• Home
  • News
  • અમદાવાદના દાણીલીમડાની મહિલાને 124 દિવસમાં બે વખત કોરોનાના ચેપનો દેશનો પ્રથમ કિસ્સો
post

પ્રથમ વખત 18 એપ્રિલે અને બીજી વખત 19 ઓગસ્ટે પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 09:18:38

એક વાર કોરોના થયો હોય, સારવાર લીધી હોય અને ફરીથી કોરોના થયો હોવાનો દેશમાં પ્રથમ કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. માર્ચ-એપ્રિલ મહિનામાં શહેરમાં કોરોના માટે હોટસ્પોટ ગણાતા દાણીલીમડા વિસ્તારમાં રહેતી 54 વર્ષની મહિલાને 124 દિવસ પછી ફરીથી કોરોના થયો છે. દિલ્હી એરફોર્સમાં ફરજ બજાવતા મહિલાના ભાઈ અમદાવાદ તેમના ઘરે રોકાયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના અન્ય તમામ સભ્યોના રેપીડ ટેસ્ટ કરાવતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મણિનગરમાં આવેલી રતન હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા બાદ ફરીથી ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. અગાઉ કોરોના થયો ત્યારે પણ તેમને તાવના લક્ષણો હતો. બીજી વાર પણ તેમને તાવના જ લક્ષણો દેખાવા મળ્યા છે.

માર્ચ-એપ્રિલમાં દાણીલીમડા વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ હતું. ત્યારે અહીં રહેતા પતિ-પત્નીએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. બંન્ને પોઝિટિવ આવતા તેમને 18 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 8 દિવસ બાદ ફરીથી પતિ-પત્નીનો ટેસ્ટ કરાવાયો હતો જેમાં પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવતા 27 એપ્રિલે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે પતિ વધુ નાદુરસ્ત હોવાથી તેમને 25 દિવસ પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે, આ પછી દંપતીનો એન્ટીબોડીઝ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. દરમિયાનમાં 8 ઓગસ્ટે મહિલાના ભાઈ દિલ્હીથી અમદાવાદ તેમના ઘરે આવ્યા હતા. તેઓ એરફોર્સમાં ફરજ બજાવે છે. દસ દિવસના રોકાણ દરમિયાન ભાઈને તાવ આવતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને તેઓ પોઝિટિવ આવતા તેમને શાહીબાગ કેન્ટોનમેન્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના માટે ડેઝીગ્નેટ કરાયેલી રતન હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જયાં પહેલા એન્ટીબોડીઝ ટેસ્ટ કરાવતા તે નેગેટિવ આવ્યો અને કોવિડ ટેસ્ટ પોઝેટિવ આવ્યો હતો.

રિસર્ચ માટે નાક, બ્લડના સેમ્પલ માઈનસ 8 ડિગ્રીમાં SVPમાં પ્રિઝર્વ કરાયા
રતન હોસ્પિટલના વિઝીટીંગ ડોક્ટર પ્રજ્ઞેશ વોરાએ જણાવ્યું કે, મહિલા ફરી વાર પોઝિટિવ આવતા અમે એસવીપી અને આઈસીએમઆર અને વાયરોલોજી લેબ પૂનેને જાણ કરી છે. આઈસીએમઆરના ડોકટર સાથેની વાતચીત મુજબ આ ભારતનો પ્રથમ કેસ છે. આવો જ એક કેસ હોંગકોંગમાં નોંધાયો છે જેનો ફિનોમીક્સ સ્ટડી પણ ચાલી રહ્યો છે. આપણી પાસે અગાઉ મહિલાના લીધેલા સેમ્પલ નથી પરંતુ બીજી વાર લીધેલ તેમના નઝલ અને બ્લડ સેમ્પલ માઈનસ 8 ડિગ્રી ટેમ્પરેચરમાં એસવીપીમાં સ્ટોર કરાયા છે. વધુ રિસર્ચ માટે આ સેમ્પલ મોકલાશે.

સપ્તાહ પછી કોરોનાના નવા કેસ 150થી ઘટ્યા, વધુ 4 દર્દીનાં મોત
શહેરમાં છેલ્લા એક સપ્તાહ બાદ આખરે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 150થી નીચે ઉતરી 145 થઈ છે. જ્યારે વધુ ચાર દર્દીના મૃત્યુ થયા હતા. નવા 145 કેસ સાથે અમદાવાદમાં કુલ સંખ્યા 29,615 જ્યારે મૃત્યુઆંક 1685એ પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવના 12 કેસ નોંધાયા હતા. મંગળવારે જિલ્લાના દસ્ક્રોઇ 2, ધંધુકા 2, ધોળકા 1, સાણંદ 3, અને વિરમગામમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ધોળકામાં કેસની સંખ્યા 400 નજીક પહોંચી છે તો સાણંદમાં 387 અને દસ્ક્રોઈમાં 270એ પહોંચી છે.

ગુજરાત ચેમ્બરના કર્મચારીને કોરોના
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના સ્ટાફમાં કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ચેમ્બરમાં કોરોના પોઝિટિવ આવતા કર્મચારીને રજા પર ઉતારી દેવામાં આવ્યો છે. ચેમ્બરમાં કામ કરતા 28 વર્ષના કર્મચારીનો શનિવારે રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેઓ ચેમ્બરમાં કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ બાકી છે. બુધવારે કોર્પોરેશનની ટીમ દ્વારા ચેમ્બરમાં કામ કરતા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોનાના કહેરને લઇને અગામી ચૂંટણી ટાળવા માટે કેટલાક ઉમેદવારોએ રજૂઆત પણ કરી છે.

વધુ 34 વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવા પડ્યા

·         ઓમ પરમાત્મા ઇસનપુર

·         શેશાદ્રી એપાર્ટ, મણીનગર

·         ગુલસન મદિના, મણીનગર

·         1 મોહન પાર્ક, સોસા. કાંકરીયા

·         ઘર નં. 1 થી 32, મહાલક્ષ્મી સોસા. ઘોડાસર

·         ઘર નં. 13 થી 20કમલપાર્ક સોસા., ઘોડાસર

·         સી. બ્લોક, લક્ષ્મી વિલા, નરોડા

·         બ્લોક નં.21, બોમ્બે હાઉસીંગ, સરસપુર

·         શાલીમાર ફલેટસ શાહીબાગ

·         આનંદ મિલન ટાવર, શાહીબાગ

·         એ બ્લોક, 4 થી 8 માળ, રોયલ ચિન્મય ટાવર, બોડકદેવ

·         ઘર નં. 46 થી 59, 72 થી 84 સુરભીનગર, ચાંદલોડિયા

·         દેવ ઓમ રેસિડન્સી, ચાંદલોડિયા

·         એ બ્લોક, શાંતિદયાલ એપાર્ટ, થલતેજ

·         ઘર નં. 3 થી 12, કિશન બંગલો, બોડકદેવ

·         ઘર નં. 64 થી 75 વૈભવ બંગલો, થલતેજ

·         એ અને બી બ્લોક, સવિતા ગોવિંદ પ્લાઝા, બોડકદેવ

·         ઘર નં. 464 થી 485, જનતાનગર, રામોલ

·         ઘર નં. 12 થી 17, માધવ 4, વસ્ત્રાલ

·         સી બ્લોક, ગ્રાનવેલી રેસિડન્સી,, નિકોલ

·         ઘર નં. 10 થી 15 શ્રી રામ પાર્ક, નિકોલ

·         ઘર નં. 1 થી 24, શુભમ ફ્લેટ, વિરાટનગર

·         19 થી 36, બી 50 થી 54, ત્રિપદા સોસા. ભાઇપુરા

·         પારૂલ ટેનામેન્ટ, ભાઇપુરા

·         ઘર નં. 34 થી 95, હરિદર્શન સોસા, ભાઇપુરા

·         કેશવલાલનું ડેલુ, ગોમતીપુર

·         એફ બ્લોક, ઇદ્રપ્રસ્થ 5, જોધપુર

·         એલ બ્લોક, સનસીટી, બોપલ

·         ઘર નં. 21 થી 30, પાર્શ્વનગર, કાળી

·         ઘર નં. 10 થી 25, લક્ષ્મીનગર, કાળી ગામ

·         એ બ્લોક, 11 ઘનશ્યામનગર, જૂનાવાડજ

·         પ્લોટ નં.8, સરશ્વતી ફ્લેટ, પાલડી

·         બ્લોક એફ-3, શુકન સ્માઇલ સિટી, રાણીપ

·         બ્લોક નં. 46, આનંદનગર એપાર્ટ, નવાવાડજ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post