• Home
  • News
  • મા ઘરમાં કામ કરતી હતી અને બાળક ગેલરીમાં સેફ્ટી ગ્રિલ પર ચડી નીચે પડ્યું; માતા પહોંચે એ પહેલાં જ બાળકનું પ્રાણપંખેરુ ઊડી ગયું
post

મૃત બાળકને હાથમાં લઈ માતા આક્રંદ સાથે ફરતી નજરે પડી

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-15 17:54:55

સુરત જિલ્લામાં એક રૂંવાડાં ઊભાં કરી દે એવી ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના નવાપુરા ગામે એક એપાર્ટમેન્ટના ચોથા માળે ઘરની ગેલરીમાં એક દોઢ વર્ષનું બાળક રમી રમી રહ્યું હતું. એ દરમિયાન તે ચોથા માળેથી નીચે પડી જતાં તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બાળક પડી ગયું હોવાની જાણ ઘરમાં કામ કરી રહેલી બાળકની માતાને થતાં તેણે દોટ મૂકી હતી, પણ તે પાસે માતા પહોંચે એ પહેલાં જ ગંભીર ઈજાઓના કારણે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. માતાનું રુદન જોઈને સૌકોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

દોઢ વર્ષનો સમર ઘરની ગેલરીમાં રમી રહ્યો હતો
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે. મૂળ બિહારના અને છેલ્લાં બે વર્ષથી નવાપરા ગામે રહેતા અને PARLE G બિસ્કિટની કંપનીમાં કામ કરતા મુકેશભાઈ ચૌધરીને સંતાનમાં ત્રણ બાળક છે. ગત સાંજના સમયે મુકેશભાઈની પત્ની ઘરમાં કામ કરી રહ્યાં હતાં અને તેમનો દોઢ વર્ષનો પુત્ર સમર ઘરની ગેલરીમાં રમી રહ્યો હતો. એ દરમિયાન રમતાં રમતાં સમર લોખંડની સેફ્ટી ગ્રિલ પર ચડી ગયો હતો અને ચોથા માળેથી નીચે પડી ગયો હતો. કંઈ નીચે પડ્યું હોવાનો આભાસ બાળકની માતાને થતાં તેણે ગેલરી તરફ દોટ મૂકી. ત્યાં જઈને જતાં તેને બાળક દેખાયો ન હતો, જેથી તેણે નીચે નજર કરતાં બાળક નીચે પડ્યું હોવાનું નજરે ચડતાં જ તે નીચે તરફ ભાગી હતી

બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ
માતાએ દોટ મૂકી નીચે પહોંચીને જોયું તો બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી માતા બાળક પાસે પહોંચે એ પહેલાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. માતાએ મૃતક બાળકને હાથમાં લઈને સતત ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળક ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યું હતું. માતાનું રુદન જોઈને આજુબાજુમાં રહેતા લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. બાદમાં પરિવારે ભારે હૈયા સાથે બાળકની અંતિમવિધિ કરી હતી.

માતા 'મારો સમર, મારો સમર' કરતી આક્રંદ કરતી હતી
બાળકના પિતા મુકેશભાઈ ચૌધરીએ ઘટના વિશે જણાવતાં કહ્યું હતું કે મારું 1.5 વર્ષનું બાળક કાલે પાંચ વાગ્યે ગેલરીમાંથી નીચે પડી ગયું. હું PARLE-G બિસ્કિટની કંપનીમાં કામ કરું છું અને ત્રણ બાળક છે. મારો પુત્ર સમર ઊંધા મોઢે પડ્યો હોવાથી તેને દાતના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. મુકેશભાઈ પોતાની પત્નીનો પણ આક્રંદ શાંત કરાવવાનો પ્રયાસ કરતા હતા. જ્યાં તેની માતા તેના બાળકને ગુમાવ્યા બાદ ભાન ભૂલી ગઈ હોય એમ બસ રડતાં રડતાં મારો સમર, મારો સમર કરતી આક્રંદ કરતી હતી.

મૃત બાળકને હાથમાં લઈ માતા આક્રંદ સાથે ફરતી નજરે પડી
ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ મથકના ASI નલિન ચૌધરી સ્થળ પર દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલ પરિવારોનાં નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. બાળક રમી રહ્યું હતું એ દરમિયાન ચોથા માળેથી નીચે પડી ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. લાચાર બની પોતાના બાળકને હાથમાં લઈને દોટ મૂકતી માતાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જ્યાં બાળકની માતા બાળક પાસે નીચે પહોંચ્યા બાદ તેના મૃત બાળકને હાથમાં લઈ આક્રંદ સાથે આમતેમ ફરતી નજરે પડી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post