• Home
  • News
  • રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગ લીધો:જોડિયાનાં વૃદ્ધનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત, પરિવારમાં આક્રંદ, મૃતકની પત્નીએ રડતા રડતા કહ્યું- ‘નાનકડા પરિવારનો માળો વિખાઈ ગયો’
post

હાઈકોર્ટે પણ સરકારની વારંવાર ઝાટકણી કાઢી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 18:26:59

ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે કાગળ પર કાર્યવાહી થતી હોય તેમ વારંવાર રખડતા ઢોરની હડફેટે લોકોના મોતની ઘટનાઓ હજુ પણ સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જામનગરના જોડિયા ખાતે ગોપાલભાઈ દવે નામના 71 વર્ષીય વૃદ્ધ શાકભાજી લેવા જતા હતા ત્યારે આખલાએ ઢીંક મારતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. દિવ્યભાસ્કરને ઘટનાની હકીકત જણાવતા મૃતકનાં પત્ની રડી પડ્યા હતાં.

71 વર્ષીય વૃધ્ધ આખલાએ ઢીંક મારતા રોડ પર ફંગોળાઈ ગયા
મૃતકનાં પત્ની આરતીબેન દવેએ જણાવ્યું હતું કે, તેઓ જામનગરના જોડિયામાં રહે છે. બે દિવસ પહેલા જ તેમના 71 વર્ષીય પતિ ગોપાલભાઇ ભૂપતભાઈ દવે સવારે 10 વાગ્યે શાકભાજી લેવા માટે નીકળ્યા હતા ત્યારે આખલાએ ઢીંક મારતા વૃધ્ધ રોડ પર ફંગોળાઈ પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થવાથી પ્રથમ જોડીયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતાં ચાલુ સા૨વારે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાકે જોડીયા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

નાનકડા પરિવારનો માળો વિખાઈ ગયો
વધુમાં તેમણે જણાવ્યું કે, મૃતક નિવૃત જીવન જીવતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જો કે, આ ઘટનામાં પતિનું મોત થતા તેમના નાનકડા પરિવારનો માળો વિખાઈ ગયો છે ત્યારે બીજા કોઈ સાથે આવું ન થાય તે માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ સાથે જ તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોવાથી સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે તેવી માંગ પણ આરતીબેને કરી છે ત્યારે હવે તંત્ર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાશે તે આવનારો સમય જ બતાવશે.

હાઈકોર્ટે પણ સરકારની વારંવાર ઝાટકણી કાઢી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રખડતા ઢોરના આતંકથી અનેક લોકો ઢીંકે ચડી જતાં ગંભીર ઇજાના કારણે મોત થવાના બનાવો બની રહ્યાં છે. હાઈકોર્ટ પણ સરકારની વારંવાર ઝાટકણી કાઢી ઢોર પકડ મામલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે પછી સરકાર એકશનમાં કાયદો પણ ઘડયો હતો અને તંત્રને ઢોર પકડવા માટેના આદેશો પણ છુટયા હતા. જો કે, તેમાં પણ વિવાદ ઉભો થતાં વિધાનસભાની ચુંટણી માથે હોવાથી સરકારે ઢોરની ઢીંકે રાહદારીના મોતની ચિંતા નહીં બલ્કે વોટબેંકની ચિંતા કરી કાયદાને હળવાશથી લેવો તેમ અંગત રીતે તંત્રને સુચના આપતા થોડા સમય માટે ઢોર પકડ ઝૂંબેશ શાંત પડી ગઈ હતી. ત્યારે ફરી આ ઝુંબેશ અંતર્ગત કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

લોકોની સલામતી સર્વોચ્ચ - હાઇકોર્ટ
હાઈકોર્ટમાં ગઈકાલે જ આ સમસ્યા પર કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, દૈનિકોમાં વાંચવા મળે છે કે રખડતાં ઢોરથી કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. તેમના પરિવાર પર શું વિતતી હશે તે વિશે વિચાર્યું છે? સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી હોય તેવું લાગતું નથી. આવા બનાવો કેમ બને છે? ઓથોરિટીને ક્યારે સમજાશે કે નાગરિકોની સલામતી સર્વોચ્ચ છે. કોર્ટે પ્રશ્ન પણ કર્યો હતો કે જે-તે વિસ્તારમાં રખડતા ઢોર માટે જવાબદાર ઓફિસરો સામે પગલાં લેવાયા છે કે કેમ? તમે હજુ કોઈના મરવાની રાહ જોઈ રહ્યા છો? આ મુદ્દે કોર્ટ તરફથી કાર્યવાહી કરાઈ છે. તમારા તરફથી શું પગલાં લેવાયા છે? કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે, અમારે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ જોઈએ છે. રાજ્યને આ બાબતમાં રસ લાગી રહ્યો નથી. રાજસ્થાન અને અન્ય રાજ્યમાં આ અંગે પોલિસી છે તો ગુજરાતમાં કેમ નહીં? તમે ગુજરાતના નાગરિકોને ઢોર સાથેના અકસ્માતમાં મોત થતાં ઈચ્છો છો?

adv

Related News

post
post
post
post
post
post
post