• Home
  • News
  • 25 જુલાઈએ દ.ગુજરાતમાં સામાન્ય તો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા, અત્યાર સુધીમાં 36% વરસાદ
post

રાજ્યમાં 20 જુલાઈ-2020 સુધીમાં અંદાજીત 64.28 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-22 11:50:35

અમદાવાદ: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી.જે. વ્યાસે આજે વેધર વોચની મીટિંગ યોજી હતી. ટી.જે.વ્યાસે તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટિગની શરૂઆત કરી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મીટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં એટલે કે 21 જુલાઈ 2020 સુધીમાં સરેરાશ 12 ઈંચ વરસાદ થયો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ 831 મિમિ(33 ઈંચ)ની સરખામણીએ 36.2 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 20 જિલ્લાના કુલ 38 તાલુકામાં સરેરાશ ૦.94 મિમિ વરસાદ નોધાયો છે. જ્યારે આજે સવારે 6.૦૦ થી 2.૦૦ સુધી 16તાલુકામાં ૩ મિમિ થી 17 મિમિ વરસાદ નોધાયો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સૌથી વધુ 17 મિમિ વરસાદ થયો છે.

25 જુલાઈએ દ.ગુજરાતમાં સામાન્ય તો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે
IMD
દ્વારા PPT(પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન) રજૂ કરી આગામી સમયમાં 21થી 23 જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા નહિવત છે તેમ જણાવ્યું છે. જ્યારે 24 જુલાઈ-2020ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શક્યતા જણાતી નથી. તેમજ 25 જુલાઈ-2020ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે. 

છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.72 ટકા વાવેતર
જ્યારે કૃષિ વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે 20 જુલાઈ-2020 સુધીમાં અંદાજીત 64.28 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 53.13 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.72 ટકા વાવેતર થયું છે.

205 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 48.60 ટકા પાણી
સિંચાઇ વિભાગ મુજબ,રાજ્યનાં 205 જળાશયોમાં હાલ કુલ સંગ્રહ 270628 MCFT(મિલિયન ક્યુબિક ફિટ) છે. જે કુલ સંગ્રહ શક્તિના 48.60% છે. હાલમાં વરસાદ ન હોવાથી જળાશયોમાં કોઇ નોંધનીય આવક થઈ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી. હાલ રાજ્યમાં વધુ વરસાદ નથી ૫રંતુ આગામી સમયમાં જો ભારે વરસાદ થાય તો તે અંગે આગોતરા આયોજન માટે અલગ-અલગ વિભાગના હાજર અઘિકારીઓને રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post