• Home
  • News
  • સાળંગપુર વિવાદ મામલે ભાજપ નેતાઓના નિવેદન:સાંસદે કહ્યું, ભીંતચિત્રો દૂર કરો, મંત્રી બાવળિયાએ કહ્યું, સાંજ સુધીમાં વિવાદનો અંત આવે એવા પ્રયાસ
post

સુરતથી પણ કરણી સેનાએ અલ્ટિમેટમ આપ્યું અને જો આ ચિત્રો હટાવવામાં નહીં આવે તો ધર્મયુદ્ધ છેડશે અને પરિણામ સારું નહીં આવે એવાં નિવેદનો સામે આવી રહ્યાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-02 19:01:19

સાળંગપુરમાં ભગવાન હનુમાન દાદાને લઈને વિવાદનો સ્તર સતત વધતો જાય છે. ત્યારે હવે રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આ મામલે મેદાને આવીને ભીંતચિત્રો હટાવવા માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે મંદિરનો પૂજારી હોય તો તેને પૂજારી તરીકે રહેવાય. તે એમ કહે કે હું ભગવાન છું એ ન ચાલે તેમજ વડોદરામાંથી સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.જ્યોતિર્નાથ બાબા કહ્યું હતું કે આવતીકાલે એક બેઠક સંતોની થવા જઈ રહી છે અને ત્યાર પછી નક્કી કરાશે એની પર આગળની કાર્યવાહી. તો બીજી તરફ સુરતથી પણ કરણી સેનાએ અલ્ટિમેટમ આપ્યું અને જો આ ચિત્રો હટાવવામાં નહીં આવે તો ધર્મયુદ્ધ છેડશે અને પરિણામ સારું નહીં આવે એવાં નિવેદનો સામે આવી રહ્યાં છે.

ભીંતચિત્રોને લઈ વિવાદ સર્જાયો
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાતો મુદ્દો એકમાત્ર સાળંગપુર મંદિરનો છે, જ્યાં હનુમાનજી મહારાજનાં કેટલાંક ભીંતચિત્રોને લઇ વિવાદ સર્જાયો છે. એને કારણે ઠેર ઠેર લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આ મામલે નિવેદન આપી ભીંતચિત્રો હટાવવાં જોઈએ તેવી માગ કરી છે.

ભીંતચિત્રો દૂર કરવા જોઈએ એવું મારું માનવું છે: સાંસદ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે હું મારૂતિનંદનનો ભગત છું, તેમનું સન્માન જાળવવું જોઇએ. કોઈ મંદિરનો પૂજારી હોય તો તેને પૂજારી તરીકે રહેવાય. તે એમ કહે કે હું ભગવાન છું તો એ ન ચાલે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો આ ભીંતચિત્રો દૂર કરવાં જોઈએ એવું મારું માનવું છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી એની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય એવું ન કરવું જોઇએ.

કુંવરજી બાવળિયાનું મહત્વનું નિવેદન
તો બીજી તરફ રાજ્ય મંત્રી કુંવરજી બાવળિયાએ મામલો શાંતિથી ઠરે તે પ્રકારે નિવેદન આપ્યું છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, સાંજ સુધીમાં સ્થાનિક લેવલેથી વિવાદનો અંત આવે તે પ્રકારના પ્રયાસ છે. સાળંગપુર વિવાદ મામલે સ્થાનિક કક્ષાએ પણ વાત સ્વીકારી છે કે, જે વિવાદ થયો છે. જરૂર પડશે તો અમે ત્યાં જઈશું અને સાથે બેસીને વિવાદનો ઉકેલ લાવશું. વધુમાં જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સ્થાનિક લેવલેથી વિવાદનો અંત આવે તે પ્રકારની શક્યતા છે. સંતો સાથે વાત નથી થઈ, પરંતુ સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનિક વાત થઈ છે. જો જરૂર પડશે તો અમે જઈશું. જેમ બને તેમ આ વિવાદ ઝડપથી ટાળવો જોઈએ. તેમજ ભીંતચિત્રોને લઈને બાવળીયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ વિશે વિવાદ થાય તેવા ચિત્રો અથવા વોટ્સએપ ઉપર ફોટા ન મુકવા જોઈએ તે પછી કોઈ ભગવાન હોય કે કોઈ વ્યક્તિ હોય. વિવાદ ઉભા થાય અને ખોટી અશાંતિ ઉભી થાય તેવા પ્રત્યનો ન કરવા જોઈએ.

સુરતમાં કરણી સેના લાલઘૂમ
આ સંદર્ભે કરણી સેનાના આગેવાન જેનિસ કાતરિયાએ જણાવ્યું હતું કે 4 સપ્ટેમ્બર સુધીમાં વિવાદાસ્પદ પ્રતિમા અને ચલચિત્રો દૂર નહીં કરવામાં આવે તો કરણી સેનાના કાર્યકરો દ્વારા સાળંગપુર ખાતે કૂચ કરવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા આ વિવાદને પગલે હજારો શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. આગામી 4થી સપ્ટેમ્બર સુધી જો આ વિવાદાસ્પદ ભીંતચિત્રો દૂ૨ ક૨વામાં નહીં આવે તો મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત કરણી સેનાના કાર્યકરો સાળંગપુર પહોંચશે અને ભારે હલ્લાબોલ કરશે, જેનું પરિણામ સારું આવશે નહીં અને આ સાથે ત્યાં ધર્મયુદ્ધ સર્જાય એવી પરિસ્થિતિ નિર્માણ થશે. એને લઇ ધર્મનું યુદ્ધ ન થાય એ પ્રકારે આગ્રહ કર્યો હતો.

વડોદરામાંથી બાબાની ચેતવણી
તો બીજી તરફ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો છે. જે પોતાના ઇસ્ટ માનતા હોય, પોતાના દેવ માનતા હોય, આજે કોઈ પોતાના મા-બાપની સામે કઈ બોલે તો કોઈ સહન કરતું નથી, તો આ તો દેવ છે, ઇષ્ટ છે, તેમનું અપમાન થતું હોય તો ક્યારેક આવાં વરવાં પરિણામ ભોગવવાં પડે, કારણ કે કેટલાય દિવસથી કહીએ છીએ કે આવાં વરવાં પરિણામો ભોગવવાં પડે, એટલે ચેતતા રહેજો છતાં મધથી ભરેલા અને ક્યાંક સત્તાના સપોર્ટમાં ફાટેલા આ સંપ્રદાયના લોકો એવું કહેતા હતા કે જે-તે ફોરમ પર અમે જોઈ લઈશું. હવે પ્રજા વીફરશે તો શું જોશે આ એક મોટો પ્રશ્ન છે. આવતીકાલે એક બેઠક સંતોની થવા જઈ રહી છે અને ત્યાર પછી નક્કી કરાશે એની પર આગળની કાર્યવાહી અને 5 તારીખે પણ વરિષ્ઠ સંતોની એક બેઠક છે. આ બધા પરથી નક્કી કરીશું કે આગળ શું કરવું.

adv

Related News

post
post
post
post
post
post
post