• Home
  • News
  • સુરતમાં બંધ રૂમમાં સળગી મોતને ભેટનાર થાઈ સ્પા ગર્લના રૂમમાંથી હુક્કો મળ્યો, લોક દરવાજો-પાસપોર્ટે પોલીસને મૂંઝવણમાં મૂકી
post

યુવતી ટુરિસ્ટ વિઝા પર ઈન્ડિયા આવી સ્પામાં કામ કરતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 11:00:25

ગત રવિવારના રોજ મગદલ્લામાં થાઈલેન્ડની યુવતીની સળગી ગયેલી લાશ બંધ રૂમમાંથી મળી હતી. જેને લઈને રહસ્ય સર્જાયું છે. ત્રણ દિવસ થવા છતા હજુ સુધી મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ હાલ અકસ્માત અને હત્યાની દિશામાં તપાસ કરી રહી છે. થાઈલેન્ડની યુવતી ટુરીસ્ટ વિઝા પર ઈન્ડિયા આવી સ્પામાં કામ કરતી હતી. સપ્ટેમ્બરમાં તેના વિઝા પુરા થતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે યુવતીના રૂમમાંથી એક હુક્કો પણ મળી આવ્યો છે. જેને પગલે હુક્કાને પણ FSLમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે રૂમનો બંધ દરવાજો અને ગાયબ પાસપોર્ટને લઈને પોલીસ મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે.

ઘટના શું હતી?
મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન (ઉ.વ.27 મૂળ રહે. થાઇલેન્ડ)ની રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો. જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો. છેલ્લા બે દિવસથી મોતનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. જોકે, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.

 

લોક દરવાજાએ પોલીસને મૂંઝવણમાં નાખી
મૃતક વનિડા ગરમીને કારણે ઘરનો દરવાજો ખુલ્લો રાખીને સૂતી હોય છે. ત્યારે બહારથી દરવાજો બંધ કોણે કર્યો તે સૌથી મહત્વનો તપાસનો વિષય છે. જ્યારે તેની સાથે રૂમમાં જ રહેતી અન્ય એક યુવતીના કહેવા પ્રમાણે રૂમમાં આગળ અને પાછળ બંને સાઈડ દરવાજા છે. આગળના દરવાજેથી પ્રવેશ કરી પાછળના દરવાજેથી બહાર નીકળી આગળના દરવાજાને લોક કરી શકાય છે. આ મામલે પોલીસ મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે.

વનિડાની પાડોશી એડાને લઈને મૂંઝવણ
વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ છે. જે ટીમ દ્વારા વનિડાની પાડોશી એડા, ચેતન અને ઈમરાનની પૂછપરછ ચાલે છે. વધુમાં એડા રાત્રે 10 વાગ્યે તેના ઘરેથી જાય છે એવુ કહે છે પરંતુ આ મેચ થતું નથી. સીસીટીવીમાં દેખાતી મહિલાએ જે કપડા પહેર્યા હતા તે કપડા એડાના ઘરેથી મળ્યા છે પરંતુ ચાલ અને દેખાવ એડા સાથે મેચ થતા ન હોવાથી પોલીસ મૂંઝવણમાં છે. હાલમાં મગદલ્લાના 25 થી 30 ઘરોના CCTV ફુટેજ મેળવી તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસને કેટલાક ફુટેજ હાથ લાગ્યા છે. જેથી એક-બે દિવસમાં પોલીસ ભેદ ઉકેલે તેવી સંભાવના છે.

વનિડાએ રાત્રે 1 વાગ્યે પાડોશમાં રહેતા અને સ્પામાં મેનેજરને કોલ કર્યો હતો
વનિડાએ રાત્રે 1 વાગ્યા પછી પાડોશમાં રહેતા અને સ્પામાં મેનેજર તરીકે કામ કરતા ચેતનને કોલ કર્યો હતો. ચેતનને મૃતકે એક યુવતીને મુકવા માટે બાઇક લઈને આવવા જણાવ્યું, થોડીવાર પછી વનિડાએ ફોન કરી ચેતનને કહ્યું યુવતી અહીં સૂઈ જશે હવે આવતો નહિ. ટૂંકમાં આ કેસમાં હત્યા થઈ હોય એવુ પોલીસને લાગે છે.

વનિડાના પાસપોર્ટના અભાવે પોલીસ ચકરાવે ચડી
થાઇલેન્ડથી સુરત આવનાર વનિડાનો પાસપોર્ટ પણ તેની સાથે બળીને ખાખ થઇ ગયો હોવાની આશંકા છે. પોલીસને હજુ સુધી પાસપોર્ટ મળ્યો નથી. આ સાથે એક મોબાઈલ ફોન પણ ગાયબ છે. પાસપોર્ટ અને તેના વિઝા સહિતની વધુ માહિતી મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વનિડા માર્ચ મહિના અગાઉ પણ ઇન્ડિયા આવી હતી કે નહીં તે અંગેની માહિતી પણ મેળી શકી નથી.

યુવતીના રહેણાંક રૂમની ચકાસણી
વનિડાની હત્યા કે અકસ્માત મોતની મિસ્ટ્રી ઉકેલવા માટે પોલીસે FSL અને મેડીકલ ફોરેન્સિક એક્ષ્પર્ટ, DGVCLના અધિકારીઓ ઉપરાંત ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરને સાથે રાખી રહેણાંક રૂમના વાયરીંગની ચકાસણી કરી હતી. લાશ મળ્યાના ત્રણ દિવસ થઇ ગયા હોવા છતા હજી સુધી પોલીસ વનિડાની હત્યા કે અકસ્માત મોત અંગેના નિષ્કર્ષ ઉપર પહોંચી નથી. પોલીસ હત્યા અને અકસ્માત મોત બંને દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post