• Home
  • News
  • શંકા ઉપજાવતા પ્રશ્નો:સુરતમાં થાઈલેન્ડની યુવતી બંધ રૂમમાં જ્યાં સળગી મરી તેની બાજુનું ગાદલું ન સળગ્યું, બોયફ્રેન્ડની શોધખોળ
post

યુવતીના બે ફોન સળગી ગયા અને એક ફોન મિસિંગ હોવાથી શંકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 10:47:54

શહેરના મગદલ્લા વિસ્તારની ભૈયા સ્ટ્રીટના એક મકાનના પહેલા માળે ભાડે રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઈલેન્ડની યુવતીની બંધ રૂમમાંથી સળગેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં હત્યા, આત્મહત્યા કે અકસ્માતને લઈને રહસ્ય સર્જાયું છે. જોકે, આ મામલે મર્ડરની આશંકા સેવવામાં આવી રહી છે. આ સાથે યુવતીના શંકાસ્પદ મોતને લઈને ઘણા પ્રશ્નો શંકા ઉપજાવે છે. જેમાં મુખ્ય પ્રશ્ન એ છે કે, થાઈ યુવતી બંધ રૂમમાં જ્યાં સળગી મરી તેની બાજુનું ગાદલું સળગ્યું નથી. જ્યારે થાઈ યુવતીનો બોયફ્રેન્ડ પણ શંકાના ઘેરામાં હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

ઘટના શું હતી?
મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિતા બુસોર્ન (ઉ.વ.27 મૂળ રહે. થાઇલેન્ડ)ની રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો. જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો.

યુવતીની હત્યા થઈ હોવાની પુરેપુરી આશંકા
શનિવારે વનિતાને રાત્રે 8:30 કલાકે રિક્ષાચાલક તેને ઉતારી ગયો હતો. પોલીસ આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે કડીઓ શોધવા તજવીજ શરૂ કરી છે. દરવાજામાં બહારથી તાળું હોવાથી યુવતીની હત્યા થઈ હોવાની પુરેપુરી આશંકા છે. લાશ બળીને ભડથું ગઈ હતી. લાશ ઊચકવી મુશ્કેલ હતી. આથી પોલીસે એકતા ટ્રસ્ટની મદદ લઈ ડેડબોડી પીએમ માટે નવી સિવિલ મોકલી હતી. થાઈ મહિલા 3 મોબાઈલ રાખતી હતી. જેમાં બે ફોન સળગી ગયેલા પોલીસને મળ્યા છે અને એક ફોન મિસિંગ છે. થોડી રોકડ પણ મળી છે. મકાનમાં ભાડુઆત તરીકે યાદવનું નામ ચાલે છે અને તેમાં વિદેશી યુવતીઓ રહે છે. પોલીસે યાદવનો સંપર્ક કરી બોલાવ્યો તો તેણે મોબાઇલ બંધ કરી દીધો છે. હાલમાં યાદવ પણ ગાયબ છે.

મૃતદેહ સંપૂર્ણ બળી ગયો છે
ડો.ગણેશ ગોવેકર (ફોરેન્સીક વિભાગના વડા)એ જણાવ્યું હતું કે, મૃતદેહ સંપૂર્ણ બળી ગયો છે. જેથી બહારથી ઈજાના નિશાન ખ્યાલ આવે તેમ નથી. કેરોસીન કે પેટ્રોલનો ઉપયોગ થયો છે કે કેમ તે માટે સેમ્પલો લીધા છે. બળાત્કાર થયો છે કે નહીં તે માટે પણ અમે સેમ્પલો લીધા છે. અકસ્માત કે હત્યા થઈ હોય શકે છે.

બોયફ્રેન્ડ ઈનોવામાં આવ્યો: બહેનપણી
મૃતક તેના ઘરે બહેનપણી બોલાવી સાથે જમ્યા હતા પછી રાત્રે બહેનપણી 10 વાગ્યે નીકળી હતી. પછી વનિતાએ તેને 3 બોયફ્રેન્ડ આવ્યા હોવાની વાત કરી હતી. પહેલા એક બાદ બીજા બે આવ્યાની વાત કરી હતી. ત્રણેય ઈનોવામાં આવ્યા હતા. મોડીરાતે યુવતીના રૂમમાં ઝઘડો થતો હોવાની વાત પણ સ્થાનિકો જાણે છે. એક બાઇક પર 3 વાર અન્ય એક શખ્સ આટાં મારતો કેમેરામાં દેખાય છે.

છેલ્લે વીડિયો કોલ કર્યાની શંકા, કોલ ડિટેઇલ મંગાવાઇ
પોલીસે વનીદાના મોતનો ભેદ ઉકેલવા તેના મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે. વનિતાની જેમ તેનો મોબાઇલ ફોન પણ સળગીને ભડથું થઇ ગયો છે. જોકે, પોલીસે હાથ ધરેલી તપાસમાં વનીદાએ છેલ્લે વીડિયો કોલથી તેના મિત્ર સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે વનિતાના મોબાઇલની કોલ ડિટેઇલ મંગાવી તેના આધારે પણ તપાસ હાથ ધરી છે.

શંકા ઉપજાવતા સવાલો

·         થાઈ યુવતીના મૃતદેહની બાજુમાં એક ગાદલું છે તે આગની ઝપેટમાં ન આવતા શંકા

·         મૃતક વનિતાએ લાલુ નામના બોયફ્રેન્ડને ફોનમાં બ્લોક કરતા શંકા

·         યુવતી જે રૂમમાં સળગી તેને બહારથી તાળું મારેલું હતું

·         યુવતીના બે ફોન સળગી ગયા અને એક ફોન મિસિંગ હોવાથી શંકા

·         યુવતી જે મકાનમાં ભાડે રહેતી હતી તે મકાનમાં ભાડુઆત તરીકે યાદવનું નામ ચાલે છે. જે પણ ગાયબ હોવાથી શંકા

·         રૂમના આગળ અને પાછળના બંને દરવાજાનો ઉપયોગ કરાતો હતો છતા બહાર નીકળવાનો પ્રયાસ ન કરતા શંકા

 

adv

Related News

post
post
post
post
post
post
post