• Home
  • News
  • દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું- લક્ષણો વિનાના દર્દીઓનું હોમ આઇસોલેશન ઘાતક, તેનાથી જ સંક્રમણનું જોખમ વધે છે
post

લોકોને એવું લાગે કે હવે ઓછા દર્દી આવી રહ્યા છે એટલે થોડી બેદરકારી થઇ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 09:23:32

નવી દિલ્હી: દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યાનુસાર કોરોનાના દર્દી મળવાની સતત વધતી ઝડપનું મોટું કારણ લક્ષણો વિનાના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવાની નીતિ છે. ડૉ. ગુલેરિયા સાથેની વાતચીતના મુખ્ય અંશ...

સવાલ: ઘણાં રાજ્યો દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખે છે. શું આ પદ્ધતિ યોગ્ય છે?
જવાબ: લક્ષણો વિનાના દર્દીઓને ઇન્સ્ટિટ્યૂશનલ આઇસોલેશનમાં જ રાખવા જોઇએ. લોકો ઘરે ખાસ સાવધાનીઓ રાખી શકતા નથી. દર્દીઓને ઘણી વાર એવું લાગે કે તેઓ સાજા થઇ ચૂક્યા છે. તાવની દવા લઇને બહાર પણ નીકળી પડે, જેનાથી તેમની સ્થિતિ ગંભીર થવા ઉપરાંત સંક્રમણનું જોખમ પણ વધી જાય છે. તમે ડેટા જોશો તો ખ્યાલ આવશે કે કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર તે સ્થળોએ જ નવા ક્લસ્ટર બની રહ્યા છે કે જ્યાં લોકોને હોમ આઇસોલેશનમાં રખાય છે.

સવાલ: ઘણા સ્થળે દર્દીઓની સંખ્યા ઘટી અને પછી અચાનક વધી. આવું કેમ?
જવાબ: લોકોને એવું લાગે કે હવે ઓછા દર્દી આવી રહ્યા છે એટલે થોડી બેદરકારી થઇ રહી છે. દા.ત. અમેરિકામાં કેસ ઘટવા લાગ્યા હતા તો લોકોએ પાર્ટીઓ શરૂ કરી દીધી, બીચ પર જવા લાગ્યા. પરિણામે ત્યાં અગાઉના દૈનિક 30 હજારની તુલનાએ હવે સરેરાશ 60 હજાર દર્દી મળવા લાગ્યા છે.

સવાલ: રેમડેસિવિર અને ટોસિલિઝુમાબ જેવી દવાઓ સારવારમાં કેટલી કારગત છે?
જવાબ: આ દવાઓનો ઉપયોગ બહુ મર્યાદિત છે પણ અમુક ડૉક્ટરો લક્ષણો વિનાના દર્દીઓને પણ રેમડેસિવિર આપવાનું શરૂ કરી દે છે, જે બહુ ખતરનાક સાબિત થઇ શકે છે. આ દવાઓથી લિવર અને કિડની ખરાબ થવાનું જોખમ રહે છે. એટલે જ તે માત્ર ગંભીર દર્દીઓને કટોકટીની સ્થિતિમાં જ આપવી જોઇએ.

સવાલ: પ્લાઝમા થેરપી કેટલી કારગત છે? બધે પ્લાઝમા બેન્ક ઊભી કરાઇ રહી છે?
જવાબ: તેના પણ કટોકટીની સ્થિતિમાં ઉપયોગની મંજૂરી છે. હજુ સુધી તેની તરફેણમાં પણ કોઇ મજબૂત ડેટા નથી પણ હાલ કોઇ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ ન હોવાથી તેનો ઉપયોગ થઇ રહ્યો છે, કેમ કે તેનાથી કોઇ નુકસાન નથી. એવું મનાય છે કે કોઇ દર્દી આ બીમારીમાંથી સાજો થયો હોય તો તેના શરીરમાં એન્ટિબૉડી બની હશે. તેથી તેના શરીરમાંથી પ્લાઝમા લઇને બીમારને અપાય તો પેસિવ ઇમ્યુનિટી બુસ્ટર કામ કરી શકે છે.

સવાલ: ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ, ફ્રન્ટ લાઇન વર્કર્સ હવે થાકી ગયા છે. એવામાં લડાઇ નબળી પડી શકે છે?
જવાબ: હા, આ બિલકુલ સાચું છે. લોકો પણ થાકી ગયા છે પણ હાલ ઢીલ આપવાની જરૂર નથી. આ તરફ બહુ ધ્યાન આપવાની જરૂર છે. લોકોમાં ઉત્સાહ વધારવાની જરૂર છે. લોકોનો મેન્ટલ સ્ટ્રેસ પણ વધી રહ્યો છે. એઇમ્સ એક રણનીતિ ઘડી રહી છે, જેમાં માનસિક તણાવ કે તકલીફ અનુભવતા લોકો હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને ક્લિનિકલ સાઇકોલોજિસ્ટના માધ્યમથી કાઉન્સેલિંગ પણ મેળવી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post