• Home
  • News
  • મહામારીએ મનોરોગી બનાવ્યા:બીજી લહેર બાદ ડોક્ટર-નર્સ સહિતનો સ્ટાફ માનસિક બીમારીનો શિકાર બનશે, મોત કે કરુણ દૃશ્યો જોયાં હોવાથી એ વારંવાર યાદ આવે છે
post

પહેલી લહેરમાં સ્વભાવ ચીડિયો થઈ જતો, પણ હવે ડર જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-25 09:53:31

કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે અને એની સીધી અસર લોકોની માનસિકતા પર પણ પડી છે. લોકો આર્થિક અને શારીરિક રીતે થાક્યા છે, ત્યારે કોરોનાની બીજી લહેરના કારણે લોકો માનસિક રીતે પર થાકી ગયા છે. લોકોના મગજ પર ભાર વધ્યો છે. અગાઉ જે માનસિક દર્દીઓ હતા તેના કરતાં બે ગણા દર્દીઓ અત્યારે મનોચિકિત્સક પાસે સારવાર મેળવવા જાય છે. માત્ર એટલું જ નહીં, આગામી સમયમાં ડોક્ટર,નર્સ અને હોસ્પિટલ સ્ટાફની માનસિકતા પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આસપાસનાં દૃશ્યો જોઇ માનસિકતા પર અસર પડી
કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. કેટલાક લોકોએ લાંબો સમય સુધી હોસ્પિટલમાં રહીને સારવાર મેળવી છે, ત્યારે સારવાર દરમિયાન થયેલા અનુભવ અને આસપાસનાં ​દૃશ્યો​ જોઇને પણ લોકોની માનસિકતા પર અસર પડી છે. અગાઉ રિસર્ચ પ્રમાણે લોકોનો સ્વભાવ ચીડિયો થઇ જતો હતો, પરંતુ હવે લોકોમાં ડર પણ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાને કોરોનાથી બચાવવા માટે જરૂર કરતાં વધુ તકેદારી પણ રાખવા લાગ્યા છે, એ પણ એક લક્ષણ જ છે.

શ્વાસ કે હૃદયની બીમારી હોય તેવા દર્દીઓ ગંભીર હોવાનું અનુભવે છે
આ અંગે મનોચિકિત્સક ડોક્ટર સુહાસ દોશીએ વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ કરતાં માનસિક બીમારીનું પ્રમાણ બે ગણું વધ્યું છે. લોકો કોરોનાને કારણે ડરી ગયા છે અને ચિંતામાં પડી ગયા છે, જેને કારણે લોકોની માનસિકતા પર અસર પડી છે. હેલ્થ એંગ્ઝાઈટીની બીમારી અનેક લોકોમાં જોવા મળી રહી છે, જેમાં કોઈ વ્યક્તિ પોતાને સામાન્ય લક્ષણ હોય તોપણ એને ગંભીરતાથી લે છે, જેમ કે શ્વાસ કે હૃદયની બીમારી હોય તેવા દર્દીઓ પોતે ગંભીર હોવાનું અનુભવી રહ્યા છે.

 

આર્થિક જવાબદારી સંભાળતા યુવાઓમાં સંક્રમિત થવાનો ડર વધુ
ડોક્ટર સુહાસ દોશીએ વધુમાં કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)નામની માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. જે વ્યક્તિઓએ દર્દીઓનાં મોત જોયા હોય, પીડા કે કરુણ દૃશ્યો જોયામ હોય તેમને આ દૃશ્યો વારંવાર યાદ આવે છે. આ ઘટના વ્યક્તિની આંખની સામે પણ અચાનક આવી જાય છે, એ ફરીથી એ ઘટના બનતી હોય એવો અનુભવ થાય છે. આ પ્રકારની બીમારીમાં પણ વધારો થયો છે. કોરોનાની બીજી લહેરમાં યુવાઓ પણ સપડાયા હતા, જેના કારણે યુવાઓમાં પણ હવે ડર જોવા મળી રહ્યો છે. યુવાઓ પર ઘરની આર્થિક જવાબદારી હોય અને પોતાના લીધે અન્ય લોકો સંક્રમિત ના થાય એ માટે તેઓ ડરે છે અને કામથી પણ દૂર ભાગે છે. જરૂર કરતાં વધુ કાળજી લેવાનું પણ શરૂ કર્યું છે અને એ ખૂબ નુકસાનકારક છે.

માનસિક બીમારી વધશે, જે માટે તમામે તૈયારી રાખવી
ડોક્ટર સુહાસ દોશીના જણાવ્યા મુજબ, માનસિક બીમારીમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. આવનારા સમયમાં હજુ પણ આ બીમારી વધશે. ખાસ જે ડોક્ટર, નર્સ, હોસ્પિટલના કર્મચારીઓ, જેમણે પોતાની આંખે લોકોને સારવાર લેતા જોયા હોય અથવા ગંભીર અને મૃત હાલતમાં જોયા હોય એને લીધે તેમની માનસિકતા પર પણ અસર થશે. બીજી લહેર પૂરી થશે, પરંતુ માનસિક બીમારી પણ વધશે, જે માટે તમામ લોકોએ તૈયારી રાખવી જોઈએ અને માનસિક રીતે સ્થિર થવાની જરૂર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post