• Home
  • News
  • વિલંબ:અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ નક્કી કરેલા સમય કરતાં 4 વર્ષ મોડો, હજુ સપ્ટેમ્બર 2022માં પૂર્ણ થશે
post

10,773 કરોડના પ્રોજેક્ટની કિંમત વધીને 12,787 કરોડ થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 10:42:35

શહેરનો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ 2014માં શરૂ થયો હતો અને તે નિર્ધારિત સમયમાં એટલે કે ડિસેમ્બર 2018 સુધીમાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરોની નાદારી તેમજ અન્ય કોર્ટ કેસના પગલે પ્રોજેક્ટ પૂર્ણ થવાના સમયમાં 4 વર્ષ જેટલો વિલંબ થયો છે અને હવે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ધારિત સમય સપ્ટેમ્બર 2022 નક્કી કરવામાં આવ્યો છે. વધુમાં ટ્રેકની લંબાઈ પણ રિવાઈઝ કરાતા 4 કિલોમીટર વધવાની સાથે કેટલીક જગ્યાએ એલિવેટેડ કોરિડોરની ઊંચાઈ પણ વધી ગઈ છે. તેની સાથે જ ચાર વર્ષમાં મોંઘવારીનો દર પણ સતત વધતા પ્રોજેક્ટની કિંમતમાં પણ 2014 કરોડનો વધારો થયો છે અને હવે આ પ્રોજેક્ટની નિર્ધારિત કિમત 10,773 કરોડ રૂપિયાથી વધીને 12,787 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

મેટ્રો પ્રોજેક્ટ અંગે માહિતી આપતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, જાપાનના સહયોગથી શહેરનો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ 2014માં શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જ મોડો પડ્યો હતો. શરૂઆતમાં પ્રોજેક્ટને જાયકા દ્વારા લોન આપવાની હતી પરંતુ જે તે સમયે ટેકનિકલ કારણોસર જાયકાએ માર્ચ 2016માં લોન મંજૂર કરી અને ત્યારબાદ જ ટેન્ડર સહિતની પ્રક્રિયા શરૂ કરવાની સાથે એલિવેટેડ કોરીડોરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેની સાથે જ માર્ચ 2016માં રોલિંગ સ્ટોક (કોચ) માટે પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ હતી. જોકે આ પ્રક્રિયામાં ચાઈનીઝ કંપની પણ સામેલ થઈ હતી. ટેક્નિકલ કારણોથી ચાઈનિઝ કંપનીને રિજેક્ટ કરી દેવાતા તે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમકોર્ટ સુધી ગઈ હતી. જેના પગલે કોચના ટેન્ડરની પ્રક્રિયામાં પણ 1 વર્ષનો સમય લાગતા છેવટે નવેમ્બર 2017માં ટેન્ડર ફાઈનલ થયો હતો.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મેટ્રોના ફેઝ-1માં 21.16 કિલોમીટરની લંબાઈ તેમજ 17 સ્ટેશન ધરાવતો ઇસ્ટ વેસ્ટ કોરીડોર તેમજ 18.87 કિલોમીટર લંબાઈ અને 15 સ્ટેશન ધરાવતા નોર્થ સાઉથ કોરિડોર સાથે 40 કિલોમીટર લાંબા રૂટ સાથે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ હતી. તેમાં પણ નોર્થ - સાઉથ કોરીડોર જે પહેલા આશ્રમ રોડ પરથી પસાર થવાનો હતો તેને રેલવે ટ્રેકની બાજુમાંથી લઈ જવાતા આ કોરીડોરની લંબાઈ 4 કિલોમીટર વધી ગઈ હતી. જેના કારણે પ્રોજેક્ટના ખર્ચમાં તે વખતે જ લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ વધી ગયો હતો. એજરીતે રેલવેની જગ્યામાં કોરીડોર બનતા મેટ્રો કંપની દ્વારા રેલવેને 500 કરોડ રૂપિયા જમીનના ચુકવવા પડ્યા હતા. જ્યારે મોંઘવારી સહિત અન્ય ખર્ચ વધતા પ્રોજેક્ટની કિંમતમાં 2014 કરોડ રૂપિયા જેટલો વધારો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post