• Home
  • News
  • ચારધામની યાત્રા અંતિમયાત્રા બની, ભાવનગરમાં માતમ:'બસ ખાઈમાં પડતાં જ મીનાબેન 150 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા, હમણાં દીકરાની સગાઈ કરાવી, વહુને પોંખી ન શક્યાં'
post

મહુવાના દંપતીનું અકસ્માતમાં મોત, પરિવાર શોકમગ્ન ​​​​​

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 17:18:02

'અમારી સોસાયટીમાં મીના બેનની ખુબ સારી છાપ હતી, બધાની ખુબ મદદ કરતા હતા, તેમના બે દીકરામાંથી એક દીકરાના તો હમણા ડીસેમ્બર મહિનામાં લગ્ન છે, હજુ એક મહિના પહેલા જ આ છોકરાની સગાઈ થઈ હતી, પણ મીનાબેન તેમના વહુનું મોઢું પણ ના જોઈ શક્યા...આ શબ્દો ઉતરાખંડની યાત્રામાં મોતને ભેટનાર ભાવનગરના મીના બહેનના પાડોશીના છે જેઓએ 15મી ઓગસ્ટથી શરૂ થયેલી યાત્રાથી લઈ અકસ્માત સુધીનો ઘટનાક્રમ જણાવ્યો.

આ અકસ્માતમાં ભાવનગરના 7 લોકોના મોત થયા છે, જેની જાણ થતા જ દિવ્યભાસ્કર ડિજિટલ​ની ટીમ મૃતકોના પરિવારોને મળી ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે આજે સવારે ટીમ ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં આવેલા અભિનવ પાર્કમાં રહેતા કમલેશભાઈ ઉપાધ્યાય અને તેમના પત્ની મીનાબેન ઉપાધ્યાયના ઘરે પહોંચી હતી. જેઓ પણ આ યાત્રા માટે ગયા હતા. જેમાં પત્નીનું મોત થયુ છે જ્યારે પતિ ઈજાગ્રસ્ત છે, ફોન આવતા જ મીના બેનના બન્ને દીકરાઓ ઉતરાખંડ જવા રવાના થઈ ગયા હતા. ત્યારે તેઓના આસપાસમા રહેતા પાડોશીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓએ ભીની આંખે સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું.

અમને તેઓના સંતાનોની બહુ ચિંતા થાય છે કે હવે તેઓનું શું થશેઃ પાડોશી
પાડોશમાં રહેતા ફાલ્ગુની બેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 15 તારીખે ચારધામ જવા નીકળ્યા હતા. ત્યારે ગઈકાલે ફોન આવ્યો કે આ બસ છે તે 150 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ છે, જોકે વચ્ચે ઝાડ આવી ગયુ હતુ જેથી બસ ત્યા ફસાઈ ગઈ હતી. આ અકસ્માતમાં આ મીનાબહેન બારી પાસે બેઠા હતા જેથી તેઓ પહેલા જ ઉછળીને પડી ગયા હતા. અમને રાત્રે ખબર પડી કે બીજા બધાના તો સમાચાર આવી ગયા હતા અને આ બહેન વિશે હજુ કઈ માહિતી આવી ન હતી. જે બાદ અમને જાણ થઈ કે આ બહેનનું મોત થયું છે. અમારી સોસાયટીમાં તેઓની ખુબ સારી છાપ હતી. અમને તેઓના સંતાનોની બહુ ચિંતા થાય છે કે હવે તેઓનું શું થશે? દંપતિ તેમજ 2 છોકરા મળીને પરિવારમાં 4 સભ્યો છે. જેમાં એક દીકરાના તો હમણા ડીસેમ્બર મહિનામાં લગ્ન છે, હજુ એક મહિના પહેલા જ આ છોકરાની સગાઈ થઈ હતી, મીનાબહેન તેમના વહુનું મોઢું પણ ના જોઈ શક્યા આ બહું જ દુઃખદ ઘટના બની છે.

મીના બેન સહિત 7 લોકોના મોત થયા છેઃ હિનાબેન
અન્ય પાડોશી હિનાબેને પણ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મીના બહેન દુકાને પણ જતા અને ઘર પણ તેઓ સંભાળતા હતા. તેમજ તેઓ સોસાયટીનું પણ ધ્યાન રાખતા હતા. તેઓ ચારધામની યાત્રાએ ગયા હતા. ગગોત્રી અને યમોત્રીથી ફરી પાછા આવતા હતા ત્યારે અકસ્માત થતા 7 લોકોના મોત થયા છે. જેમાં મીના બેનનું પણ મોત થયુ છે.

પરિવારજનો તેમજ તેમની સોસાયટીમાં દુઃખનો માહોલ
ઉતરાખંડમાં ગંગોત્રી નજીક બનેલી ગોઝારી ઘટનામાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત થયા છે, ત્યારે આ ઘટનામાં ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં આવેલા અભિનવ પાર્કમાં રહેતા કમલેશભાઈ ઉપાધ્યાય અને તેમના પત્ની મીનાબેન ઉપાધ્યાય પણ યાત્રા માટે ગયા હતા, જ્યા યાત્રા દરમિયાન મીનાબેન ઉપાધ્યાયનું દુઃખદ અવસાન થયું છે. તેમના મૃત્યુના સમાચારને લઈને પરિવારજનો તેમજ તેમની સોસાયટીમાં દુઃખનો માહોલ છવાયો છે.

મહુવાના દંપતીનું અકસ્માતમાં મોત, પરિવાર શોકમગ્ન ​​​​​
આ યાત્રામાં મહુવાના પણ 4 યાત્રિકો હતા. જેમાં 2 લોકોની તબિયત સ્થિર છે જ્યારે એક દંપતીનું મોત થયું છે. ગણપતભાઈ મહેતા (ઉ.વ.61) અને દક્ષાબેન મહેતા (ઉ.વ 57)નું મોત નિપજ્યુ છે. જ્યારે મહુવાના અન્ય બે યાત્રીઓને સામાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે ત્યાંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મહુવા શહેરમાં વર્ષો જૂના પ્રખ્યાત બોમ્બે ગેસ્ટ હાઉસના માલીક પ્રતાપ મહેતાના દીકરો અને દીકરાની વહુનું દુઃખદ ઘટનામાં મોત નિપજતા મહેતા પરિવાર શોકમગ્ન થયો છે. અનેક રાજકીય આગેવાનો તેમજ સંસ્થાના આગેવાનો પણ પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.

કઈ રીતે સર્જાયો અકસ્માત?
ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોએ ત્યાંથી સ્થાનિક બસમાં યાત્રા શરૂ કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બસમાં ગુજરાતના લોકો સવાર હતા. આ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલાની યાદી

1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા

2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર, ભાવનગર

3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા

4. દક્ષા મહેતા રહે.મહુવા

5.ગણપત મહેતા રહે.મહુવા

6.કરણ ભાદરી. રહે.પાલિતાણા

7.રાજેશ મેર રહે. અલંગ

 

adv

Related News

post
post
post
post
post
post
post