• Home
  • News
  • આત્મહત્યાનો પ્રયાસ:અમદાવાદના કુબેરનગરમાં બિલ્ડિંગ દુર્ઘટનામાં પુત્રની લાશ મળી હતી ત્યાં જ પિતાએ અગ્નિસ્નાન કરી લીધું
post

પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ હતી ત્યારે દુકાન માલિક દ્વારા કેસ મામલે ધમકી આપતા પગલું ભર્યાની શંકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 10:21:08

કુબેરનગરના પ્રેમ માર્કેટમાં બિલ્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના પિતાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. સોમવારે યુવકના પિતાએ પુત્રનો મૃતદેહ મળ્યો હતો તે જગ્યાએ જ જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી હતી. થોડા દિવસો પહેલાં પ્રેમ માર્કેટમાં બિલ્ડિંગ તૂટી પડવાની ઘટનામાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જેમાંથી એકના પિતા સંતોષભાઈ ચારણે જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના લોકોએ દોડીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે સરદારનગર પોલીસે પ્રેમ માર્કેટના દુકાનદાર ઘનશ્યામ સિંધીની સામે આત્મહત્યા માટે પ્રેરવા બદલ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે દુકાનદાર સામે ગુનો દાખલ કર્યો
પ્રેમ માર્કેટની એક બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના બની ત્યારે મોડી રાત સુધી કામ કરી રહેલા યુવકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાંથી ત્રણનાં મોત નીપજ્યાં હતાં. આ ત્રણ પૈકી એકના પિતા સંતોષ ચારણે સોમવારે બિલ્ડિંગ દુર્ઘટનાના સ્થળે જઈ શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. બી. પટેલે જણાવ્યું હતું કે, હાલ દુકાનદાર ઘનશ્યામ સિંધી સામે આઈપીસી કલમ 304 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, દુર્ઘટનાની તપાસમાં બહાર આવ્યું હતું કે, દુકાનમાલિક ઘનશ્યામ સિંધીએ પિલર હટાવી લેતા બાંધકામ નબળું થઈ ગયું હતું.

કેસમાંથી હટી જવા ધમકી આપતા પગલું ભર્યું હોવાની આશંકા
પરિવારજનોનો આક્ષેપ છે કે, દુકાનના માલિક ઘનશ્યામભાઇ મેઘરજભાઈ, મયુર ટેલર સહિતના લોકોએ સંતોષભાઈને આ કેસમાંથી હટી જવા ધમકી આપી હતી. જેથી તેઓએ આ પગલું ભર્યું છે. હાલમાં તેઓની સારવાર ચાલે છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.બી પટેલે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ પડવાની ઘટનામાં આજે મૃતક પ્રેમ ઉર્ફે સોનુના પરિવારની ફરિયાદ લેવાની ચાલુ હતી. ત્યારે સામાવાળાએ કોઈ ધાકધમકી આપતા મનમાં લાગી આવતા તેઓએ આ પગલું ભર્યું છે. ઓગસ્ટ માસમાં બિલ્ડીંગ પડવા મામલે કનૈયાલાલ અને નારણભાઇ નામની વ્યક્તિ સામે બેદરકારી બદલનો ગુનો નોંધ્યો છે. જ્યારે ધાકધમકી આપવા બદલ વધુ એક ગુનો ઘનશ્યામભાઈ સામે નોંધવામાં આવ્યો છે.

ગત ઓગસ્ટ માસમાં બની હતી દુર્ઘટના
ગત ઓગસ્ટ માસમાં કુબેરનગર ફાટક રોડ પર પ્રેમ માર્કેટ નામની બિલ્ડિંગ એકાએક ધસી પડી હતી. આ ઘટનામાં પ્રેમ ઉર્ફે સોનુ નામના વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાટમાળમાંથી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકના પરિવારજનોએ કર્યા આક્ષેપ
આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ દુકાન માલિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે દુકાન માલિકે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, તેના માટે ત્રણ દુકાન તોડવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાથી આ દુર્ઘટના બની છે. દુકાન માલિકને જમીનની ભૂખના કારણે અમારા પુત્રનું મૃત્યું થયું છે. દુકાન પાછળ પણ ગેરકાયદેસર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ દુકાનદારનું નામ ઘનશ્યામ મેઘરજભાઈ સિંધી છે. ઘનશ્યામ સિંધીએ ટીવીનો શો-રૂમ કરવા માટે 3 દીવાલો તોડી નાંખી હતી. જેથી આ ઘટના બની છે. પોલીસ કેસની તપાસ ચાલતી હતી ત્યારે ઘનશ્યામભાઈ, મયુર ટેલર સહિત કેટલાક લોકો પોલીસ કેસ ન થાય તે માટે ધમકી આપતાં હતા જો કે આ ધમકીથી કંટાળી સંતોષભાઈએ પગલું ભર્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post