• Home
  • News
  • ગુજરાતના ST ડ્રાઇવરને આવ્યો દિલ્હીથી ફોન:હેલ્લો..'પીરુભાઈ બોલો છો? રાષ્ટ્રપતિ તમારું સન્માન કરશે તો તમે દિલ્હી હાજર રહેજો', પહેલા તો મજાક સમજીને ફોન કાપી દીધો પણ હવે...
post

મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરના વતની અને હાલ સતલાસણા તાલુકાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર હાલ વાવમાં પોતાના પરિવાર સાથે રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 18:49:05

મહેસાણા: 'હું ઘરે હતો ને મારા ફોન પર રિંગ વાગી, મેં ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો.. હેલ્લો પીરુભાઇ બોલો છો? રાષ્ટ્રપતિ તમારું સન્માન કરવાના છે. 18 એપ્રિલે દિલ્હી આવી જજો...મને લાગ્યું આ ફ્રોડ કોલ છે, એટલે મેં કાપી દીધો, ફરીવાર ફોન આવ્યો તો મેં ઉપાડ્યો જ નહીં. બાદમાં મારા ડેપો મેનેજરે મને કીધું ત્યારે મને ખબર પડી...' આ શબ્દો છે ખેરાલુ ડેપોની એસ.ટી બસ ચલાવતા પીરુભાઇ મીરના.. જેમનું આવતીકાલે રાષ્ટ્રપતિ સન્માન કરશે. આવું પ્રથમવાર હશે, જ્યારે કોઇ બસ ડ્રાઇવરનું સન્માન રાષ્ટ્રપતિના હસ્તે થશે..

પ્રથમવાર કોઈ ડ્રાઇવરનું રાષ્ટ્રપતિ સન્માન કરશે
ખેરાલુમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય પીરુભાઈ મીર પોતાની નોકરીનાં 27 વર્ષ દરમિયાન એક પણ અકસ્માત સર્જ્યો નથી અને સૂઝબૂઝથી બસ ચલાવી અત્યાર સુધીમાં ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી ચૂક્યા છે. તેમજ અત્યાર સુધીની કારકિર્દીમાં એક પણ રજા નથી લીધી. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ થઈ નથી. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી તેઓને રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. તેમજ મુસાફરોની સલામતી, સુમેળભર્યો વ્યવહાર, વફાદારીપૂર્વક નોકરી આ તેઓની વિશેષતા છે.

 

15 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવતા ઘરની જવાબદારી આવી
પીરુભાઈના પિતા છોટુભાઈ મીર ઘોડા લે-વેચનું કામ કરતા હતા, પરિવારમાં 6 ભાઈ હતા, જેમાં તમામ અલગ રહેતા હતા. જોકે, પીરુભાઈ માત્ર 15 વર્ષના હતા એ દરમિયાન તેઓના પિતાનું નિધન થતા પરિવારની જવાબદારી તેઓના માથે આવી પડી હતી. જેથી તેઓએ ઘરનું ગુજરાન ચલાવવા માટે લોકલ જીપોમાં કંડક્ટર તરીકે કામ કરવા લગ્યા. જ્યાં તેઓને મહિને 700થી 800 રૂપિયા પગાર મળતો હતો.

માંડ માંડ જીવન ગુજારો થતો: પીરુભાઈ મીર
પીરુભાઇ મીર જણાવે છે કે, મારી નાની ઉંમરમાં પિતાનું નિધન થઈ ગયું અને જવાબદારી મારા માથે આવી પડી. જેથી એક બાજુ કામ અને એક બાજુ ભણવાનું એવું ચાલતું હતું. ભણવામાં ધ્યાન ન જતું અને કામ પણ કરવું પડતું. ભણવામાં હું હોશિયાર નહોતો જેથી ધોરણ 10મા નપાસ થયા બાદ કોઈ પરીક્ષા આપી નથી. પિતાના નિધન બાદ જીપોમાં પગાર પર કામ કરતો, એવા પણ દિવસો આવતા કે કોઈ દિવસ ખીચડી ખાવી પડતી, તો કોઈ દિવસ એકલો રોટલો ખાવા મળતો. આ તો કુદરતે જોયું ને મારું કામ આજ સમગ્ર ગુજરાત જાણીતું થયું છે.

10મું નપાસ થતા ખટારા ચલાવ્યા, મહિને 2-3 હજાર મળતા
પીરુભાઈ વધુમાં જણાવે છે કે, જીપોમાં કંડક્ટરનું કામ કર્યા બાદ ડ્રાઈવરો પાસે જીપ ચલાવવાનું શીખ્યો, ત્યારબાદ ધોરણ 10મા નપાસ થતા ધીમે ધીમે ખટારા ચલાવવા લાગ્યો. એ સમયમાં 5થી 10 વર્ષ સુધી ટ્રક ચલાવી, મુંબઈ, કોલ્હાપુર જેવી જગ્યા પર ટ્રીપો મારતા હતા ને ઘરે 3 દિવસે આવતા હતા. જેમાં મહિને બે-ત્રણ હજાર રૂપિયા મળતા હતા. ટ્રક ચલાવતાં ચલાવતાં 1997માં બસ ડ્રાઇવરની ભરતી પડતાં મેં ફોર્મ ભર્યું ને સદનસીબે હું લાગી પણ ગયો. મારા કુટુંબમાં મારા સિવાય કોઈને સરકારી નોકરી નથી. પરિવારને જાણ થતાં તેઓ પણ બહુ ખુશ થયા. પ્રથમ પોસ્ટિંગ મારુ અંકલેશ્વર થયું, ત્યારબાદ જગ્યાઓ બદલાતી રહી ત્યાં મને એ સમયે રોજમદાર તરીકે દિવસના 50 રૂપિયા મળતા હતા.

 

દિલ્હીથી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે બે વાર કોલ આવ્યો ફ્રોડ કોલ સમજી કાપી દીધો
પીરુભાઈ મીર જણાવે છે કે, હું ઘરે હતો એ દરમિયાન દિલ્હીથી કોઈનો મારી પર ફોન આવ્યો અને જણાવ્યું કે, પીરુભાઈ બોલો છો...? તમારું સન્માન રાષ્ટ્રપતિ કરવાના છે, 18 તારીખે દિલ્હી ખાતે હાજર રહેજો...આમ કહેતા જ મેં ફ્રોડ કોલ સમજી કાપી દીધો. બીજી વાર આવ્યો તો મેં નહોતો ઉપાડ્યો... બાદમાં દિલ્હીથી ગુજરાત GSRTCના ઉચ્ચ અધિકારીઓને કોલ ગયા. ત્યાંથી ખેરાલુ ડેપો મેનેજરને કોલ કર્યા અને ડેપો મેનેજરે મને આ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે જાણ કરી ત્યારે મને ખબર પડી કે ખરેખર મારું રાષ્ટ્રપતિ સન્માન કરવાના છે એવો વિશ્વાસ બેઠો.

હું STનો જ ડ્રેસ પહેરીશ: પીરુભાઈ મીર
પીરુભાઇ મીરનું 18 એપ્રિલે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ સન્માન કરવાના છે. ત્યારે તેઓ હાલમાં પોતાની રીતે તમામ તૈયારી કરી લીધી છે. દિવ્ય ભાસ્કરે પૂછ્યું કે, દિલ્હી જવા માટે શું તૈયારી કરી? તો પીરુભાઇએ જવાબ આપ્યો કે, ત્રણ જોડી ST ડ્રેસ સિવડાવ્યો છે. દિલ્હી પોગ્રામમાં શું પહેરવું એની જાણ નથી, પણ STનું સન્માન જળવાય એટલે હું પોગ્રામમાં અમારો યુનિફોર્મ પહેરીશ.

પીરુભાઇની બસ ચલાવવાની ખાસિયત
સરકારી બસના ડ્રાઈવરોને સંબોધીને પીરુભાઇ કહે છે કે, હંમેશાં સ્ટોપેજ પર ઊભેલા મુસાફર હાથ લાંબો કરે તો એ જ સમયે બસ ધીમી પાડી એની નજીક જ બસ રોકી લો, જેથી બસ વધુ ઘસડાય નહીં અને બ્રેક લોડ પડે નહીં. ડીઝલમાં પણ બચાવ થાય. વધુ ગિયર અને બ્રેક કરવાથી પણ ડીઝલ વેસ્ટ જતું હોય છે. જરૂરિયાત પ્રમાણે પોતાની સૂઝબૂઝથી ડ્રાઇવિંગ કરવું જોઈએ.

કોણ છે પીરુભાઈ મીર?
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરના વતની અને હાલ સતલાસણા તાલુકાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર હાલ વાવમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમજ ખેરાલુ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. પરિવારમાં પત્ની સંતુબેન અને દીકરી હીના ઘર સંભાળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post