• Home
  • News
  • કર ક્રાંતિ-2: જે શહેરમાં રિટર્ન દાખલ થશે એ શહેરના અધિકારી કેસ તપાસશે નહીં, સેન્ટ્રલાઈઝ્ડ કમ્પ્યુટર સિસ્ટમથી દેશના કોઈ બીજા શહેરમાં એસેસમેન્ટ થશે
post

ઈમાનદાર કરદાતાઓ માટે આવકવેરા વ્યવસ્થા વધુ સરળ, ફેસલેસ એસેસમેન્ટ-ટેક્સપેયર ચાર્ટર લાગુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 10:43:57

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ગુરુવારે આવકવેરા (આઈટી) વ્યવસ્થા સંબંધિત ઐતિહાસિક સુધારાઓની જાહેરાત કરી હતી. ત્રણ મોટા સુધારામાં ફેસલેસ એસેસમેન્ટ, ટેક્સપેયર ચાર્ટર અને ફેસલેસ અપીલ સામેલ છે. વડાપ્રધાને આ ત્રણેય સુધારા સાથે નવું આઈટી પ્લેટફોર્મ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટનું લોન્ચ કર્યુ હતું. ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર ગુરુવારથી લાગુ થઈ જશે. જ્યારે ફેસલેસ અપીલની વ્યવસ્થા 25 સપ્ટેમ્બરથી લાગુ થશે.

વડાપ્રધાને કહ્યું કે સંગઠિત સુધારાની પ્રક્રિયા આજે નવા શિખરે પહોંચી ગઈ છે. તેનો ઉદ્દેશ્ય ટેક્સેશન પ્રોસેસને ફેસલેસ બનાવવાની સાથે જ કરદાતાઓનો વિશ્વાસ વધારવો અને તેમને નીડર બનાવવાનો પણ છે. રાષ્ટ્રનિર્માણમાં ઈમાનદાર કરદાતાઓની ભૂમિકાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે આજવા કરદાતાઓના જીવન સરળ બનાવવાની જવાબદારી સરકારની છે. દેશના ટેક્સ માળખામાં મૂળભૂત સુધારાઓની જરૂર હતી. ફેસલેસ પ્રણાલીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તપાસ, નોટિસ, સર્વેક્ષણ કે મૂલ્યાંકન મામલે કરદાતા અને આઈટીના અધિકારીઓ વચ્ચે સીધા સંપર્કની કોઈ જરૂર નથી. ટેક્સપેયર ચાર્ટરને મહત્ત્વપૂર્ણ ગણાવતાં તેમણે કહ્યું કે તેમાં કરદાતાઓને યોગ્ય, વિનમ્ર અને તર્કસંગત વર્તનનું આશ્વાસન અપાયું છે. તે કરદાતાની ગરિમા અને સંવેદનશીલતાને જાળવી રાખવાનું પણ ધ્યાન રાખે છે.

ફેસલેસ એસેસમેન્ટ: એક કેસનું એસેસમેન્ટ ત્રણ શહેરોની અલગ-અલગ ટીમ કરશે
જ્યાં રિટર્ન ફાઈલ થઇ રહ્યું છે તે શહેરના અધિકારી કેસને નહીં જુએ. કમ્પ્યૂટરથી દેશના કોઇ પણ અધિકારી પાસે કેસ એલૉટ થશે. એક એસેસમેન્ટ 3 શહેરની ટીમ કરશે. પ્રથમ ટીમ ડ્રાફ્ટ એસેસમેન્ટ કરશે. બીજાં શહેરની ટીમ રિવ્યૂ, ત્રીજાં શહેરની ટીમ તેને ફાઈનલ કરશે.

ફાયદો શું થશે?
એસેસમેન્ટ કરનાર અધિકારી અને કરદાતા ક્યારેય આમનેસામને નહીં આવે, કરદાતાને હેરાન કરી શકાશે નહીં. અધિકારી અને કરદાતા વચ્ચે મિલીભગત નહીં થઈ શકે.

ફેરફાર કેમ કર્યા
સરકારને આવકવેરા દ્વારા વેપારીઓને હેરાન કરવાની ફરિયાદ મળતી રહેતી હતી. સીએ ઘણા સમયથી તેની માગ કરી રહ્યા હતા. અત્યાર સુધી દેશનાં 13 શહેરોમાં જ તેની વ્યવસ્થા હતી.

રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ નહીં લાગે: કરદાતા પાસેથી પાછલી તારીખનો ટેક્સ વસૂલ કરી શકાશે નહીં
ટેક્સપેયર ચાર્ટરમાં જ કરદાતાઓને અધિકાર અપાશે કે કાયદામાં થનારા ફેરફારને લીધે તેમના પર રેટ્રોસ્પેક્ટિવ એટલે કે ગત તારીખથી ટેક્સ નહીં લગાવાય. ટેક્સના કાયદામાં જે પણ ફેરફાર થશે તે વર્તમાન વર્ષ અને આગળનાં વર્ષો પર જ લાગુ થશે.

ફાયદો શું થશે
મોટા બિઝનેસમેન અને વિદેશીઓને ફાયદો થશે. જો કાયદામાં ફેરફાર થયા પછી કોઈ નવો ટેક્સ લાગુ કરવામાં આવે તો પણ પાછલી તારીખથી નવા દરે ટેક્સ ભરવો પડશે નહીં.

ફેરફાર કેમ કર્યા
યુપીએ શાસનમાં વોડાફોન પર 22 હજાર કરોડ અને કેયર્ન પર 11 હજાર કરોડનો પાછલી તારીખથી ટેક્સ લગાવાયો હતો. તેનાથી વિદેશી રોકાણકારોનું ભારત પ્રત્યે આકર્ષણ ઘટી ગયું હતું.

સરવેનો અધિકાર મર્યાદિત: ચીફ કમિશનર સહિત માત્ર ત્રણ અધિકારી સરવે કરાવી શકશે
આઈટી એક્ટ 1961ની કલમ 133એમાં સુધારો કરી હવે સરવેના અધિકાર મર્યાદિત કરાયા છે. ટીડીએસના મામલે હવે ફક્ત ચીફ કમિશનર કે પ્રિન્સિપાલ ચીફ કમિશનર અને સામાન્ય બાબતોમાં ફક્ત ડીજીઆઈટી પાસે જ સરવેનો આદેશ આપવાનો અધિકાર રહેશે.

ફાયદો શું થશે
ધંધાદારીઓને હેરાનગતિ કરવા માટે કરાતા સરવેમાં ઘટાડો થશે. ધંધાદારીઓના મનમાં આઈટી અધિકારીઓનો ભય ઓછો થશે. આઈટી વિભાગમાં થનારા સંસ્થાગત ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે.

ફેરફાર કેમ કર્યા
અનેકવાર રેન્જના આઈટી અધિકારી બિઝનેસમેનો પર દબાણ બનાવવા માટે સરવેનો સહારો લેતા હતા. સરવેની ધમકી અપાતી હતી. સરવે માટે ટાર્ગેટ પણ નક્કી કરાતો.

ફરિયાદનો અધિકાર
ટેક્સ ઓફિસર કે એ અધિકારીના મેનેજરને ફરિયાદ કરી શકાશે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર કસ્ટમરકેરને પણ ફરિયાદ આપી શકાશે.

ફરિયાદ અહીં પણ થઈ શકશે

·         ઈમેલ info.mfin@gov.mt

·         ફોન 25998285/25998000

·         પોર્ટલ http://www.finance.gov.mt

·         કસ્ટમરકેર કે નાણાંમંત્રાલયની વેબસાઈટ દ્વારા લોકપાલને પણ ફરિયાદ કરી શકાશે. ગંભીર ગુનાહિત આરોપ હશે તો પોલીસમાં પણ ફરિયાદ થઈ શકશે.

મોટાભાગના લોકો ટેક્સ નથી ભરતા
સરકારી આંકડા મુજબ ગયા વર્ષે 5.65 કરોડ લોકોએ આવકવેરા રિટર્ન ભર્યું હતું. 57 ટકાએ પોતાની આવક વાર્ષિક રૂપિયા અઢી લાખથી ઓછી બતાવી. એટલે કે ટેક્સ ભર્યો નહીં. માત્ર 1 ટકા લોકોએ આવક 50 લાખ રૂપિયાથી વધુ જાહેર કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post