• Home
  • News
  • સુરતનું ઓળખ સમાન પ્લેન 'ઊડી ગયું':મેટ્રો પ્રોજેક્ટને લઈને 22 વર્ષથી અઠવા ગેટ પર મુકાયેલું પ્લેન દૂર કરાયું; પાલિકા પાસે પ્લેન માટે અલગ જગ્યા ફાળવવા માગ
post

'લોકોના મુખે પ્લેન સર્કલની ઓળખ બની ગઈ હતી'

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-15 17:52:26

સુરતમાં મેટ્રોની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે મેટ્રો રૂટમાં આવતા બગીચાથી લઈને સ્વિમિંગ પૂલ સહિતના વર્ષો જૂના શહેરની ઓળખ સમાન સ્થળો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અઠવાગેટ પર આવેલું આઈકોનિક પ્લેન હટાવી દેવામાં આવ્યું છે. પ્લેન મૂકનારે જણાવ્યું હતું કે, પાલિકા પાસે પ્લેન મૂકવા માટે અન્ય જગ્યાની માગ કરવામાં આવી છે.

પ્લેનવાળા સર્કલ પરથી પ્લેન જ હટાવી દેવાયું
સારોલીથી ભેસાણ સુધીના મેટ્રો રેલનો એક રૂટ બની રહ્યો છે. આ રૂટમાં સુરતમાં અઠવાગેટ ખાતે મૂકવામાં આવેલા પ્લેનનો ભોગ લેવામાં આવ્યો છે. જ્યારે સુરતમાં એરપોર્ટ એટલું કાર્યરત ન હતું. ત્યારે સુરતીઓની અપેક્ષા સમાન આ પ્લેનને આશરે 22 વર્ષ પહેલાં મૂકવામાં આવ્યું હતું. જેથી અઠવાગેટ પ્લેનવાળા સર્કલથી ઓળખાવા લાગ્યું હતું. જોકે પ્લેન હટાવી લેવામાં આવતા હવે પ્લેન સર્કલ પરનું પ્લેન જ નથી.

પ્લેનને મૂકવા જગ્યાની માગ કરાઇ: પ્લેન મૂકનાર યશવંત શાહ
અઠવા ગેટ સર્કલ પર 22 વર્ષ પહેલાં પ્લેન મૂકનાર યશવંત શાહે જણાવ્યું હતું કે, આ પ્લેન 2001માં ગુજરાત સ્થાપના દીને મૂકવામાં આવ્યું હતું. વિકાસ માટે આ પ્લેન હટાવવામાં આવ્યું છે. અમે પાલિકા પાસે આ પ્લેનને અહીં જ મૂકવા માટે જગ્યાની માગ કરી છે. આ સાથે જ જો પ્લેનને નાનું કરીને મૂકી શકાય તો તેવી પણ રજૂઆત કરી છે.

'લોકોના મુખે પ્લેન સર્કલની ઓળખ બની ગઈ હતી'
વધુમાં જણાવ્યું હતું કે, આ પ્લેન માટે અઠવા ગેટ પર જગ્યા ન હોય તો એરપોર્ટ બહાર જગ્યા આપવા માટે રજૂઆત કરી છે. જોકે આ પ્લેન હટાવવામાં આવતાં પ્લેન સર્કલની ઓળખ જતી રહેશે. 22 વર્ષથી પ્લેન હોવાના કારણે લોકોના મુખે પ્લેન સર્કલની ઓળખ બની ગઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post