• Home
  • News
  • 19 વર્ષના પુત્રે હાઇકોર્ટમાં કહ્યું...:‘મારી માતા 3 પુરુષ સાથે લીવ ઇનમાં છે છતાં પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ લે છે, એ બંધ કરાવો’
post

એક વર્ષનો હતો ત્યારથી માતા સાથે રહે છે, અરજી બાદ કોર્ટે એમિકસ ક્યૂરીની નિમણૂક કરી ભરણપોષણની રિકવરીનો અભિપ્રાય માગ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-08 10:25:12

19 વર્ષના કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું કે મારી માતા 3 અલગ પુરુષ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. એ ભરણપોષણ બંધ કરવા અરજી કરાઈ છે. કોઈપણ ભોગે પતિને છૂટાછેડા નહીં આપવા માટે તેણે કરેલા તમામ કાનૂની દાવપેચ વિશે પણ તેને જાણ છે. કોર્ટે દીકરાને પૂછ્યું કે તે હાલમાં કોની સાથે રહે છે? દીકરાએ કહ્યું હતું કે હું એક વર્ષનો હતો ત્યારથી માતા સાથે રહું છું. કોર્ટે એમિકસ ક્યૂરીની નિમણૂક કરીને આવા કેસમાં ભરણપોષણની રિકવરી કરી શકાય કે કેમ એ અંગે માર્ગદર્શન માગ્યું છે, જેની સુનાવણી 14 સપ્ટેમ્બરે ચેમ્બરમાં હાથ ધરાશે.

કાયદાનો અભ્યાસ કરતા 19 વર્ષના યુવકે કોર્ટ સમક્ષ હાજર રહીને વકીલ દ્વારા એવી રજૂઆત કરી હતી કે આજે તેની માતાએ પિતા સામે કરેલા ભરણપોષણ અને છૂટાછેડાની અરજી પર સુનાવણી છે. તેની માતા અલગ-અલગ સમયે 3 પુરુષો સાથે લીવ ઇનમાં રહે છે છતાં મારા પિતા પાસેથી ભરણપોષણ મેળવીને તેમને છૂટાછેડા નહિ આપવાના પ્રયત્નો કરે છે. મારા પિતા સરકારી નોકરી કરે છે. તેમણે મને મળવાના અધિકાર જતા નહિ કરવા માટે પ્રમોશન લીધા નહોતા. નાનો હતો ત્યારે આ 3 પૈકી એક પુરુષ ઘરે આવતો ત્યારે મને કહેતી કે મામા છે, પરંતુ સમજણો થયા પછી મને સમજાય છે કે કંઈ અજુગતું ચાલી રહ્યું છે. તેને હવે પિતા સાથે રહેવા જવું છે.

ભરણપોષણ વધારવા માતાએ દીકરાના નામે નવી અરજી કરી
માતાએ દીકરો પુખ્ત વયનો થયો હોવાથી ભણાવવાનો ખર્ચો વધ્યો હોવાનું કહીને ભરણપોષણની રકમ વધારવા અરજી કરી છે. તેની જાણ દીકરાને થતાં તેણે અલગથી વકીલની મદદ મેળવીને કેસમાં દાખલ થવા અરજી કરી. તેણે કોર્ટ સમક્ષ કહ્યું કે એક વર્ષનો હતો ત્યારથી મારે માતા સાથે રહેવું પડ્યું છે. હવે મારે પિતા પાસે રહેવું છે, પરતું માતા મને તેમને મળવા જવા દેતી નથી.

સપ્તાહમાં 1 વખત મળવા પિતાએ પ્રમોશન અને બદલી ન સ્વીકાર્યા
દીકરાએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે તેના પિતા સરકારી નોકરી કરે છે. મને મળવા તેમના માટે સપ્તાહમાં એક દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ અધિકાર નહિ ગુમાવવા પિતાએ પ્રમોશનની સાથે બદલી થતી હોવાથી એ સ્વીકાર્યાં નથી. જ્યારે કે માતાનું વર્તન અશોભનીય અને મને મિત્રોમાં શરમ ઊપજાવે એવું છે. તેના પિતા પણ તેને સ્વીકારવા તૈયાર છે, પરતું માતા જવા દેતી નથી.

એમિકસ ક્યૂરીનો જવાબ પછી સુનાવણી ઇન કેમેરા ચાલશે
ગુજરાત હાઇકોર્ટે નીમેલા એમિકસ ક્યૂરીને 14મી સપ્ટેમ્બરે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. પત્નીએ ખોટી રીતે મેળવેલા ભરણપોષણની રકમને પરત મેળવી શકાય કે નહી? એ અંગે શું જોગવાઈ છે? એની વિગતો રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. વિગતો આવ્યા પછી કોર્ટે આ અંગે સુનાવણી ઇન કેમેરા યોજશે. માતા-પિતા બન્નેને ઓનલાઇન હાજર રહેવા આદેશ કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post