• Home
  • News
  • વરસાદ બાદ સર્જાયેલી કુદરત રચિત રંગબેરંગી આકૃતિઓ, કેમેરામાં કેદ થયેલો અદભુત નજારો મન મોહી લેશે
post

આયર્નના લિચિંગ પ્રક્રિયાથી જમીનમાં રંગો સર્જાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-25 20:04:51

કચ્છ પ્રદેશ એટલે કુદરતી કલાત્મકતાનો ઉત્તમ ખજાનો, કચ્છમાં આવેલા રણ, દરિયો, ડુંગર અને પેટાળમાં રહેલી અખૂટ ખનિજ સંપત્તિ તેમજ જુરાસિક યુગના ખડકો જિલ્લાને વિશ્વમાં સૌથી ભિન્ન બનાવે છે. તો કચ્છના સફેદરણ, ધોળાવીરા અને કડિયાધ્રોની સુંદરતા વિશ્વવિખ્યાત છે, ત્યારે આવા જ એક સુંદર સ્થળની તસવીરો હાલ પ્રકાશમાં આવી છે. જે પ્રથમ નજરે જોતાં જાણે ગુરુ ગ્રહ જેવી લાગી રહી છે. જી હા, નખત્રાણા તાલુકાના નાની અરલ ગામ પાસેની નદીના ખડકાળ વિસ્તારમાં હાલ વરસાદ બાદ કુદરત રચિત રંગબેરંગી આકૃતિઓ સર્જાઇ છે. વિશાળ કદમાં નયનરમ્ય રંગોથી સર્જાયેલા અદભુત દૃશ્યો અનોખી આભા દર્શાવી રહ્યાં છે.

નખત્રાણાના ધીનોધર ડુંગર નજીકના નાની અરલ ગામ પાસે આવેલી નદીની ખડકાળ જમીનમાં વાદળી, નારંગી, પીળા અને લાલ રંગ સાથે સુંદર આકૃતિઓ સર્જાઇ છે. જેને લઇ આ ભૂમિ જાણે ગુરુ ગ્રહનો અનુભવ કરાવતી જોવા મળી રહી છે. સંભવિત પ્રથમ વખત સામે આવેલાં આ દૃશ્યો ભુજના વેપારી અને ફોટોગ્રાફીના શોખીન અભિષેક ગોસાંઈ દ્વારા પોતાની એક રોડટ્રિપ દરમિયાન ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યાં હતાં. એવાં અવિસ્મરણીય દૃશ્યોને અભિષેકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતા જ ખૂબ લોકચાહના પામ્યા છે.

આ અગાઉ પણ કચ્છના માતાના મઢ પાસે મંગળ ગ્રહ જેવી ભૂમિ જોવા મળી હતી જેના પર સંશોધન કરવા માટે ખુદ નાસાના વૈજ્ઞાનિકો કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે. તો આ સિવાય સફેદ રણ નજીક ગોલ્ડન રણનો વિસ્તાર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. જ્યારે કલાત્મક કોતરો ધરાવતો કડિયાધ્રો અને ભુજની ખારી નદી વિસ્તાર સહેલાણીઓ માટે લોકપ્રિય સ્થળો પૈકીના એક છે. આવાં અનેક રોમાંચિત કરતાં સ્થળોની પણ અભિષેક દ્વારા ફોટોગ્રાફી અને ડ્રોન દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી છે.

કુદરતે જાણે જમીનને કેનવાસ બનાવી ઓઇલ પેઇન્ટિંગ કરી હોય
અરલ નજીક સુંદર દૃશ્યો પોતાના ડ્રોન કેમેરામાં કેદ કરનાર અભિષેક ગોસાંઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ નખત્રાણાના અંતરિયાળ વિસ્તારમાં રોડટ્રિપ પર ગયો હતો ત્યારે નાની અરલ પાસે "રોડની બાજુમાં જ્યાંથી આ નદી પસાર થઈ રહી હતી ત્યાં ઊતરીને મુલાકાત લેતા આવા વિવિધ આકર્ષક રંગો જોવા મળ્યા હતા. જ્યારે નરી આંખે આવાં સુંદર દૃશ્યો જોવા મળ્યાં ત્યારે આ દૃશ્યોને આકાશી નજારે એટલે કે બર્ડવ્યૂ તરીકે કેદ કરવા જ્યારે ડ્રોન કેમેરો ફ્લાય કરવામાં આવ્યો ત્યારે આ અકલ્પનીય નજારો સામે આવ્યો હતો. જાણે કે કુદરતના કેનવાસ પર ઓઇલ પેઇન્ટિંગ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. ડ્રોનનાં દૃશ્યોમાં આસપાસના પથ્થરોનું નિર્માણ અને આ રંગો જાણે ગુરુ ગ્રહનો આભાસ કરાવતા હોય તેવું લાગ્યું હતું." જે કુદરત તરફથી આ દૃશ્યો મારા માટે એક ભેટ હતી.

જળકૃત, વિકૃત અને મૃત જ્વાળામુખીના પથ્થરોમાં આ પ્રકારના આકાર ઊપસે છે
કચ્છ ધરા પર કયા કારણોસર આવા રંગો બને છે? શા માટે પથ્થરો પર આવાં આકર્ષિત દૃશ્યો જોવા મળે છે? આ અંગે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે,"નાની અરલ એટલે કે ધીણોધર ડુંગરની આસપાસ જુદા જુદા પ્રકારના પથ્થરો જોવા મળે છે જેમાં મૃત જ્વાળામુખીની આસપાસના પથ્થરો પણ જોવા મળે છે. અમુક જળકૃત ખડક જોવા મળે છે તો અમુક વિકૃત ખડકો પણ જોવા મળે છે. ધીણોધર ડુંગર છે તે જ્વાળામુખીના કાળા પથ્થરો ધરાવે છે જ્યારે તેની આસપાસ અન્ય જુરાસિક સમયના પથ્થરો જોવા મળે છે."

આયર્નના લિચિંગ પ્રક્રિયાથી જમીનમાં રંગો સર્જાય છે
આગળ વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે "આ વીડિયોમાં જે રીતે લાલ, નારંગી, ચેરી રંગના ખડકો દેખાય છે તે આયર્ન નામનું જે કેમિકલ પથ્થરમાં હોય છે તેના કારણે ઉદભવે છે. જેને આયર્નના લિચિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. લાંબા ગાળે આયર્ન પથ્થરોમાં લિચિંગ થઈને ઘણી જગ્યાએ ફ્લો થાય અને એકત્રિત થાય ત્યારે પથ્થરોમાં અલગ અલગ રંગો આવે છે. તેમાં ક્યારેક પીળા, ક્યારેક લાલ તો ક્યારેક કાળા રંગ આવે છે. જે જ્વાળામુખી હોય તેની અંદર આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપૂર હોય છે જેના કારણે હજારો વર્ષોની લિચિંગ પ્રક્રિયાના કારણે ખડકો પર આવા વિવિધ રંગો સાથેની રચના થતી હોય છે."

 

adv

Related News

post
post
post
post
post
post
post