• Home
  • News
  • કોંગ્રેસને કોઇ જ્ઞાતિના નહીં, લોકોના નેતાની જરૂર છે અને અહેમદ પટેલ તેવા નેતા હતાઃ રાજ્યસભા સાંસદ મધુસુદન મિસ્ત્રી
post

ગમે ત્યારે પોતાની ઉપર જવાબદારી લઇ લેતાં ક્યારેક કોઇ બાબતમાં બદનામી મળે અથવા કોઇ ચૂંટણી પરિણામોમાં અણગમતી પરિસ્થિતિ ઊભી થાય તો પણ તેની જવાબદારી પણ લેતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 10:32:01

અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસમાં ખાલીપો રહેશે જ પણ પક્ષ ચાલતો રહેશે, યુવા પેઢી આ પાર્ટીને કેવી રીતે ચલાવે છે તે જોવાનું રહેશે. પરંતુ વર્તમાન નેતાઓએ અહેમદભાઇના જીવનમાંથી ઘણું શિખવાનું છે. દરેક લોકોની વચ્ચે પહોંચવાનું છે. તેમનામાં એ ભાવના જગાડવાની છે કે કોંગ્રેસ તેમના માટે જ કામ કરે છે. આજે જે-તે જ્ઞાતિમાંથી આવતા નેતા છે અને તેઓ પોતાને કોઇ જ્ઞાતિના નેતા તરીકે જ ઓળખાવે છે, પણ કોંગ્રેસને લોકનેતાની જરૂર છે. અહેમદભાઇ તેવા જ એક લોકનેતા હતા. જ્ઞાતિના નેતા તરીકે પ્રસ્થાપિત થવું સરળ છે પરંતુ લોકનેતા થવાનું અઘરું કામ અહેમદભાઇએ કરી બતાવ્યું હતું. તમારે જ્યારે ખરેખર તમારા પક્ષને ઊંચો લઇ જવો હોય ત્યારે તમારે તમારી વ્યક્તિગત ઇચ્છાઓનો ત્યાગ કરવો પણ પડે અને તે અહેમદભાઇએ કરી બતાવ્યો હતો.

મને યાદ છે કે ચૂંટણી 2004માં તે વખતની સરકારનું ઇન્ડિયા શાઇનિંગ કેમ્પેઇન હતું અને એનડીએ ફરી સત્તા મેળવશે તેવું ચિત્ર ઊભું કરાયું હતું, પરંતુ એ વખતે ચૂંટણી જીત્યા તેમાં સોનિયા ગાંધીની નેતાગીરી અને અહેમદ પટેલની સલાહ બે મહત્ત્વની બાબત હતી. તેમના સંપર્કો ખૂબ બહોળા અને ગાઢ હતા તેથી આખાં દેશમાંથી વિવિધ રાજકીય પાર્ટીઓને સાથે રાખીને યુપીએ બનાવી. ચૂંટણી દરમિયાન ફંડ અને પ્રચાર મેનેજ કરવા તે તેમની મુખ્ય જવાબદારી હતી. દરેક બાબતે અહેમદ પટેલની જરૂર પડે એટલે તેમના વગર ચાલે નહીં. તે ચૂંટણીમાં કોંગ્રેસની 146 બેઠકો આવી હતી પણ 2004 અને પછી 2008માં પણ તેઓ સરકારમાં શામેલ થવાથી જાતે જ દૂર રહ્યા.

તેમના કોઇ રાજકીય ગોડફાધર હોય તેવું મને યાદ નથી આવતું. કોંગ્રેસના ભાગલાં પડ્યાં અને ઇંદિરા ગાંધીના નેતૃત્વની કોંગ્રેસમાં ઘણાં નેતા જોડાયાં. તેમાં 1977માં ભરૂચની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની શોધ ચાલતી હતી. તે દરમિયાન અહીંથી કહેવાયું કે બાબુભાઇ એટલે કે અહેમદ પટેલ એક સારા ઉમેદવાર બની શકે. તેઓ નિતાંત કોંગ્રેસી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડીને જીતેલાં તથા તેની સાથે યુવા કોંગ્રેસમાં પણ ખૂબ સક્રીય એટલે નવયુવાન, તરવરીયા ઉમેદવાર તરીકે તેઓ પહેલવહેલા સાવ સત્યાવીસ વર્ષની ઉંમરે લોકસભાના ઉમેદવાર બન્યા અને ચૂંટાઇ આવ્યા. એ જમાનામાં એ ક્રિકેટર પણ હતાં અને સ્થાનિક કક્ષાએ મેચ રમતા હતા. ખૂબ દેખાવડા પણ હતા અને સંસદમાં પહેલી વખત ચૂંટાયા બાદ ઇંદિરા ગાંધીની નજર તેમના પર પડી અને તેઓ તેમનાથી ખાસ્સા પ્રભાવિત પણ થયાં હતાં. તેમના પિતા ઇશિકજી પટેલ તે વખતના ખેડૂત અને સહકારી ક્ષેત્રના આગળ પડતા નેતા એટલે નેતાગીરીનો ગુણ તેમને વારસામાં જ મળેલો.

તે બે વખત સતત લોકસભામાં ચૂંટાયા અને પછી રાજીવ ગાંધીની સરકારમાં તેમને પાર્લિયામેન્ટ સેક્રેટરી બનાવાયા હતા. પછી તેમાંથી ધીમે ધીમે આગળ વધ્યા કારણ કે તેમનો સ્વભાવ ખૂબ મળતાવડો અને ગમે ત્યારે તે ઉપલબ્ધ રહેતા. સતત કામમાં વ્યસ્ત રહે અને કામ માટે તેમણે ઘડીયાળના કાંટા ક્યારેય જોયાં નથી. તેમને વ્યક્તિગત મહત્વાકાંક્ષા કોઇ ન હતી. પ્રસિદ્ધિથી તેઓ ખૂબ દૂર રહેતા, પક્ષમાં લોકોના જો કોઇ મતભેદ હોય તો તે દૂર કરવા માટે ટ્રબલશૂટરની જેમ કામ કરતા. 1999માં તેમણે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું એટલે સત્તા માટે કોઇ ઇચ્છા ન હતી. દરેક વ્યક્તિ સાથે તેમના સંપર્ક રહેતા અને તેમનો સાલસ અને પ્રેમાળ સ્વભાવને કારણે દરેક વ્યક્તિના તેઓ માનીતા બન્યા. અને એટલે જ કોંગ્રેસના તમામ લોકોમાં અને ખાસ તો ગાંધી પરિવારની તેઓ ખૂબ નીકટ પહોંચ્યા. તેમની ઉપર દરેક વ્યક્તિને ખૂબ વિશ્વાસ રહેતો.

ગમે ત્યારે પોતાની ઉપર જવાબદારી લઇ લેતાં ક્યારેક કોઇ બાબતમાં બદનામી મળે અથવા કોઇ ચૂંટણી પરિણામોમાં અણગમતી પરિસ્થિતિ ઊભી થાય તો પણ તેની જવાબદારી પણ લેતાં. નાની વસ્તુનું ધ્યાન રાખે, ઇવેન્ટ મેનેજમેન્ટ ખૂબ સારું, ચૂંટણીઓનું વ્યવસ્થાપન ખૂબ સારું રહેતું. તેઓ હંમેશા બેકડોર કામ કરીને પાર્ટીની ચિંતા કરતા. પાર્ટીના કોઇપણ કામ કે કાર્યક્રમ માટે લોકોની, લોજિસ્ટિકની વ્યવસ્થા કરવી, ફંડ લાવવું વગેરે તેઓ કામ કરતાં અને ક્યારેક પ્રશંસા ન મળે તો પણ ક્યારેય તેઓ તેની પરવા ન કરતા. ખરેખર તો તેઓ પાછળ રહીને કામ કરતા છતાં પ્રસિદ્ધિ નહીં લેતા. રાજકારણમાં મહત્વાકાંક્ષા ડ્રાઇવિંગ ફોર્સ હોય પણ તેઓ તેનાથી દૂર જ રહ્યા.

તેઓ એક એવો ખભો હતા કે જ્યાં માથું મૂકીને આખાં દેશના અને ખાસ તો ગુજરાતના કોંગ્રેસના નેતાઓ રોઇ શકતા અને ત્યાં જ તેમને સમાધાન પણ મળતું. તે પાર્ટી માટે જ જીવ્યા, પોતાના માટે કાંઇ ન કર્યું. ગુજરાત કોંગ્રેસના કેટલાંક નેતાઓને તેમની સાથે ખાસ કાંઇ ફાવતું નહીં તેનું કારણ જ પર્સનલ એમ્બિશન હતી. અહેમદભાઇ દિલ્હીમાં રહીને તે આખો દેશ જોતા. ગુજરાતમાં રહો ત્યારે દ્રષ્ટિ જુદી હોય. દિલ્હીમાં તે જુદી થઇ જાય. કોઇપણ પદ માટે તમે ક્યાં ફીટ થાવ તે તેઓ જાણતા. કોઇની ઇચ્છા હોય કે તેમને મંત્રી બનાવાય કે અન્ય હોદ્દો, પદ કે ટિકીટ અપાય પણ તેમ શક્ય ન હોય ત્યારે તેવા લોકો અહેમદ પટેલથી વિમુખ થાય અને તેના માટે તેઓ અહેમદ પટેલને જ નિમિત્ત માનતા. પણ ઘણીવાર રાષ્ટ્રીય સ્તરે અલગ સમીકરણો હોય. એક જ પદ માટે દાવેદાર ઘણાં હોય ત્યારે એકની પસંદગી થાય અને બાકીના નારાજ થાય તે નિશ્ચિત છે અને ત્યારે હિતોના ટકરાવને કારણે ગુજરાતના કેટલાંક કોંગ્રેસી નેતાઓને અહેમદભાઇ સાથે ક્યારેય બન્યું નહીં, તેને અહેમદભાઇને અફસોસ રહ્યો પણ તેને લઇને કોઇ અગણમો ન હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post