• Home
  • News
  • 1971ના યુદ્ધમાં પાકિસ્તાને ઝીંકેલા 2 બોમ્બે નખત્રાણાના ઘડાણી અને નાડાપા વિસ્તારને ધણધણાવી નાખ્યા હતા
post

પાંચ દાયકા પૂર્વેની લડાઈની જાણી-અજાણી રસપ્રદ કહાની

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-04 10:31:47

1971ના ડિસેમ્બરની કાતિલ ઠંડીના એ દિવસો હતા. ભારતની પૂર્વ સરહદે પાકિસ્તાન સાથેનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું હતું અને ભારતને ભીડવવા માટે પાકિસ્તાને પશ્ચિમ સરહદે પણ હુમલા શરૂ કરી દેતાં કચ્છની સીમાએ પણ દુશ્મન દેશનાં લડાકુ વિમાનોની ઘરરાટીઓ સતત સંભાળાઈ રહી હતી. સીમાવર્તી કચ્છ જિલ્લામાં સર્વત્ર ભય અને અંજપાનો માહોલ છવાયેલો હતો.

અવનિ પર અંધારાના ઓળાં ઊતરી ચૂક્યાં હતાં. નખત્રાણા તાલુકાના ઘડાણી ગામથી ત્રણ કિ.મી. દૂર નાડાપાના સીમાડામાં આવેલા કરસન ભગતના ભૂતિયુંખેતરમાં મગફળીના પથારાના રખોપા માટે તેમની 80 વર્ષીય કંકુમા રોકાયાં હતાં અને બાકીના સભ્યો ઘરે વાળુ-પાણી કરવા ગયા હતા ત્યાં અચાનક રાત્રે નવ વાગ્યાની આસપાસ માતા વિમાનોના કાન ફાડી નાખે તેવા અવાજ સંભળાયાની સાથે જ બે ભયંકર ધડાકા સાથે ધરતી ધણધણી ઊઠી અને આંખને આંજી દેતો પ્રકાશ દૂર દૂર સુધી રેલાઇ ગયો.

શું બની ગયું તે સમજતાં ઘડાણી ગામ લોકોને વાર ન લાગી. કંકુમા નાડાપાની સીમમાં જ હતા એટલે તેના ઘરના સભ્યો અને ગામ લોકો હાથમાં ફાનસ લઇને સીમ તરફ દોડ્યા. કંકુમા તો ખાટલામાં હેમખમ હતા પણ તેમનાથી 700-800 ફૂટ દૂર મોત જેવા બે કાતિલ બોમ્બ પાકિસ્તાની ફાઇટરો ઝીંકી ગયા હતા પણ સદભાગ્યે કંકુમા આબાદ બચી ગયા હતા.

બીજા દિવસે ઘટનાસ્થળે આજુબાજુના બધા ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. બોમ્બની કરચો એકઠી કરી લોકોએ પોલીસે સુપ્રત કરી હતી. વાલ્કા, પાનેલી અને છેક દયાપરથી લોકો ગાડાં લઇ પાકિસ્તાનનો આ નાપાકહુમલો જોવા આવ્યા હતા અને યુધ્ધમાં કેવી તારાજી થઇ શકે છે તે નજરોનજર નિહાળ્યું હતું.

8 ડિસેમ્બરની રાતે ભુજ-ઘડાણીમાં બોમ્બ ફેંકાયા
બાંગ્લાદેશના નિરાશ્રીતોની સમસ્યા ઉકેલવા માટે તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ખુશ્કી દળના જનરલ સામ માણેકશા સાથે લાંબી ચર્ચા કરીને પાકિસ્તાન પર લશ્કરી આક્રમણ માટે ડિસેમ્બર 6, 1971ની તારીખ નક્કી કરી દીધી હતી પરંતુ એ મુહૂર્ત આવે તેના ત્રણ દિવસ પહેલાં જ યાહ્યાખાતે ઓપરેશન ચંગીઝખાનનામના લશ્કરી પ્લાન હેઠળ ભારત પર હવાઇ હુમલા શરૂ કરી દીધા હતા જેના ભાગરૂપે નાડાપામાં તેમજ ભુજ હવાઇમથક પર 8 ડિસેમ્બરની રાત્રે સેબરજેટ વિમાનો દ્વારા 14 બોમ્બ ઝીંકી તબાહી મચાવી દીધી હતી. તહસનહસ થયેલ ભુજના એ રનવેને માધાપરની એ વિરાંગના બહેનોએ જીવના જોખમે રાતોરાત રીપેર કરેલો એ ઇતિહાસ જગજાહેર છે જ.

સૌથી વધુ જાખમ લખપત ગામને હતું
યુધ્ધ વખતે તાલુકાના મુખ્ય મથક લખપતમાં ફરજ બજાવતા અને હાલે ભુજના માધાપરમાં રહેતા હરેશભાઇ પુરોહિત એ ભયાનક દિવસોને યાદ કરે છે અને ભૂતકાળમાં સરી પડે છે. સાૈથી વધુ ખતરો લખપત ગામને હતો એટલે ચોરેને ચાૈટે યુધ્ધની જ ચર્ચા થતી. લખપતમાં તે વખતે આપણા લશ્કરી હેલિકોપ્ટરોની અવરજવર વધી ગઇ હતી. તદન નીચી સપાટીએ લખપતની ખાડી બાજુથી આવતા પાકિસ્તાની વિમાનોની અવરજવર લોકોના હાંજા ગગડાવી નાખે તેવી હતી. સંચાર સેવા નહિવત હતી અને રેડિયો પણ વી.આઇ.પી. લોકો પાસે જ હતા એટલે એ અરસામાં અફવાઓ પણ ખૂબ ઉડતી.

રણ રસ્તે પાકિસ્તાન ઘૂસે એવી બીકથી ફફડાટ ફેલાયો હતો
યુધ્ધના અને ભયાનક દિવસોને યાદ કરતાં ઘડુલીના જશવંત પટેલ કહે છે : લખપત તાલુકો પાકિસ્તાનની જળ અને જમીનની સરહદને અડીને આવેલો વિસ્તાર હોઇ, સ્થાનિક લોકોમાં જબરો ફફડાટ હતો. રણ રસ્તે પાકિસ્તાનીઓ ચઢી નહીં આવે ને તે બીક પણ હતી. રાત્રે તો અંધારપટ ફરજિયાત હતો પણ ધોળા દિવસે વાડી-ખેતરમાં જતા પણ બીતા હતા.

આવો હતો નાગરિકોનો તામજામ
લખપત તાલુકાના ગામડાઓમાં તે વખતે વીજળી આવી નહોતી એટલે લોકો અજવાળે જ વાળુ-પાણી કરી સુઇ જતા જેથી ફાનસ પેટાવવું ન પડે. ગામડામાં પણ સંપૂર્ણ અંધારપટનો કડકાઇથી અમલ કરવામાં આવી રહ્યો હતો. રાત્રી મુકામ કરતી એકલ દોકલ એસ.ટી. બસના છાપરા પણ કાળા રંગથી રંગી દેવાયા હતા જેથી પાકિસ્તાની બોમ્બરોને ઉપરથી દેખાય નહીં.

સરહદી વિસ્તારના લોકો અનુભવે છે ગાૈરવ
13
દિવસના એ યુધ્ધમાં લોખંડી વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશના જવાંમર્દ સૈન્યને છૂટોદોર આપી પાકિસ્તાનના બે ટૂકડા કરી નાખી પાકિસ્તાનને તેની અસલ ઓકાત બતાડી દીધી હતી. એ દિવસોને યાદ કરતા આજે પણ સરહદી વિસ્તારના લોકો ગાૈરવ અનુભવે છે.

 

બોમ્બની કરચો યાદગીરીરૂપે સાચવી રાખી
નાડાપાની સીમમાં પાકિસ્તાને ફેંકેલ બોમ્બની કરચો લાંબા વિસ્તાર સુધી ફેલાઇ હતી. સ્થાનિક રહીશોએ આ બધી કરચો વીણી પોલીસને સોંપી હતી તો નાની નાની કરચો લોકો યાદગીરીમાટે લઇ ગયા હતા જે આજે પણ ઘણાના ઘરોમાં સચવાયેલી પડી છે જે પાકિસ્તાની દુ:સાહસની યાદ અપાવી રહી છે.

બોમ્બ થકી પડેલા 1 ખાડામાંથી ખારું પાણી નીકળ્યું !
પાકિસ્તાની ફાઇટરોએ નાડાપાની સીમમાં બે બોમ્બ ઝીંક્યા હતા જે 100 ફૂટના અંતરે પડ્યા હતા. જેના કારણે સ્થળ પર 15 અને 25 ફૂટના ખાડા પડી ગયા હતા અને એક ખાડામાંથી તો ખારું પાણી પણ નીકળ્યું હતું !

 

adv

Related News

post
post
post
post
post
post
post