• Home
  • News
  • અહેમદ પટેલના અવસાન બાદ ગુજરાત કોંગ્રેસમાં ફરી સોલંકી યુગ આવશે, અહેમદ પટેલની નજીકના નેતાઓ સ્વીકારે છે, હવે સંઘર્ષના દિવસો
post

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં કોઇ બદલાવ નહીં આવે તેવી વાત વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાત કોંગ્રેસ સાથે ચર્ચામાં કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 13:27:29

ગુજરાત કોંગ્રેસમાં સત્તાના કેન્દ્રને લઇને લાંબા સમયથી ઘણી ખેંચતાણ ચાલી રહી હતી, પણ હવે પક્ષમાં ભરતસિંહ સોલંકીનો દબદબો પાછો વધશે તેવું પક્ષના સૂત્રો જણાવે છે. અગાઉ અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસમાં લગભગ સર્વેસર્વા હતા, પરંતુ તેમના અવસાન બાદ ભરતસિંહ સોલંકી અને તેમના જૂથના લોકો મજબૂત થશે.

રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોનાને કારણે અશક્ત દેખાતાં ભરતસિંહે ફરી સક્રિયતા દર્શાવી છે. તેમના જ પિતરાઇ અમિત ચાવડા હાલ પ્રદેશ પ્રમુખ છે. રાહુલ ગાંધી જ્યારે રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે ઘનિષ્ઠતાને કારણે ભરતસિંહ સોલંકી વર્ચસ્વ ધરાવતા હતા જ્યારે અહેમદ પટેલ તે સમય દરમિયાન થોડા હાંશિયામાં ધકેલાયા હતા, જો કે રાહુલ ગાંધીના રાજીનામા બાદ સોનિયા ગાંધી પ્રમુખ બન્યાં અને ફરી પટેલની સત્તાઓ વધી, અને તે દરમિયાન સોલંકી જૂથ થોડું નિસ્તેજ થયું હતું.

કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે છેલ્લી રાજ્યસભાની ચૂંટણી વખતે ભરતસિંહ સોલંકી પહેલા ઉમેદવાર ન હતા, પરંતુ તેમના જૂથના લોકોએ નારાજગી દર્શાવતા તેમને ઉમેદવારીની તક તો મળી, પરંતુ તેમનો પ્રાથમિકતા ક્રમ અહેમદ પટેલના અતિવિશ્વાસુ ગણાતા શક્તિસિંહ ગોહિલ બાદનો હોવાથી તેઓ જીતી શક્યા નહીં. હવે અહેમદ પટેલ નથી અને રાજ્યમાં સોલંકી જૂથ હાલ સૌથી શક્તિશાળી હોવાથી તેઓ ગુજરાત કોંગ્રેસમાં પાવરસેન્ટર બનશે.

આ તરફ અહેમદ પટેલના અતિવિશ્વાસુ ગણાતા અમુક નેતાઓએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે હવે તેમના જૂથના લોકો માટે સંઘર્ષપૂર્ણ સમય શરૂ થઇ રહ્યો છે. કોંગ્રેસમાં વિવિધ જૂથો વચ્ચે સીધી સ્પર્ધા છે, તેમાં અહેમદ પટેલના અવસાન બાદ અમારું જૂથ નબળું પડશે તે ચોક્કસ છે.

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં કોઇ બદલાવ નહીં આવે તેવી વાત વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાત કોંગ્રેસ સાથે ચર્ચામાં કરી હતી. તે પછી ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ શુક્રવારે અહીં આવશે અને ચૂંટણી કોઓર્ડિનેશન કમિટી, મહાનગર અને નગરપાલિકાના નિરીક્ષકો તથા ત્યારબાદ પંચાયતોના નિરીક્ષકો સાથે બેઠક કરી ચૂંટણીની રણનીતિ, ઉમેદવાર પસંદગી સહિતની બાબતો અંગે ચર્ચા કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post