• Home
  • News
  • ખાનગી હોસ્પિટલોની ડાયાલિસિસને લઈ હડતાળ:રાજ્યભરની સિવિલમાં દર્દીઓ ઊમટ્યા, કહ્યું- સરકાર-નેફ્રોલોજિસ્ટોની લડાઈમાં અમે પરેશાન; ડોક્ટર અમારા ભગવાન, તેની માગ પૂરી કરવી જોઈએ
post

સુરત સિવિલમાં 24 કલાક સતત ડાયાલિસિસ ચાલશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 16:42:45

આજથી રાજ્યભરમાં નેફ્રોલોજી ડોક્ટરો હડતાળ પર ઊતરી જતાં ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. એને લઈ ડાયાલિસિસના દર્દીઓ રાજ્યભરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જેમાં રાજકોટની સિવિલમાં આવેલા દર્દીએ જણાવ્યું હતું કે સરકાર અને નેફ્રોલોજી ડોક્ટરો વચ્ચેની લડાઈમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ડૉક્ટર્સ અમારા માટે ભગવાન છે, સરકારે તાત્કાલિક તેમની માગ સંતોષવી જોઈએ. આ સાથે જ સમસ્યાનો તરત અંત આવે એ માટે દર્દીઓ અને તેમનાં સગાંએ સરકારને અપીલ કરી હતી.

આજે ડાયાલિસિસ થઈ શક્યું નથીઃ અનસૂયાબેન ભૂવા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવેલા અનસૂયાબેન ભૂવા નામના દર્દીએ જણાવ્યું હતું કે મારું ડાયાલિસિસ અઠવાડિયામાં ત્રણ વખત ચાલે છે, પરંતુ હાલ ડોક્ટરોની હડતાળને કારણે આજે ડાયાલિસિસ થઈ શક્યું નથી. ડોક્ટરો અને સરકાર વચ્ચેની લડાઈમાં અમે પિસાઈ રહ્યા છીએ. ડાયાલિસિસ નહીં થવાને કારણે અમને બ્લડપ્રેશર વધી જવું, ડાયાબિટીસ છાતીમાં ચડી જવો અને શ્વાસ ચડવા જેવી તકલીફ થાય છે. અમે સિવિલ હોસ્પિટલે આવ્યાં છીએ, પરંતુ અહીં કોઈ યોગ્ય જવાબ મળતો નથી. અમારી માગ છે કે સરકારે જે ઘટાડો કર્યો છે એ પરત ખેંચે, જેથી અમને સારી ટ્રીટમેન્ટ સમયસર મળી શકે. આ દુઃખ અમારે કેમ સહન કરવું.

હડતાળના પ્રથમ દિવસે જ ભારે હાલાકી
અન્ય દિલીપભાઈ રાજ્યગુરુ નામના દર્દીએ જણાવ્યું હતું કે ડોક્ટરો દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાળને કારણે અમને ખૂબ મુશ્કેલી પડી રહી છે. હજુ હડતાળનો પ્રથમ દિવસ છે, ત્યારે અનેક દર્દીઓ અહીં સરકારી હોસ્પિટલમાં આવવા મજબૂર બન્યા છે. અહીં નેફ્રોલોજી ડોક્ટર નહીં હોવાને કારણે દર્દીઓનાં મોત થવાની શક્યતા છે. ત્યારે સરકારે તાત્કાલિક ખાનગી ડોક્ટર્સની માગ પૂરી કરવી જોઈએ, જેથી અનેક દર્દીઓના જીવ બચાવી શકાય. ત્રણ દિવસની હડતાળમાં 100થી વધુ દર્દીઓ હેરાન થાય એમ છે. દર્દીઓને સોજા અને શ્વાસ ચડવા જેવી મુશ્કેલીઓ થવાની શક્યતા તેમણે દર્શાવી હતી.

ડૉક્ટર્સ અમારા ભગવાન છે, માગ પૂરી થવી જોઈએ
રાજકોટ સિવિલમાં આવેલાં ચાંદનીબેન અંજારિયાએ જણાવ્યું હતું કે હું પણ એક દર્દી છું તેમજ દર અઠવાડિયામાં બે-બે વખત જલારામ હોસ્પિટલમાં મા કાર્ડ દ્વારા ડાયાલિસિસ કરાવું છું. આ શનિવારે મેં ડાયાલિસિસ કરાવ્યું હતું. હવે બુધવારે મારો વારો છે, પણ આજથી હડતાળ શરૂ થતાં ડાયાલિસિસ થશે નહીં, જેને કારણે મને સોજા ચડવા, શ્વાસ ચડવો જેવી તકલીફ થવાની શક્યતા છે, જેને લઈને સિવિલમાં આવ્યાં હતાં, પણ અહીં કેસ કાઢવાથી લઈ નવેસરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. ત્યારે સરકારે હોસ્પિટલો અને ડૉક્ટર્સની માગ પૂરી કરવી જોઈએ, કારણ કે એ ડૉક્ટર્સ અમારા ભગવાન છે. તેમની માગ પૂરી ન થાય તો એની અસર અમારા જેવા દર્દીઓ પર પડે છે.

90 કરતાં વધુ દર્દીઓને ડાયાલિસિસ થાય એવી સુવિધા
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં નેફ્રોલોજિસ્ટ ડોક્ટરોની હડતાળને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ છે. હાલમાં 25 બેડની સુવિધા છે. હજુ 3થી 4 બેડ વધારવાની સૂચના આપવામાં આવી છે. દરરોજ 90 કરતાં વધુ દર્દીઓને ડાયાલિસિસ થાય એવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દર્દીઓને મુશ્કેલી ન પડે એ માટે સરકારમાંથી પણ સૂચના મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે ખાનગી હોસ્પિટલમાં રોજ 500 કરતાં વધુ દર્દીઓ સારવાર લેતા હોય છે, જેની સામે સિવિલમાં માત્ર 4 બેડ વધારવામાં આવતાં આગામી સમયમાં મુશ્કેલી વધે એવી શક્યતા નકારી શકાય એમ નથી.

સુરત સિવિલમાં 24 કલાક સતત ડાયાલિસિસ ચાલશે
સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે નેફ્રોલોજિસ્ટ ડોક્ટરોની હડતાળને લઈને સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ છે. ડાયાલિસિસ વિભાગમાં સુવિધા સિવિલમાં ઉપલબ્ધ છે. દર્દીઓને હાલાકી ન પડે એ માટે ત્રણ શિફ્ટ ચલાવાશે. હડતાળની કોઈ અસર ન થાય એનું ધ્યાન રાખશે. સિવિલમાં 24 કલાક સતત ડાયાલિસિસ ચાલશે. કુલ 10 બેડ સિવિલમાં છે અને તબીબોની ત્રણ શિફ્ટ કરવામાં આવી છે. સિવિલ કેમ્પસમાં આવેલી છાયડો સંસ્થાનો પણ સંપર્ક કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post