• Home
  • News
  • મંદીમાંથી બહાર આવવા ગુજરાતના કેમિકલ્સ અને ડાઇઝ ઉદ્યોગની કેન્દ્ર પાસે રૂ. 1 લાખ કરોડના રાહત પેકેજની માગ
post

GDMAએ પ્રધાનમંત્રીને પત્ર લખી સર્વાઈવલ માટે સોફ્ટ લોન આપવા રજૂઆત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 10:22:25

અમદાવાદ: કોરોના વાયરસ અને તેના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને લોકડાઉનના લીધે ગુજરાતનો ડાઈઝ અને કેમિકલ્સ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં સપડાયો છે. સૌપ્રથમ ચીનમાં જે હાલાત પેદા થયા હતા તેના કારણે ત્યાંથી ઇન્ટરમીડિએટના રો-મટીરીયલની સપ્લાય ખોરવાઈ ગઈ અને ત્યાર બાદ ભારતમાં પણ લોકડાઉન થવાના કારણે પ્રોડક્શન અટકી ગયું છે. આ બધાના કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં આવતા જરાત ડાયસ્ટફ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને (GDMA) કેન્દ્ર સરકાર પાસે રૂ. 1 લાખ કરોડના પેકેજની માંગ કરી છે. GDMA પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે સ્થાનિક વેચાણ તેમજ નિકાસ વેપારને મોટી અસર થઇ છે. નિકાસ ઓર્ડર્સ પણ કેન્સલ થઇ રહ્યા છે તેથી ઉદ્યોગોએ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

સરકારે એક વર્ષ માટે ઓછા દરની સોફ્ટ લોન આપવી જોઈએ
યોગેશ પરીખે જણાવ્યું કે, ગુજરાતમાં કેમિકલ્સ અને ડાઇઝના મોટાભાગના એકમો SME છે, આવી સ્થતિમાં તેમને બિઝનેસ ટકાવી રાખવો મુશ્કેલ છે. અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી રજૂઆત કરી છે કે, અમારા ઉદ્યોગને એક વર્ષ માટે ખૂબ જ ઓછા દરની સોફ્ટ લોન આપવી જોઇએ. અમદાવાદના વટવા, નરોડા, ઓઢવ અને નારોલ જેવા મુખ્ય એસ્ટેટમાં અંદાજે 700 જેટલા યુનિટ્સ આવેલા છે જેનું અંદાજે રૂ. 40,000 કરોડનું ટર્નઓવર છે અને રૂ. 25,000 કરોડની નિકાસ કરે છે.

પોર્ટ અને ફેકટરીઓમાં કરોડોનો માલ પડ્યો છે
લોકડાઉનના પગલે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિકની પ્રવૃત્તિ અટકી પડી છે તેના કારણે નિકાસ માટે પોર્ટ પર જે તૈયાર કરેલો માલ મોકલવામાં આવ્યો હતો તે અત્યારે ત્યાજ પડ્યો છે, તેવી જ રીતે ફેકટરીઓમાં પણ માલ પડ્યો છે. આની વેલ્યુ કરોડોમાં છે તેમાં GDMAએ જણાવ્યું હતું. આ ઉપરાંત ઉદ્યોગે દહેશત વ્યક્ત કરી હતી કે, જો પરિસ્થિતિમાં સુધારો નહિ થાય તો ઓર્ડર કેન્સલ થવા લાગશે. અમુક નિકાસ ઓર્ડર રદ્દ પણ થયા છે.

ગુજરાતમાં આ ઉદ્યોગ સાથે 3 લાખથી વધુને રોજગારી આપે છે
ભારતમાં કેમિકલ્સ અને ડાઈઝના લગભગ 1500-1600 જેટલા યુનિટ્સ આવેલા છે જેમાંથી ગુજરાતમાં 1100 એકમો છે. આમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 700 એકમો આવેલા છે. GDMAના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ ઉદ્યોગ આશરે 3 લાખથી વધુ લોકોને સીધી અને 2 લાખ લોકોને પરોક્ષ રોજગારી આપે છે.

પ્રોડક્શન શરુ કરવા રાજ્ય સરકાર સાથે વાતચીત ચાલુ
કેન્દ્ર સરકારે આજે બુધવારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે જે અંતર્ગત તબક્કાવાર અમુક પ્રકારના વ્યવસાયો શરુ કરવા દેવામાં આવશે. આ બાબતે યોગેશ પરીખે જણાવ્યું હતું કે, અમે પણ રાજ્ય સરકાર અને લોકલા ઓથોરીટીના સંપર્કમાં છીએ. અમે અમારું પ્રોડક્શન બને એટલું જલદી ચાલુ કરી શકીએ તે માટે સરકાર સાથે વાત કરી રહ્યા છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post