• Home
  • News
  • કોંગ્રેસની ગેહલોત સરકાર લઘુમતીમાં, આરંભની સમાન તસવીર, સમાન અંદાજ... શું અંજામ પણ સમાન?
post

રાજસ્થાનમાં પણ તોડોના પોઝિટિવ, દિવસભર જયપુર અને દિલ્હીમાં બેઠકો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 08:52:21

જયપુર: રાજસ્થાનની ગેહલોત સરકારમાં ઘૂસેલા તોડોના વાઇરસવચ્ચે મોઢે માસ્ક પહેરીને બેઠેલા નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટે છેવટે ત્રીજા દિવસે રવિવારે મોડી રાત્રે મૌન તોડીને સૌને ચોંકાવી દીધા. તેમણે કહ્યું- મને 30 ધારાસભ્યનું સમર્થન છે. ગેહલોત સરકાર હવે લઘુમતીમાં આવી ગઇ છે. તેમના આ ખુલાસા બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળોને વેગ મળ્યો. જોકે, તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે મોડી રાત સુધી કોઇ પુષ્ટિ કરવા તૈયાર નહોતું. પાઇલટ સહિત 15-20 ધારાસભ્ય બીજા દિવસે પણ દિલ્હીમાં જ રહ્યા. પાઇલટની જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત થઇ હોવાના પણ સમાચાર આવ્યા. જોકે, કોઇએ તેની પુષ્ટિ કરી નથી. આ અગાઉ જયપુર અને દિલ્હીમાં રાજકીય મનામણા, સમજાવટનો દોર ચાલ્યો. 

સમાન તસવીર, સમાન અંદાજ... શું અંજામ પણ સમાન?
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર બન્યા બાદ રાહુલ સાથે કમલનાથ અને સિંધિયાએ એક યાદગાર તસવીર લીધી હતી. સરકાર બની ત્યારથી ખેંચતાણ ચાલતી હતી. તાજેતરમાં જ સિંધિયા ભાજપમાં જોડાયા હતા. જ્યારે રાજસ્થાનમાં ગેહલોત સરકાર બન્યા બાદ રાહુલ ગાંધી સાથે સીએમ ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાઇલટે પણ આવી જ યાદગાર તસવીર લીધી હતી. અહીં પણ સરકાર બની ત્યારથી ખેંચતાણ જારી છે... તેઓ શું સિંધિયાના માર્ગે જશે

પાઇલટ સાથ છોડે તો સરકાર જશે કે બચશે?
ભાજપને સરકાર રચવા કોંગ્રેસના 26 ધારાસભ્ય જ તોડવા પૂરતા છે પણ તેને 13 અપક્ષ ધારાસભ્યના ટેકાની જરૂર પડશે. પાઇલટ 30 ધારાસભ્ય તેમની તરફે હોવાનું કહે છે, જેથી તેઓ ભાજપમાં જાય તો ગૃહમાં ધારાસભ્યોનું સંખ્યાબળ 170 રહેશે. સરકાર રચવા 86 ધારાસભ્યની જરૂર પડે. કોંગ્રેસ પાસે હાલ 107 ધારાસભ્ય છે, જેમાંથી 30 જાય તો તેના 77 ધારાસભ્ય જ બચે જ્યારે ભાજપ પાસે આરએલપીના 3 મળીને કુલ 75 ધારાસભ્ય છે. જો તે 13 અપક્ષ ધારાસભ્યમાંથી 2 કે તેથી વધુ ધારાસભ્યોને સામેલ કરી લે તો સરકાર રચવા દાવો કરવાની સ્થિતિમાં પહોંચશે.

દિવસભરનો ઘટનાક્રમ
રાજસ્થાન: અશોક ગેહલોતને મળવા પહોંચતા રહ્યાં મંત્રી-ધારાસભ્યો
જયપુરમાં દિવસભર રાજકારણ ગરમાતું દેખાયું. મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા માટે તેમના નિવાસે મંત્રી અને ધારાસભ્યો પહોંચ્યા હતા. આશરે 30 મંત્રી-ધારાસભ્યોએ તેમની મુલાકાત લીધી હતી. 

દિલ્હી: પાઈલટ તથા 15-20 MLA અડગ રહ્યાં, સિંધિયાને મળવાની ચર્ચા
રાજકીય ક્વૉરન્ટાઈનમાં ચાલી રહેલા ડેપ્યુટી સીએમ સહિત 15થી 20 ધારાસભ્યો બીજા દિવસે પણ દિલ્હીમાં જ અડગ રહ્યાં હતાં. આ દરમિયાન અહેવાલ મળ્યાં કે પાઈલટ અને તાજેતરમાં કોંગ્રેસ છોડી ચૂકેલા અને ભાજપમાં જોડાયેલા મધ્યપ્રદેશના કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે મુલાકાત થઇ હતી. જોકે કોઈએ આ અંગે પુષ્ટી કરી નથી. 

રાત્રે: ગેહલોતના નિવાસસ્થાને બેઠક
રાત્રે આશરે 9 વાગ્યે સીએમે મંત્રી-ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં 75 MLA હાજર રહ્યા હોવાની વાત છે. સોમવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળશે જેમાં વ્હિપ અને આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post