• Home
  • News
  • તલાટીના રેકોર્ડબ્રેક 8.50 લાખ ઉમેદવાર:શંકાસ્પદ લાગશે તોપણ તેને પરીક્ષા આપવા દેવાશે, પરીક્ષા પછી તેની કેન્દ્ર પર જ પૂછપરછ થશે, સાદી કાંડા ઘડિયાળ પહેરી શકાશેઃ હસમુખ પટેલ
post

હસમુખ પટેલે જણાવ્યું હતું કે રેલવેએ આ માટે વધારાની નવ ટ્રેન શરૂ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-06 16:18:35

અમદાવાદ: ગુજરાતમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યારસુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત તલાટી-કમ-મંત્રીની પરીક્ષામાં 8.50 લાખ ઉમેદવારો રવિવારે પરીક્ષા આપવાના છે. રાજ્યભરના ઉમેદવારો આ વખતે પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત પહોંચી શકે અને તેમને રસ્તામાં કોઈપણ મુશ્કેલી ના પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવાઈ છે. આ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે શંકાસ્પદ પરીક્ષાર્થી પરીક્ષા આપી શકશે, પણ પરીક્ષા પૂર્ણ થયે પરીક્ષા કેન્દ્રમાં જ તેની પૂછપરછ કરાશે તેમજ ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ પહેરી શકશે, પરંતુ ઇલેક્ટ્રોનિક કોઈપણ વસ્તુ અંદર લઈ જઈ શકશે નહીં. ચાર પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ફેરફાર થયેલાં પરીક્ષા કેન્દ્રો પર વાહનની વ્યવસ્થા
હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ચાર પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થયો છે, જેમાં વીસનગરનું પુદગામનું છે, પણ એનું બીજું સેન્ટર એ જ ગામમાં છે. એક સેન્ટરથી બીજું સેન્ટર 200 મીટર જ દૂર છે. સુરતની અંદર એક શાળાનું નામ ભૂલથી ખોટું લખાયું હતું, એની પણ ઉમેદવારોને જાણ કરવામાં આવી છે. વડોદરામાં એક સેન્ટર બદલવામાં આવ્યું છે, ત્યાં પણ વાહનની વ્યવસ્થા રાખી છે. વડોદરાની અંદર પારુલ યુનિવર્સિટીનું સેન્ટર શહેરથી દૂર છે, તો ખાસ બસોની વ્યવસ્થા રાખી છે. પોલીસ કંટ્રોલરૂમના 100 નંબર પણ ઉપલબ્ધ છે. સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે.

બધી જવાબદારી IPS હસમુખ પટેલના શિરે
આ વખતે તલાટીની પરીક્ષામાં મહત્ત્વની જવાબદારી હસમુખ પટેલના શિરે છે. અગાઉ પણ તેઓ અનેક ચેલેન્જ સફળતાથી પાર કરી ચૂક્યા છે. દરેક શહેરના સુરક્ષા માટેની જવાબદારીથી શહેરના પોલીસવડા અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓને કહેવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરના 12.30થી 1.30 વાગ્યાનો છે.

 

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પહેલીવાર આટલા બધા ઉમેદવારો
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી રહેલી તલાટી-કમ-મંત્રીની રવિવારે પરીક્ષા યોજવાની છે. રાજ્યવારમાં 8.50 લાખ ઉમેદવારે પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે અને આ આંકડો ગુજરાત રાજ્યનો સૌથી મોટો આંકડો બનવા જઈ રહ્યો છે. અત્યારસુધીની સ્પર્ધાત્મક પરીક્ષામાં એકસાથે આટલા બધા ઉમેદવાર હોય એવું પ્રથમ વખત બની રહ્યું છે.

પટેલના સુપરવિઝનમાં પરીક્ષા
અગાઉ જ્યારે પેપર લીક થતાં હતાં ત્યારે ફરીથી યોજાયેલી પરીક્ષાની મહત્ત્વની જવાબદારી રાજ્યના ક્લીન ઇમેજ ધરાવતા હસમુખ પટેલને આપવામાં આવી હતી. તેમના સુપરવિઝન હેઠળ લેવામાં આવેલી પરીક્ષા નિર્વિઘ્ન પૂર્ણ થઈ છે અને એમાં પણ ખાસ કરીને આ વખતની પરીક્ષામાં પણ પોલીસ દ્વારા મહત્ત્વની બાબતોને તપાસી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ઉમેદવારોએ બૂટ-ચપ્પલ બહાર મૂકવાનાં રહેશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીડિયોગ્રાફી અને પોલીસ પણ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. ઉમેદવારોનાં ઓળખકાર્ડ, કોલલેટર ચેક કરવામાં આવશે અને એમાં શંકા લાગશે તો ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે, પરંતુ પરીક્ષા પૂરી થયા પછી તેને જવા દેવામાં આવશે નહીં અને તેની વિશેષ પૂરપરછ કરવામાં આવશે. જ્યાં સુધી ખાતરી ન થાય કે તે ડમી ઉમેદવાર નથી ત્યાં સુધી તેને પરીક્ષા કેન્દ્ર છોડવા દેવામાં આવશે નહીં. ઉમેદવારોનાં બૂટ-ચપ્પલ કાઢીને ચેકિંગ કરવામાં આવશે. ઉમેદવારોનાં બૂટ-ચપ્પલ પણ પરીક્ષા કેન્દ્રની બહાર જ મૂકવામાં આવશે.

ઉમેદવારોએ 11.55 વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાનું રહેશે
હસમુખ પટેલે આગળ જણાવ્યું હતું કે ઉમેદવારોએ 11.55 વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાનું રહેશે અને 1.30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થાય ત્યારે પોતાનો વર્ગખંડ છોડી શકશે નહીં. વર્ગખંડમાં જ ઉમેદવારોને પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે. વિકલાંગ ઉમેદવારોને કોઈ અગવડ ન પડે એ માટે તેમને તેના જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. રાજ્ય અને જિલ્લાકક્ષાએ ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાના ઉમેદવારોને કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈનમાં સંપર્ક કરી શકશે. આ નંબર અમારી વેબસાઈટ અને ટ્વિટર પર મૂક્યા છે.

ગેરરીતિ કરવાનો વિચાર કરનારા માંડી વાળજો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગેરરીતિ કરવાનો જેણે વિચાર કર્યો છે તેઓ વિચાર માંડી વાળે, આવું કરનારા પકડાઇ જ જશે. નવા કાયદાની અંદર ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ છે. પરીક્ષામાં અડચણ ઊભી કરનારા માટે પણ આ સજા અને દંડને પાત્ર છે. આવા કોઈપણ તત્ત્વ હોય તો તેઓ ચેતી જજો. અમે આવાં તત્ત્વો ઝડપી પાડવા રાહ જોઈને બેઠા છીએ. સરકારની અંદર કોઈ બરાબર ફરજ ન બજાવતું હોય તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે. આજે સ્ટાફનું રિહર્સલ રાખવામાં આવ્યું છે. તંત્ર સંવેદનશીલ છે અને ઉમેદવાર માટે હરહંમેશ તૈયારીમાં છે.

ટ્રેન-બસની વ્યવસ્થા
આ ઉપરાંત પણ હસમુખ પટેલે જણાવ્યું હતું કે રેલવેએ આ માટે વધારાની નવ ટ્રેન શરૂ કરી છે. આ ઉપરાંત જીએસઆરટીસી દ્વારા પણ જેમ જેમ ઓનલાઇન બસો ભરાતી જાય તેમ તેમ નવી બસો મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યારસુધી અમે 619 બસ મૂકી છે, જેમા 17.50 હજાર જેટલા લોકોએ બુકિંગ કર્યું છે. ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકે છે. એ માટે તેમને રોકવામાં આવે તો તેઓ પોતાનો કોલ લેટર બતાવી શકે, જેમાં આ લખવામાં આવ્યું છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઇ જવાની છૂટ નથી. ઉમેદવારો વાહન લઇને આવ્યા હોય તો એની ચાવી પણ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવામાં નહીં આવે.

4,500 બસની વ્યવસ્થા કરી છે
ગુજરાત વાહનવ્યવહાર નિગમના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે મે મહિનામાં ગુજરાત વાહનવ્યવહાર નિગમ દ્વારા આગામી 7 મેના રોજ જે તલાટીની પરીક્ષા યોજાવાની છે, એના માટે 4,500 બસની વ્યવસ્થા કરાઈ છે. એમાં અત્યારસુધીમાં 488 જેટલી સ્પેશિયલ બસ મૂકવામાં આવી છે. એમાં આજના દિવસ સુધીમાં 10,416 જેટલી ટિકિટો ઓનલાઇન બુક થઈ ગઈ છે. આ ઉપરાંત 2,867 એક્સપ્રેસ બસમાં રિઝર્વેશન ચાલુ છે, જેમાં ઉમેદવાર રિઝર્વેશન કરાવીને મુસાફરી કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post