• Home
  • News
  • બેંકના લેડીઝ વોશરૂમમાંથી સ્પાઇ કેમેરો મળ્યો​​​​​​​:PNBની મહિલા કર્મચારીઓના ફોટો-વીડિયો લેવાના ઈરાદે ઇન્ચાર્જ મેનેજરે જ કેમેરો લગાવ્યો હતો, મહિલા કર્મચારીએ પકડી પાડ્યો
post

મહિલા કર્મચારી દ્વારા તરત જ બેંકના ઉચ્ચ અધિકારીઓનું અને પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-15 17:26:24

જામનગરના દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકના ઈન્ચાર્જ મેનેજરે જ મહિલાઓના વોશરૂમમાં સ્પાઇ કેમેરો લગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચ્યો છે. બેંકની મહિલા કર્મચારીઓના ફોટો અને વીડિયો લેવાના ઈરાદાથી બેંકના લેડીઝ વોશરૂમમાં લગાવેલો કેમેરો બેંકની મહિલા કર્મચારીએ જ ઝડપી પાડ્યો હતો. આ મામલે મહિલા કર્મચારી દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરાયા બાદ કેમેરો લગાવનાર ઈન્ચાર્જ મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બેંકનાં મહિલા કર્મચારીએ જ મામલાને ઉજાગર કર્યો
જામનગર નજીક આવેલા દરેડ GIDCમાં મહાવીર સર્કલ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં કાર્યરત એક મહિલા કર્મચારીને બેંકના વોશરૂમનો ઉપયોગ કરતી સમયે દરવાજા ઉપરની દીવાલ પર લગાવેલો એક સ્પાઈ કેમેરો ધ્યાન પર આવ્યો હતો, જેથી મહિલા કર્મચારી દ્વારા તરત જ બેંકના ઉચ્ચ અધિકારીઓનું અને પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

બેંકના ઈન્ચાર્જ મેનેજરે જ કેમેરો લગાવ્યાનો ઘટસ્ફોટ
આ મામલે તપાસ કરાતાં પંજાબ બેંકમાં હાલ ઈન્ચાર્જ મેનેજર તરીકે કામ કરતા અખિલેશ સૈનીએ જ આ સ્પાઈ કેમેરો લગાવ્યા હોવાનું ખૂલ્યું હતું. અખિલેશ સૈની મૂળ હરિયાણાનો નિવાસી છે અને હાલ જામનગરના યમુનાનગરમાં રહે છે. બેંકની મહિલા કર્મચારીઓના વીડિયો અને ફોટો લેવાના ઈરાદાથી અખિલેશ સૈનીએ મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવવા મામલે મહિલા કર્મચારીએ જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અખિલેશ સામે આઈપીસી કલમ 354(સી) મુજબ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે કેમેરો કબજે કરી તપાસ હાથ ધરી
મહિલાઓની સુરક્ષાને લઈ અતિગંભીર મામલામાં જામનગર પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ એમ.એમ.મોરી અને સ્ટાફે બેંક પર પહોંચી મહિલાઓના વોશરૂમમાં લગાવેલો સ્પાઈ કેમેરો કબજે કરી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપીએ 7 ઓગસ્ટે પણ સ્પાઈ કેમેરો ગોઠવ્યો હતો
જામનગર દરેડ જીઆઈડીસીમાં આવેલી પંજાબ નેશનલ બેંકનાં મહિલા કર્મચારીએ બેંકના લેડીઝ વોશરૂમમાંથી 10 ઓગસ્ટે સ્પાઈ કેમેરો ઝડપી પાડ્યો હતો. આ બેંકના મેનેજર રજા પર હોઈ, તેના ચાર્જમાં અખિલેશ સૈની હતો, જેથી મહિલા કર્મચારીએ આ બાબતે અખિલેશ સૈનીને વાત કરી HRD હેડને વાત કરવાનું કહ્યું હતું. જેથી અખિલેશ સૈનીએ પોતે જ આ કેમેરો ગોઠવ્યાનું કબૂલીને મહિલા કર્મચારીની માફી માગી લીધી હતી. અખિલેશ સૈનીએ 7 ઓગસ્ટે પણ મહિલા વોશરૂમમાં સ્પાઈ કેમેરો મૂક્યો હોવાનું મહિલા કર્મચારી સમક્ષ કબૂલ્યું હતું. આ મામલે મહિલા કર્મચારીએ બદનામીના ડરે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ તેમના પતિએ તેમને હિંમત આપતાં સોમવારે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ઈન્ચાર્જ મેનેજર સામે ગુનો નોંધાવ્યુંનું જામનગર ગ્રામ્યના ડીવાયએપી ડી.પી.વાઘેલાએ જણાવ્યું હતું.

કેમેરાને FSLમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ
અખિલેશ સૈની દ્વારા 7 અને 10 ઓગસ્ટે બેંકના મહિલા વોશરૂમમાં સ્પાઈ કેમેરો ગોઠવ્યો હોવાનું સામે આવ્યા બાદ પોલીસે સ્પાઈ કેમેરો કબજે કર્યો છે અને તપાસ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ આરોપી ઈન્ચાર્જ મેનેજરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ વધુ એકવાર કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઊભો થયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post