• Home
  • News
  • કડવી વાસ્તવિકતા:કચ્છના નાના રણના અગરિયાઓનાં સંવેદનહીન થયેલાં શરીરને મૃત્યુ પછી અગ્નિદાહ બાદ દાટવા પડે છે!
post

મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા 98 % મજૂરો ચામડીના રોગથી પીડાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 09:36:48

દેશના કુલ ઉત્પાદનનું 70% મીઠું પકવતા ગુજરાતના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા 98% મજૂરો અને અગરિયાઓ ચામડીના રોગથી પીડાય છે, આથી અગરિયાઓના પગ એવા લાકડા જેવા સંવેદનહીન થઇ જાય છે કે ભારતના એકમાત્ર સમુદાય એવા અગરિયાના મોત બાદ તેમના પગ સળગતા ન હોવાથી દાટવા પડે છે, આથી અગરિયાના જીવનમાં એક ડોકિયું કરી તેમની આંખનાં આંસુ લૂંછવાનો પ્રયાસ થવો જરૂરી છે.

ભારત દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70% મીઠું ગુજરાતમાં પાકે છે. એમાંથી 35% મીઠું તો ઝાલાવાડના હળવદ, કુડા, ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં પાકે છે. રણકાંઠાના હજારો અગરિયા પરિવારો રણમાં ઝૂંપડું બાંધી રાત-દિવસ મીઠું પકવવાનું કામ કરે છે. તેમને રોજના 12થી 15 કલાક સતત પાણીમાં કામ કરવુ પડતું હોવાથી મીઠું પકવતા 98% અગરિયાઓ ચામડીના રોગથી પીડાય છે. મીઠાના દ્રાવણમાં ઉઘાડા પગે અને હાથમાં રબરનાં મોજાં નહીં પહેરવાને કારણે તેમના પગ તો લગભગ સંવેદનહીન થઇ જાય છે.

અગરિયા કોઇ બીમારીને કારણે મૃત્યુ પામે તો હિન્દુ વિધિ મુજબ તેના મૃતદેહને અગ્નિદાહ દેવા માટે જ્યારે સ્મશાનમાં લઇ જવામાં આવે છે ત્યારે તેમના પગ સિવાયનો ભાગ બળી જાય છે. જ્યારે પગ તો એવા લાકડા જેવા થઇ જાય છે કે છેવટે એ પગ ન બળતાં એને જમીનમાં દાટી દેવામાં આવે છે. સમગ્ર દેશમાં અગરિયો એકમાત્ર એવો સમુદાય છે કે જેને મોત બાદ બાળવો અને દાટવો એમ બંને વિધિ કરવી પડે છે, આથી તંત્ર દ્વારા અગરિયાના જીવનમાં એક ડોકિયું કરી તેમની આંખનાં આંસુ લૂંછવાનો પ્રયાસ થવો જરૂરી છે એ પણ નરી વાસ્તવિકતા છે.

અગરિયા કામદારને બળતાં 4 કલાક લાગે
સામાન્ય માણસના શરીરને બળતાં સામાન્ય રીતે દોઢથી બે કલાકનો સમય લાગે છે, પરંતુ કાયમ મીઠાની ખારાશમાં ક‍ામ કરતા અગરિયા કે મીઠા કામદારને બળતાં પૂરા ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે.

15થી 17 મણ લાકડાંનો દાહ આપવો પડે છે
સામાન્ય માણસના શરીરને બાળવા 10થી 12 મણ લાકડાંની જરૂર પડે છે, જ્યારે મૃતક અગરિયાને 15થી 17 મણ લ‍ાકડાંનો દાહ આપવો પડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post