મહત્તમ 100 લોકોને જ હાજર રહેવાની સરકારે આપેલી મંજૂરીને પણ ધોળીને પી ગયા હતા. લગ્નપ્રસંગમાં 100થી વધારે લોકો હાજર હતા. જેથી પાલિકાએ શેહશરમ રાખ્યા વિના દંડ ફટકાર્યો હતો.

વધારાના લોકોને તરત જ બહાર કઢાયા
રાજ્ય સરકારે મહત્તમ 100 વ્યક્તિની મર્યાદામાં લગ્નપ્રસંગ યોજવા મંજૂરી આપી છે. પરંતુ ગંગા જમના વાડીમાં 100થી વધારે લોકો હાજર હતા. જેથી નિયમનું ઉલ્લંઘન થતાં પાલિકાની ટીમે બાકીના લોકોને વાડીમાંથી બહાર કઢાવ્યા હતા.

મોટા લગ્ન હોય તો 5 લાખ સુધી દંડ થઈ શકે
આજે પાલિકાની ટીમે સોસાયટીના વાડીમાં યોજાયેલા લગ્નપ્રસંગ સમારોહમાં 5 હજારનો દંડ કર્યો હતો. પરંતુ જરૂરી નથી કે બધા લગ્નપ્રસંગમાં 5000 નો જ દંડ કરે. દંડ માટે કોઇ રાશિની જોગવાઇ નથી. જેથી મોટા ફાર્મ હાઉસ કે વાડીમાં ભવ્ય લગ્ન સમારોહ હોઇ અને ત્યાં નિયમનું ઉલ્લંઘન થાય તો 50 હજારથી 5 લાખ સુધીનો પણ દંડ ફટકારી શકાય છે એમ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

5 હજાર દંડ ભરીને વધુ જાનૈયા બોલાવવાની માનસિકતા ન રાખતા
પાલિકાએ વરાછાની ગંગા-જમના સોસા.ની વાડીમાં 5 હજારનો દંડ લઇ લગ્ન-પ્રસંગ તો થવા દીધો હતો પરંતુ જાનૈયાઓને વાડીમાંથી બહાર નીકળી જવા સૂચના આપી હતી. આ ઘટના બન્યા બાદ શહેરમાં એક ચર્ચા શરૂ થઇ હતી કે શું લગ્નપ્રસંગમાં 500-1000 લોકો બોલાવીશું અને પાલિકાને પાંચ હજારનો દંડ આપીશું તો ચાલશે ને? આવી માનસિકતા રાખનારાઓ માટે પાલિકા ખૂબ જ કડક કાર્યવાહી કરશે.

દંડની રકમ પરત નહીં થાય તો ભીખ માગી ફાળો ઉઘરાવશું: અલ્પેશ કથીરીયા
પાસ અગ્રણી અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, મારી સોસાયટીથી માત્ર દોઢ કિલોમીટર દૂરની વાડીમાં જ આ ઘટના બની છે. મારે એટલું જ કહેવાનું કે રાજકીય લોકોની રેલીમાં હજારો લોકો જોડાય એ પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો ત્યારે પોલીસ કે પાલિકાએ કોઈ પણ પ્રકારની કાયદાકીય કે દંડાત્મક કાર્યવાહી કરી નથી. પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે કોરોના સમયમાં ધધો-રોજગાર બંધ હોવા છતાં પણ લગ્ન પ્રસંગમાં જે પણ દંડની કાર્યવાહી કરી છે, એ વખોડવાલાયક છે. જો દંડની રકમ પરત નહિ આપે પાલિકા તો પાસ ના કાર્યકર્તાઓ અને અન્ય સામાજિક સંસ્થાઓ એક થઇ SMC માટે ભીખ માગી ફાળો ઉઘરાવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post