• Home
  • News
  • રાજ્યના ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 1 જુલાઈથી યોજાશે
post

વિજ્ઞાન પ્રવાહના ત્રણ કલાકના પેપરમાં MCQ અને થિયરી રહેશે, સામાન્ય પ્રવાહ માટે ત્રણ કલાકના પેપરમાં વર્ણનાત્મક જવાબ લખવાના રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-26 11:11:07

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12ની પરીક્ષા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી 1 જુલાઇથી ધોરણ 12ની પરીક્ષા યોજાશે, જ્યારે ત્રણ કલાકના પેપરમાં  MCQ અને થિયરી રહેશે. સામાન્ય પ્રવાહ માટે ત્રણ કલાકના પેપરમાં વર્ણનાત્મક જવાબ લખવાના રહેશે. સામાન્ય પ્રવાહમાં 100 માર્ક્સની વર્ણનાત્મક પરીક્ષા રહેશે. જ્યારે હાલની પદ્ધતિ પ્રમાણે જ પરીક્ષા લેવાશે.

ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજવા અંગે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં બોર્ડની ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની  પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1 જુલાઇ ગુરૂવારથી યોજવા નિર્ણય લેવાયો હતો. 

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1ની 50 ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા 3 કલાકની યોજવામાં આવશે. આવી રીતે જ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ, 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 3 કલાકની પરીક્ષા યોજવામાં આવશે.

રાજ્યમાં કુલ ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે એક વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓ માટે કોરોના પ્રોટોકોલના પાલન સાથે બેઠક વ્યવસ્થા રખાશે અને પરીક્ષા કેન્દ્રમાં વધારો કરવામાં આવશે. કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોથી પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓને મૂળ પેપરના 25 દિવસ પછી પરીક્ષા આપવાની રહેશે.

ધોરણ 10ના વિધાર્થીઓને પરીક્ષા ફી પાછી આપવા અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આગામી સમયમાં સંચાલકો અને વાલીઓ સાથે બેઠક કરી નિર્ણય કરાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post