• Home
  • News
  • સૂર્યકુમારની વિસ્ફોટક બેટિંગ:લોકલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં 249 રનની તોફાની ઈનિંગ રમી, 37 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા
post

સૂર્યકુમાર યાદવે આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા 3 વનડે મેચમાં 62ની એવરેજથી 124 રન કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-25 16:49:44

મુંબઈ: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકામાં વનડે સિરીઝ પહેલા ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક ઈનિંગ રમી છે. જેમાં તેણે ડબલ સેન્ચુરી મારી છે. તેવામાં હવે દ.આફ્રિકામાં આયોજિત 3 વનડે અને 3 ટેસ્ટ સિરીઝ રમવા ઈન્ડિયન ટીમ ત્યાં પહોંચી છે. હવે વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત થઈ નથી.

સૂર્યકુમાર યાદવે 74મી પોલીસ ઇન્વિટેશનલ શીલ્ડ ટૂર્નામેન્ટની ત્રણ દિવસીય મેચના પ્રથમ દિવસે પારસી જીમખાના તરફથી રમતા બેવડી સદી ફટકારી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમારે 152 બોલમાં 249 રન કર્યા હતા.

249માંથી 178 રન બાઉન્ડરીથી કર્યા
સૂર્યકુમાર યાદવે 249 રનની ઈનિંગમાં બાઉન્ડરીથી 178 રન કર્યા હતા. તેણે આ મેચમાં 37 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. પારસી જીમખાનાએ ત્રણ દિવસીય મેચના પ્રથમ દિવસે સૂર્યકુમાર યાદવની બેવડી સદીની મદદથી 90 ઓવરમાં 9 વિકેટે 524 રન કર્યા હતા. સૂર્યકુમાર ઉપરાંત આદિત્ય તારેએ 73, સચિન યાદવે 63 અને વિક્રાંતે 52 રન કર્યા હતા.

આદિત્ય તારે અને સચિન સાથે પાર્ટનરશિપ
સૂર્યકુમારે પોતાની ઇનિંગમાં આદિત્ય તારે અને સચિન યાદવ સાથે બે મોટી ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ, આદિત્ય તારે સાથે મળીને તેણે ચોથી વિકેટ માટે 124 રન જોડ્યા. ત્યારપછી સૂર્યકુમારે સચિન યાદવ સાથે 5મી વિકેટ માટે 209 રનની મોટી ભાગીદારી કરી હતી. આતિફ અત્તરવાલાએ સૂર્યકુમારને પોતાનો શિકાર બનાવ્યો હતો. મેચમાં સિદ્ધેશ લાડે શાનદાર બોલિંગ કરતા 40 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

 

આ વર્ષે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું
સૂર્યકુમાર યાદવે આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા 3 વનડે મેચમાં 62ની એવરેજથી 124 રન કર્યા છે. વળી 11 T20 ઈન્ટરનેશનલની 9 ઈનિંગમાં 35ની એવરેજથી 244 રન કર્યા છે. તેણે 3 ફિફ્ટી પણ મારી છે. 31 વર્ષના સૂર્યકુમાર યાદવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 5 હજારથી વધુ રન કર્યા છે.

આના સિવાય તેણે લિસ્ટ એ ક્રિકેટમાં લગભગ 3 હજાર રન કર્યા છે. તેના અનુભવને જોતા દક્ષિણ આફ્રિકા વનડે સિરીઝમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત છે. MCAએ આ ટૂર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરે છે. જેમાં તમામ દિગ્ગજ ખેલાડી ભાગ લે છે.