• Home
  • News
  • ભાજપ પ્રદેશ પ્રમુખ ચિંતન બેઠકથી સરકાર અને સંગઠનમાં સંકલનની આંટીઓ ઉકેલશે
post

મુખ્યમંત્રી સાથે મળી પાટીલે હવે પક્ષ-સરકાર વચ્ચેના સંકલનના સાતત્યને જાળવવા દર મંગળવારે યોજાતી બેઠક ફરી શરૂ કરવા જણાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 11:06:07

રાજ્ય ભાજપમાં વર્ષોથી બાઝેલા જૂના જાડી-ઝાંખરા દૂર કરવા માટે થઇને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચિંતન બેઠક યોજવા જઈ રહ્યા છે. ઘણા વખતથી ભાજપમાં પેસી ગયેલી કેટલીક બિનજરૂરી પ્રણાલીઓ અને વ્યક્તિઓની સાફસફાઇ આ ચિંતન બેઠક થકી કરવામાં આવશે. સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ આ બેઠક યોજાશે અને નવી ટીમ સાથે પાટીલ નવા નિયમોની યાદી જારી કરશે.

ખાસ તો સરકાર સાથે સંગઠનના સંકલનમાં પડી ગયેલી કેટલીક આંટીઓ ઉકેલવાના ભાગરૂપે જ આ ચિંતન બેઠક યોજાશે. સપ્ટેમ્બરના અંતિમ 15 દિવસોમાં બે કે ત્રણ દિવસની આ બેઠક યોજાશે તેવું ભાજપના સૂત્રો જણાવે છે. ટૂંકમાં આ બેઠક થકી પાટીલ એક નવા જ ગુજરાત ભાજપનું સર્જન કરવાના મૂડમાં છે, જેનું લક્ષ્ય ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીઓમાં મહત્તમ બેઠકો જીતવાનું રહેશે. આ અંગે પાટીલે મંગળવારે મુખ્યમંત્રી રૂપાણી સાથે ચર્ચા કરી હતી. પાટીલે રૂપાણીને સરકારમાં ચાલતી કેટલીક બાબતો અને મંત્રીઓની કામગીરીને લઇને પણ ચર્ચા કરી હતી. આ મીટિંગ જોઇએ તેટલાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ નથી, પરંતુ પાટીલે રૂપાણીને હવેથી નિયમિત દર મંગળવારે સંગઠનના નેતાઓ સાથે બેઠક યોજવા જણાવ્યું છે, જેથી હવે સરકાર અને સંગઠનના પ્રતિનિધીઓ દર મંગળવારે મળતા થશે.

સરકારની પદ્ધતિમાં સીઆર ફેરફાર ઇચ્છે છે
સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારની કેટલીક પદ્ધતિઓમાં પણ પાટીલ બદલાવ ઇચ્છે છે અને આ અંગેના કેટલાંક સૂચનો તેમણે રૂપાણીને કર્યાં છે. આ ઉપરાંત મંત્રીમંડળના વિસ્તરણને લઇને આ બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થઇ કે નહીં તે અંગે પણ કોઇ નક્કર જાણકારી પ્રાપ્ત થઇ નથી.

મંગળવારે યોજાતી બેઠક 1 વર્ષથી બંધ
કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રથા નિયમિત ચાલતી હતી. વિજય રૂપાણીએ પણ આ પ્રથા જાળવી હતી, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી આ મીટિંગ નિયમિત મળવાને બદલે અમુક અંતરે મળે છે.

સીઆર સ્વસ્થ થશે પછી બેઠકો યોજાશે
પાટીલ હાલ કોરોના શંકાસ્પદ હોવાથી તમામ બેઠકોના આયોજન પર હાલ પૂરતી બ્રેક મરાઇ છે. તેઓ સ્વસ્થ થઇને પરત ફરશે પછી આ બેઠકના આયોજન પર કામ શરૂ થશે. સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં આ આયોજન કરવામાં આવશે તેવું પાર્ટીના સૂત્રો જણાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post