• Home
  • News
  • શરતી મંજૂરી:પર્યુષણ પર્વ માટે જૈન મંદિરો ખોલવા સુપ્રીમની શરતી મંજૂરી, CJIએ કહ્યું- ભગવાન જગન્નાથે અમને માફ કર્યા હતા, ફરી એક વાર માફી મળી જશે
post

સુનાવણી દરમિયાન કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યું કે રાજ્ય સરકારે મૉલ્સ તથા અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ મંદિરો ખોલવા મંજૂરી નથી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 12:24:23

મુંબઇમાં પર્યુષણ પર્વ દરમિયાન ત્રણ જૈન મંદિર ખોલવા સુપ્રીમકોર્ટે શરતી મંજૂરી આપી છે. દાદર, ભાયખલ્લા અને ચેમ્બૂર સ્થિત જૈન મંદિરો 22 અને 23 ઓગસ્ટે ખોલવાની મંજૂરી મળી છે. સુપ્રીમકોર્ટે મંદિરના સંચાલકોને કહ્યું કે તેઓ કોરોના સંબંધી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (એસઓપી) તથા સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવાની બાંયધરી આપે. સુનાવણી દરમિયાન કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યું કે રાજ્ય સરકારે મૉલ્સ તથા અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ મંદિરો ખોલવા મંજૂરી નથી આપી.

સીજેઆઇ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે રાજ્ય સરકાર પૈસાની વાત હોય તેવી દરેક પ્રવૃત્તિને મંજૂરી આપી રહી છે પણ મંદિરો ખોલવા આડે તેને કોરોના નડે છે. સીજેઆઇ બોબડેએ કહ્યું કે આ એક ગતિશીલ સ્થિતિ છે અને આ ખરેખર ગંભીર મામલો છે. જ્યાં એસઓપીનું અને સુરક્ષાના તમામ ઉપાયોનું પાલન થતું હોય તે પ્રવૃત્તિઓ કેમ ન થવી જોઇએ? કોર્ટે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે તેની પણ વ્યવસ્થા કરાઇ હતી.

અરજદાર વતી દુષ્યંત દવેએ કોર્ટને જણાવ્યું કે મંદિરોમાં એક સાથે મહત્તમ 5 લોકોને અને એક દિવસમાં 12થી 65 વર્ષના કુલ 250 લોકોને મંજૂરી આપી શકાય છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે તેનો વિરોધ કર્યો છે. રાજ્ય સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સ્થિતિને પહોંચી વળવામાં રાજ્ય સરકારને ઘણી તકલીફ પડશે. તેમણે મહારાષ્ટ્રના કોરોનાના આંકડા ટાંકીને જણાવ્યું કે તેઓ પોતે પણ જૈન છે અને સરકાર પણ કોઇ ધર્મની વિરુદ્ધ નથી પણ રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને વિરોધ કરી રહ્યા છે. મામલો રાજ્ય સરકાર પર છોડવો જોઇએ.

નોંધનીય છે કે ગત 1 ઓગસ્ટે બોમ્બે હાઇકોર્ટે જૈન સમુદાયના લોકોને પર્યુષણ પર્વ (15થી 23 ઓગસ્ટ) દરમિયાન જૈન મંદિરોમાં પૂજા કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે હાલ દરેક સમજદાર વ્યક્તિનું કર્તવ્ય ધાર્મિક કર્તવ્યો સાથે સાર્વજનિક કર્તવ્યોને સંતુલિત કરવાનું તથા બીજા પ્રત્યેની પોતાની જવાબદારી સમજવાનું છે. જસ્ટિસ એસ. જે. કાથાવાલા અને જસ્ટિસ માધવ જામદારની બેન્ચે અંકિત વોરા અને ટ્રસ્ટી આત્મ કમલ લબ્ધિસૂરિશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા દાખલ 2 અરજી અંગે સુનાવણી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post