• Home
  • News
  • ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જૂનો વીડિયો પોસ્ટ કરી કોહલીને પૂછ્યું- શું આ તમારા દ્વારા રમવામાં આવેલો શ્રેષ્ઠ બોલ છે?
post

સીરિઝમાં સતત ત્રણ મેચમાં કોહલી સ્પિનર્સનો શિકાર થયો હતો, બે વાર રાશિદ અને એક વાર મોઇન અલીએ આઉટ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 10:40:07

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ ટ્વિટર પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો 2018 ઇંગ્લેન્ડ પ્રવાસ પર આઉટ થવાનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આમાં કોહલીને સ્પિનર આદિલ રાશિદે ક્લીન બોલ્ડ કર્યો હતો. આઉટ થયા પછી કોહલીના હાવભાવ પરથી સ્પષ્ટ થાય છે કે તે બોલથી આશ્ચર્યચકિત થયો હતો. ઇંગ્લેન્ડ બોર્ડે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે, શું આ તમારા દ્વારા રમવામાં આવેલો અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલ છે?

2018ની સીરિઝમાં રાશિદે 2 વાર કોહલીને આઉટ કર્યો હતો
કોહલી તે મેચમાં 71 રનમાં રમી રહ્યો હતો અને તેની 36મી સદીની નજીક હતો. પરંતુ રાશિદના આ બોલે તેને સદી ફટકારવા દીધી નહોતી. તે સીરિઝની ત્રણેય વનડેમાં સ્પિનર્સે જ સતત કોહલીને આઉટ કર્યો હતો. પ્રથમ અને ત્રીજી વનડેમાં રાશિદે, જ્યારે બીજી મેચમાં ઓફ-સ્પિનર મોઇન અલીએ તેને આઉટ કર્યો હતો.


2014માં સ્પિનર્સે જ સતત ત્રણ મેચમાં કોહલીને આઉટ કર્યો
કોહલી તેના કરિયરમાં માત્ર બીજીવાર સતત ત્રણ મેચમાં સ્પિનર્સનો શિકાર થયો હતો. તે પહેલા 2014માં શ્રીલંકા સામે સતત ત્રણ મેચમાં સ્પિનર્સની બોલિંગમાં આઉટ થયો હતો.


કોહલીએ ઇંગ્લેન્ડ સામે વનડેમાં 3 સદી મારી છે
વિરાટે અત્યાર સુધીમાં 248 વનડેમાં 60ની એવરેજથી 11867 રન કર્યા છે. તેણે આ દરમિયાન 43 સદી મારી છે. ભારતીય કેપ્ટને ઇંગ્લેન્ડ સામે 30 વનડેમાં 45.30ની એવરેજથી 3 સદી સહિત 1178 રન બનાવ્યા છે.