• Home
  • News
  • સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન, સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમ વિધી કરાઈ
post

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ફેફસામાં ઈન્ફેક્શન લાગ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 09:40:35

અમદાવાદ: સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રીએ દેહાવસાન થયું હતું. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર  સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હતિભક્તોની હાજરીમાં PPE કીટ પહેરીને કરવામાં આવ્યા હતા. વિશ્વભરના હરિભક્તો તથા સંતોએ https://www.swaminarayangadi.com વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન અંતિમ દર્શન કર્યા તેમજ અંતિમ વિધીમાં જોડાયા હતા. પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં. 

સંસ્થાના સંતોએ PPE કીટ પહેરીને અંતિમ વિધી કરી
પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે કરવામાં આવ્યા હતા. હાલની કોરોના મહામારીની સ્થિતીને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં જ મંદિરના સંતો તેમજ હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને આ અંતિમ વિધીમાં જોડાયા હતા. ઉપસ્થિત રહેનાર દરેક સંત-હરિભક્તે પ્રોટોકોલ પ્રમાણે PPE કીટ પહેરી હતી અને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કર્યા હતા.

જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ઈન્ફેક્શન લાગ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ફેફસામાં ઈન્ફેક્શન લાગ્યું હતું. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અગાઉ સ્થિર હતી પરંતુ તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન વધી ગયું હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

હરિભક્તોને એકત્ર ન થવા અપીલ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી. ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા. 

અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક
મણિનગર સ્વામીનારાયણ સંસ્થાન ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શનની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની સ્થિતિ ઘણી નાજૂક રહેતા ગત 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.

હાલમાં જ આચાર્ય મહારાજનો પ્રમાંજલિ પર્વ ઉજવાયો હતો
હજી ગત 29 મેના રોજ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો પ્રેમાંજલિ પર્વ-78મો પ્રાગટ્ય પર્વ ઉજવાયો હતો. ગાદી સંસ્થાનના સંતોએ સાથે મળી આ પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, અબજી બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પુષ્પહાર પહેરાવી, ચરણોમાં બિરાજમાન થયા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સંતોના વિધ વિધ ધાર્મિક નૃત્યો, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ, સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી 41 વર્ષ સુધી સ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે રહ્યાં 

·         આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત-1998 અધિક જેઠ સુદ-13 તદ્અનુસાર 28મી મે, 1942 ભારાસર-કચ્છ, ગુજરાતમાં થયો હતો. 

·         તેઓ ગુરુદેવ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા 19 વર્ષ, 9 મહિના અને 23મા દિવસે 21મી માર્ચ, 1962 (વિક્રમ સંવત-2018, ફાગણ સુદ પૂર્ણિમા)ના દિવસે સાધુ જીવન સ્વીકારી શિષ્ય બન્યા હતા. 

·         28મી ફેબ્રુઆરી, 1979 (વિક્રમ સંવત-2035, ફાગણ સુદ બીજ), જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાએ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે સ્થાપિત કર્યા. આ ઐતિહાસિક ક્ષણ તેઓનાં સાધુ જીવનના 16 વર્ષ 11 મહિના અને 17 દિવસ બાદ આવી હતી. એટલે કે તેઓ શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે 41 વર્ષ સુધી બિરાજમાન રહ્યાં.

·         શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા 22મી ફેબ્રુઆરી, 2004 (વિક્રમ સંવત-2060, ફાગણ સુદ બીજ)ના રોજ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના આચાર્યપદે બિરાજિત થયાનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post