• Home
  • News
  • સાઉથ આફ્રિકાના સ્વિમર ચાડ લે ક્લોસે કારકિર્દીનો રેકોર્ડ ૧૮મો CWG મેડલ જીત્યો
post

કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાના રેકોર્ડની બરોબરી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-02 19:14:01

બર્મિંગહામ: સાઉથ આફ્રિકાના ૩૦ વર્ષના સ્વિમર ચાડ લે ક્લોસે કોમનવેલ્થ ગેમ્સમાં કારકિર્દીનો રેકોર્ડ ૧૮મો મેડલ જીતીને ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. ચાડ લે ક્લોસે મેન્સ ૨૦૦ મીટર બટરફ્લાય ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ક્લોસ અગાઉ ઈંગ્લેન્ડના શૂટર માઈકલ ગાઉલ્ટ અને ઓસ્ટ્રેલિયન શૂટર ફિલ એડ્મ્સે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ ૧૮-૧૮ મેડલ જીત્યા હતા. હવે ક્લોસ પણ તેમની બરોબરીએ આવી ગયો હતો.

તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયશિપમાંથી ખસી ગયેલો ક્લોસ કોમનવેલ્થ ગેમ્સ મેસ ૨૦૦ મીટર બટરફ્લાયમાં ગોલ્ડનો દાવેદાર મનાતો હતો. જોકે ન્યુઝીલેન્ડના લુઈસ ક્લારબ્યુર્ટે તેને આંચકો આપતાં એક મિનિટ અને ૫૫.૬૦ સેકન્ડમાં રેસ પુરી કરતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જ્યારે ન્યુઝીલેન્ડના હરિફ કરતાં ૦.૨૯ સેકન્ડ પાછળ રહેલા ચાડ લે ક્લોસને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. ક્લોસ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ૭ ગોલ્ડચાર સિલ્વર અને ૭ બ્રોન્ઝ જીતી ચૂક્યો છે.

એડમ પેટી ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં આઠ વર્ષમાં પહેલીવાર હાર્યો

બ્રિટનનો ઓલિમ્પિક લેજન્ડ સ્વિમર એડમ પેટી ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકની ઈવેન્ટમાં આઠ વર્ષમાં પહેલીવાર હાર્યો હતો અને કોમનવેલ્થ ગેમ્સમાં યોજાયેલી ઈવેન્ટમાં ચોથા સ્થાને રહ્યો હતો. ઈંગ્લેન્ડના સ્વિમર જેમ્સ વિલબાયે ૫૯.૨૫ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝેક સ્ટુબ્લેટ્ટી-કૂકને (૫૯.૫૨ સેકન્ડ) સિલ્વર અને ઓસ્ટ્રેલિયાના સેમ વિલિયમસનને (૫૯.૮૨ સેકન્ડ) બ્રોન્ઝ મળ્યો હતો. એડમ પેટી ૫૯.૮૬ સેકન્ડ સાથે ચોથા સ્થાને રહ્યો હતો.