• Home
  • News
  • વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે બનેલા ચર્ચાસ્પદ વ્હાઇટ હાઉસને બુલડોઝરથી જમીનદોસ્ત કરી દેવાયું
post

ભૂમાફિયા સંજયસિંહ પરમાર સામે અન્ય સરકારી જમીનના પણ બોગસ દસ્તાવેજો બનાવી કબજો જમાવી દીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:30:52

વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર બનાવી દેવામાં આવેલા "વ્હાઇટ હાઉસ" નામથી જાણીતા વિશાળ બંગલોને તોડી પાડવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વ્હાઇટ હાઉસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

શરૂઆતમાં 5 ડુપ્લેક્ષ તોડી પડાયાં હતાં અને બાદમાં વ્હાઇટ કાઉસની કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે સ્ટે આપતા કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ કહ્યું હતું કે, આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોવાથી તમને રક્ષણ આપી શકાય તેમ નથી. જેથી કોર્ટે અરજી કાઢી નાખી હતી. બાદમાં વ્હાઇટ હાઉસને તોડી પડાયું હતું. વ્હાઇટ હાઉસ 10 હજાર સ્કવેર ફૂટમાં બન્યું હતું.

2.30 વાગ્યા સુધી કામગીરી સ્થગિત કરી
સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ આશિષ મોદીએ જણાવ્યું હતું કે, સરકારી વકીલના કહેવા પ્રમાણે હાઇકોર્ટે 2.30 વાગ્યા સુધી સ્ટેટસ સ્કો આપવામાં આવ્યો છે. જેથી 2.30 વાગ્યા સુધી કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. સ્થળ પર પહોંચેલા ભૂમાફિયા સંજયસિંહના પુત્ર કુમારસિંહ પરમારે જણાવ્યું હતું કે, દસ્તાવેજ મારાં મમ્મીના નામનો છે. હાઇકોર્ટે બાંધકામ તોડવા સામે સ્ટે આપેલો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સરકારી જમીન પર બનેલા વ્હાઇટ હાઉસની બાજુમાં 1 લાખ ચોરસ ફૂટ જગ્યામાં ડુપ્લેક્ષની સ્કીમ મૂકવામાં આવી હતી. આજે સવારે 5 જેસીબીની મદદથી ગેરકાયદે બાંધવામાં આવેલાં 5 ડુપ્લેક્ષ તોડી પાડવામાં આવ્યાં હતાં, ત્યારબાદ વ્હાઇટ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું. 100 કરોડની જમીન ખાલી કરાવવા માટે શરૂ કરાયેલી કાર્યવાહીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોનાં ટોળાં પણ ઊમટી પડ્યાં હતાં. ફાયર બ્રિગેડ અને જીઇબીની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જીઇબી દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.

દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી
ડેપ્ચુટી ટીડીઓ મયંક પટેલે જણાવ્યું હતું કે, સરકારી જમીન પર જે દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. તે પ્રમાણે જ સરકારી પ્રોસેસ પૂર્ણ કરીને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે.

ભવ્ય બંગલો બનાવ્યો હતો
ભૂમાફિયા સંજયસિંહ પરમારે વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ આવેલી 100 કરોડની સરકારી જમીનના બોગસ દસ્તાવેજો ઊભા કરી પોતાનો ભવ્ય બંગલો બનાવી દેવામાં આવ્યો હતો. જે બંગલો વ્હાઇટ હાઉસ નામથી જાણીતો હતો. ઉપરાંત બાકીની જમીનમાં ભવ્ય ડુપ્લેક્ષોની સ્કીમ મૂકી હતી. આ અંગે છેલ્લા કેટલાક સમયથી કાનૂની કાર્યવાહી ચાલતી હતી. આખરે વડોદરા જિલ્લા કલેક્ટરે સરકારી જમીન પચાવી પાડનાર સંજયસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ કરવા માટે હુકમ કર્યો હતો. અને તે હુકમના આધારે ભૂમાફિયા સંજયસિંહ પરમાર અને તેની પત્ની લક્ષ્મીબહેન સહિત ત્રણ સામે ક્રાઇમ બ્રાંચમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ હતી.

 

ફોર્મ ભરવામાં મદદ કરી
આ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં અગાઉ સંજયસિંહ પરમાર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની તપાસમાં સિટી સર્વેમાં નામ દાખલ કરાવવામાં કોર્પોરેશનના કર્મચારીઓએ ફોર્મ F ભરવા માટે વિવિધ ભૂમિકા ભજવી હતી. જેથી ત્રણેય કર્મચારીઓ સોહમ પટેલ, નિર્મલ કંથારિયા અને શનાભાઇ તડવીની ધરપકડ કરવામાં આવી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
બીજી બાજુ જિલ્લા મહેસૂલી વિભાગ દ્વારા સરકારી જમીન ઉપર વ્હાઇટ હાઉસનો બંગલો તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી હતી. નોટિસોની મુદત પૂરી થયા પછી પણ માલિકો દ્વારા બંગલો દૂર કરવામાં ન આવતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વ્હાઇટ હાઉસનું બિલ્ડિંગ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું.

ફોટા-વીડિયો ઉતાર્યા
મળેલી માહિતી પ્રમાણે વ્હાઇટ હાઉસ નામનો બંગલો આજે તોડવામાં આવનાર હોવાની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં ચર્ચાનો વિષય બન્યો હતો. તે સાથે બંગલામાં રહેતા લોકોએ પોતાનો સામાન અન્ય સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરતા વિસ્તારમાં ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. કુતૂહલવશ લોકોના વ્હાઇટ હાઉસ પાસે ટોળાં વળી ગયાં હતાં. કેટલાક લોકોએ મોબાઇલમાં વ્હાઇટ હાઉસના ફોટા અને વીડિયો ઉતાર્યો હતો.

સરકાર જમીન લઇ લેશે
આ જમીન સંપૂર્ણ પણે સરકાર હસ્તક પુનઃ લઇ લેવામાં આવશે. નોંધનીય છે કે, ભૂમાફિયા સંજયસિંહ પરમાર સામે અન્ય સરકારી જમીનના પણ બોગસ દસ્તાવેજો બનાવી કબજો જમાવી દીધો છે. જે અંગે હાલ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં અન્ય જમીન કૌંભાડમાં પણ વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post