• Home
  • News
  • પૂરપાટ સ્પીડે આવતી ટ્રકે સ્કૂલના સ્ટાફને અડફેટે લીધો, 2 શિક્ષિકા અને રિક્ષાચાલકનાં મોત
post

હનુમાન સ્કૂલ બાજુ થોડેક દૂર મહુવાથી આવતી ઓટોરિક્ષા અને સામેથી આવતી ટ્રક બંને પોતાનું સંતુલન ગુમાવી સામસામે ટકરાયાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-30 18:03:18

મહુવા : આજકાલ ઉતાવળે વાહન ચલાવવામાં બેદરકારીને કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે અને આવા અકસ્માતોમાં નિર્દોષ લોકોના ભોગ લેવાતા હોય છે. આજે વહેલી સવારે મહુવા નેશનલ હાઇવે રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં જ ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો ભૂકો બોલાઈ ગયો હતો. મહુવા નેશનલ હાઈવે મોતની ચિચિયારીથી ગુંજી ઊઠ્યો હતું. આ અકસ્માતમાં 2 શિક્ષિકા સહિત રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. મોતને ભેટેલા રિક્ષાચાલકના 5 ફેબ્રુઆરીના દિવસે લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાજુલા તરફથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે ઓટોરિક્ષાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, ઓટોરિક્ષા પ્રાઇવેટ સ્કૂલના સ્ટાફને સ્કૂલે મૂકવા જતી હતી. ત્યારે સામેથી આવેલી ટ્રક સાથે અથડાતાં અક્સ્માત સર્જાયો હતો, જેમાં ત્રણનાં મોત થયાં છે. એમાં બે મહિલા શિક્ષિકા અને રિક્ષાચાલક સહિત ત્રણનાં મોત થયાં છે. રિક્ષાચાલકના 5 ફેબ્રુઆરીના દિવસે લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા
ઉમાનિયાવદર નજીક આજે વહેલી સવારે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં હનુમંત સ્કૂલની 2 શિક્ષિકા અને રિક્ષાચાલક સહિત ત્રણેયને સારવાર માટે હનુમંત હોસ્પિટલ ખાતે લઇ જવાતાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ આ ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે.

અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો
દરરોજની જેમ શિક્ષિકાઓ સ્કૂલના ટાઈમ પ્રમાણે રિક્ષામાં બેસીને સ્કૂલે ભણાવવા માટે જતી હતી અને હનુમાન સ્કૂલ બાજુ થોડેક દૂર મહુવાથી આવતી ઓટોરિક્ષા અને સામેથી આવતી ટ્રક બંને પોતાનું સંતુલન ગુમાવી સામસામે ટકરાયાં હતાં. ભડાકા સાથે અકસ્માત થતાં ઘટનાસ્થળ પર જ રિક્ષાડ્રાઇવર તેમજ બે સ્કૂલ ટીચરનાં મોત થયાં હતાં. અકસ્માતને કારણે થોડીવાર માટે હાઈવે બંધ થઈ ગયો હતો. તાત્કાલિક પોલીસને જાણ થતાં મહુવા પોલીસે આવી સમગ્ર મામલો સંભાળી લીધો હતો.

ડીસામાં ધુમ્મસને કારણે અકસ્માત
બીજી તરફ, આજે વહેલી સવારે ડીસામાં ગાઢ ધુમ્મસને કારણે જૂનાડીસા પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષામાં બેસવા જતાં રાહદારીને આઇસર ટ્રકચાલકે અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહદારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ટ્રકચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post