• Home
  • News
  • સુરતના પાટીદાર આગેવાનનો આપઘાત, 24 કરોડની જમીન લખી આપવા ત્રાસ આપનાર રાંદેરના PI, 4 પોલીસ કર્મી સહિત 11 સામે ગુનો નોંધાયો
post

માંડવી નજીક આવેલી પોતાની જ ક્વોરીમાં પાટીદાર આગેવાને કૂદી જીવન ટૂંકાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-08 12:23:28

જિલ્લાના ઓલપાડ તાલુકાની જુદી જુદી સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર સમાજના સહકારી આગેવાન અને સરકારી રોડ કોન્ટ્રાક્ટ લેવા સાથે કવોરી ઉદ્યોગ સાથે જોડાયેલા દુર્લભભાઈએ માંડવી નજીકના ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આપઘાત કરી લીધો હતો. તેમને રાંદેર પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, 4 પોલીસકર્મી સહિત 11 લોકોએ 24 કરોડની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો. આ મામલે માંડવી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 24 કરોડની જમીન લખી આપવા માટે છેલ્લા 8 મહિનાથી હેરાન કરતા હતા. જેથી છેલ્લા 6 મહિનાથી માનસિક તણાવમાં આવી જતા પાટીદાર આગેવાને અંતિમ પગલું ભરી લીધું હતું.

રૂબરૂ લખાણ કરી આપવાનું કહેવા સાથે રાતો રાત લખાણ કરાવાયું
સુરત શહેરના રાંદેર રોડ ખાતે આવેલી સુર્ય પુર સોસાયટીમાં રહેતા દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન 17-03-14ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીનમાં વિવાદ થતાં લાંબી ખેંચતાણ બાદ ઇન્કમટેક્ષનો પ્રશ્ન ઉકેલ્યા બાદ ગત તારીખ 2-1-2020ના રોજ રાત્રે રાંદેર પોલીસ સ્ટેશનથી પોલીસ દુર્લભભાઈને બોલાવવા આવ્યા હતા ત્યારે સવારે આવવાનું કહેતા દબાણપૂર્વક કહેલું કે તમને કોઈપણ સંજોગોમાં અત્યારે જ પી.આઈ. લક્ષ્મણ બોડાણા બોલાવે છે. ત્યારે દબાણને વશ થઈને દુર્લભભાઈ અને તેમનો દીકરો કિશોર પોલીસ સ્ટેશન જતા ત્યાં રાજુ લાખા ભરવાડ અને હેતલ નટવર દેસાઈ પી.આઈ ની ચેમ્બરમાં પહેલાથી બેઠેલા હતા તેઓએ નાલાયક ગાળો આપી અમોની પીસાદની જમીન બાબતે તાત્કલિક નોટરી રૂબરૂ લખાણ કરી આપવાનું કહેવા સાથે રાતો રાત લખાણ કરાવાયું હતું.

6 મહિનાથી માનસિક તાણમાં આખરે જીવન ટૂંકાવી લીધું
લખાણ કરાવી દીધા બાદ વધુ દબાણ કરી જુદા જુદા માણસો તૈયાર સાટાખત સાથે લઈને ઘરે આવી તેનાં પર સહી કરાવવા સાથે વીડિયોગ્રાફી પણ કરી હતી. ત્યારબાદ પણ વિવાદ ઉભો રહેતા 30-07-2020ના રોજ પણ પી.આઈ લક્ષ્મણે દુર્લભભાઈ અને તેના દીકરાઓ સાથે ખરાબ વર્તન કરી દસ્તાવેજ કરવા દબાણ કર્યું હતું. દુર્લભભાઈએ અવેજની બાકીની રકમની માગણી કરી હતી તે તો ન જ આપી અને અગાઉ જે લખાણ કરેલા કાગળ પણ ન આપ્યા હતા. જેના કારણે છેલ્લા 6 મહિનાથી દુર્લભભાઈ ભારે માનસિક તાણમાં હતા અને આખરે તેમણે જીવન ટૂંકાવી લીધું હતું.

સુસાઇડ નોટમાં જમીન દસ્તાવેજનો વિવાદ હોવાનું જણાવ્યું
બારડોલી નાયબ પોલીસવડા રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, સુસાઇડ નોટમાં આત્મહત્યા પાછળ જમીન દસ્તાવેજના વિવાદ જણાવેલ છે. જમીન અંગે ઉલ્લેખ નથી. તેમના દીકરાઓથી જાણી શકાશે.

મેનેજરની લખેલી ચીઠ્ઠી પુત્રને આપવા જણાવ્યું
ક્વોરીના મેનેજર સંદીપ ગામિતે જણાવ્યું હતું કે, શેઠે સવારે ફોન કરી તેમના રૂમમાં મૂકેલી ડાયરીમાં ચિઠ્ઠી છે,જે તેમના પુત્ર ધર્મેશભાઈને આપવા જણાવ્યું હતું. જેથી હું ખાણ પર આવી ગયો હતો.

PI સહિતના સામે ગુનો નોંધાયો

·         પી.આઈ. લક્ષ્મણસિંહ બોડાણા

·         રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા)

·         હેતલ નટવર દેસાઈ (વેસુ)

·         ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ)

·         કનૈયાલાલ નરોલા (કતારગામ)

·         કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા)

·         વિજય શિંદે

·         મુકેશ કુલકર્ણી

·         અજય બોપાલા

·         કિરણસિંહ (રાઈટર )

·         રાંદેર પોલીસમાં કામ કરતા બીજા પોલીસવાળા

FRIના મુખ્ય મુદ્દા

·         17/03/2014ના રોજ જમીનની એક સોદા ચીઠ્ઠી કિશોરભાઇ ભુરાભાઇ કોસીયાના નામે બનવાઈ હતી, જેની અવેજની રકમ રૂ.24,03,88,687/- નક્કી થઈ હતી. આ જમીન પેટે રોકડા રૂ.18,00,00,00/- દુર્લભભાઈને મળ્યા હતા અને રૂપિયા 3,09,30,584/-ના અલગ અલગ બેંકના ચેકો મળ્યા હતા. આ દરમિયાન સ્ટાર ગ્રુપના કિશોરભાઇ કોસીયાને તા.17/08/2016 ના રોજ ઇન્કમટેક્સની તપાસ થઈ હતી, જેનો રેલો દુર્લભભાઈને ત્યાં પણ આવ્યો હતો. જેથી 13 કરોડથી વધારેની રકમ ઇન્કમટેક્ષની જવાબદારી દુર્લભભાઈ પર ઉભી થઈ હતી, જે કિશોરભાઇએ આપવાનું આશ્વાન આપ્યું હતું.

·         2/1/2020ના આશરે સાતથી આઠેક વાગ્યાના રાંદેર પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણાએ બે પોલીસવાળાને મોકલાવી પોલીસ મથકે બોલાવ્યા હતા. જ્યાં તેમણે રાજુભાઇ લાખાભાઇ ભરવાડ તથા હેતલ નટવરલાલ દેસાઇ સાથે ઓળખાણ કરાવી હતી અને પછી જમીન બાબતે દુર્લભભાઈને અપશબ્દો બોલી ધાકધમકી આપી હતી.

·         18/02/2020 ના રોજ સાંજે રાજુભાઇ લાખાભાઇ ભરવાડ તથા હેતલભાઇ દેસાઇ તથા વિજયભાઇ સિંદે તથા મુકેશ કુલકર્ણી નામના ઇસમો અમારા ઘરે આવેલ અને તેઓ ઉપરોક્ત જમીનનો કબ્જા સહીતનો તૈયાર સાટાખત તેમની સાથે લઇ આવેલ અને મને તથા મારા પિતાજીને બતાવી જેમાં મારા પિતાજીએ સહી કરી આપેલ.

·         30/07/2020 ના રોજ ભેસાણ ગામના મગોબ રોડ ઉપર આવેલ કોઇ ફાર્મ હાઉસ ઉપર હોમ કોરોન્ટાઇન થયેલા પી.આઇ. લક્ષ્મણસિંહ બોડાણાએ બોલાવી ખુબ જ ધાકધમકી આપી હતી.

·         06/09/2020ના રોજ દુર્લભભાઈ અને તેમનો દીકરો પોલીસ કમિશનરને મળીને ફરિયાદ કરવાના હતા તે પહેલા જ તેમણે આપઘાત કરી લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post