• Home
  • News
  • સંબંધોનું અસ્થિ વિસર્જન:તસવીર ડરાવે છે... પણ કહાની રડાવી દેશે, ગુજરાતમાં આવાં 900 સ્વજન છે જે કોરોનાના ડરથી અસ્થિ લેવા જ ન આવ્યાં, કેટલીક જગ્યાએ અસ્થિને ડમ્પિંગ સાઇટમાં ફેંકી દેવાયા
post

નવસારીમાં 222, અંકલેશ્વરમાં 210, જામનગરમાં 160 મૃતકોના અસ્થિ લેવા આવ્યા નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 09:03:19

કોરોના મહામારીનો ભય લોકોમાં એટલી હદે ફેલાયેલો છે કે કોરોનાથી મૃત્યુ પામેલા માતા-પિતાના અસ્થિ લેવા માટે પણ સગા સંતાનો તૈયાર નથી. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટીગેશનમાં એવી ચોંકાવનારી બાબત સામે આવી છે કે રાજ્યના વિવિધ શહેરોના સ્મશાનોમાં 900થી વધુ કોરોના મૃતકોના અસ્થિ સ્વિકારવાનો સ્વજનોએ ઈનકાર કર્યો હતો, જેના કારણે ઘણા કેસમાં સ્મશાનના કર્મચારીઓ કે સ્વંયસેવીઓએ અસ્થિ વિસર્જીત કર્યા હતા તો કેટલાક કેસમાં અસ્થિને ડમ્પિંગ સાઇટમાં કચરાની સાથે ઠાલવી દેવાયા હતા.

સ્વજનો દ્વારા અસ્થિનો અસ્વીકારની ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ છે. નવસારીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા 252 લોકોમાંથી માત્ર 30ના સ્વજનો અસ્થિ લઈ ગયા હતા જ્યારે 222 મૃતકોના અસ્થિનું સ્મશાનના સ્ટાફે વિસર્જન કર્યું હતું. વિવિધ અનુભવી ડૉક્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ કોરોના વાઇરસના અંશો રહેતા નથી. તેમ છતાં પણ લોકો સ્વજનોના અસ્થિ લેવાનું ટાળે છે. ભરૂચ જિલ્લામાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. અહીં નર્મદા નદીના ગોલ્ડન બ્રિજ, અંકલેશ્વર કિનારે રાજ્યનું સૌ પ્રથમ અલાયદુ કોવિડ સમશાનગૃહ બનાવવામાં આવ્યું છે. જ્યાં અત્યાર સુધી 292 મૃતકોને અગ્નિદાહ અપાયો હતો. જેમાં માત્ર 92 મૃતકોને તેમના સ્વજનોએ અગ્નિદાહ આપ્યો હતો. બાકીના 200 મૃતકોના સ્વજનોએ તો અગ્નિદાહ પણ આપ્યો નથી. જ્યારે 210 મૃતકોના સ્વજનો અસ્થિ લેવા સુદ્ધાં આવ્યા નથી.

સ્મશાનગૃહના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, 65 % થી વધુ લોકો તો અગ્નિદાહ આપવા પણ આવ્યા નથી. તો 70 %થી વધુ મૃતકોના પરિવારજનો અસ્થિ લેવા પણ આવ્યા નથી. આવા સંજોગોમાં અમારી ટીમના તમામ સ્વયંસ્વકો અસ્થિ એકત્ર કરી તેને નર્મદા નદીમાં વિસર્જિત કરી મૃતકોની આત્મા માટે પ્રાર્થના કરે છે. વાપીમાં મુકિતધામ સ્મશાનમાં છેલ્લા 3 માસમાં 110 કોરોનાગ્રસ્ત લોકોનો અંતિમ સંસ્કાર કરાયા હતા પણ એકપણ સ્વજન અસ્થિ લેવા આવ્યા નહોતા.

સુરત શહેરમાં છ મહિનામાં અશ્વનીકુમાર સ્મશાન ગૃહમાં 7918 લોકોના મોત થતા અંતિમ સંસ્કાર કરાયા હતા. તેવી જ રીતે રામનાથ ઘેલા સ્મશાન ગૃહમાં 3699 લોકોના મોત થતા અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે જામનગરમાં તો જે મૃતકોના અસ્થિ લેવા માટે સ્વજનો આવતા નથી એવા અસ્થિને વધેલી રાખ સાથે ડમ્પિંગ સાઇટમાં પધરાવી દેવામાં આવે છે. જ્યારે જામનગરમાં સ્મશાન સમિતિના માનદ મંત્રી દર્શન ઠક્કરે કહ્યું હતું કે, ‘જામનગરના સ્મશાનમાં 387 કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે, એમાંથી અડધોઅડધ કિસ્સામાં સગાઓએ અસ્થિ લઇ જવાનું ટાળ્યું છે.

અગ્નિદાહ આપ્યા બાદ કોરોના વાઇરસના અંશો રહેતા નથી: ડૉક્ટર્સ
વિવિધ અનુભવી ડૉક્ટરો કહી ચૂક્યા છે કે મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ કોરોના વાઇરસના અંશો રહેતા નથી. જામનગર કોવિડ હોસ્પિટલના ડૉ. ભુપેન્દ્ર ગોસ્વામીએ આવા ભયનો છેદ ઉડાવી દેતા જણાવ્યું હતું કે, ‘અસ્થિ અને રાખમાં કોરોનાના જંતુઓ રહેતા નથી એટલે ભય રાખવાનું કોઈ કારણ નથી.જો કે તેમ છતાં પણ કોરોનાથી ભયભીત લોકો અસ્થિ લેવાનું ટાળે છે.

સંઘના સભ્યો તો ઘણી જગ્યાએ મુસ્લિમો અસ્થિ વિસર્જન કરે છે
નવસારી, ભરૂચ, અંકલેશ્વર, જામનગર, રાજકોટ સહિતના શહેરોના સ્મશાનોમાં ઘણી સ્વયંસેવી સંસ્થાઓ કે સ્મશાનના સેવાભાવી લોકો મૃતકોના અસ્થિ વિસર્જીત કરવાનું કાર્ય કરે છે. મુસ્લિમ યુવાનો પણ આ કાર્ય માટે સ્વૈચ્છાએ સેવા પૂરી પાડે છે. ભાવનગર સહિત વિવિધ સ્મશાનોમાં આરએસએસના સ્વયંસેવકો અંતિમ ક્રિયા તથા અસ્થિ વિસર્જનનું કાર્ય કરે છે.

અમદાવાદમાં અગાઉ કરતાં આ પ્રમાણમાં ઘટાડો નોંધાયો
અમદાવાદમાં અત્યાર સુધી 1812 જેટલા લોકોના મૃત્યુ થયા છે, ત્યારે 450 જેટલા કોરોના મૃતકોની અત્યેષ્ઠી તેમને લઇને આવનાર કર્મચારીઓ અથવા તો સ્મશાનના કર્મચારી દ્વારા કરી દેવામાં આવી હતી. કોરોનાના કારણે મૃત્યુ પામેલા 25 ટકા લોકોની અંતિમ ક્રિયામાં સ્વજનો આવ્યા નથી. અમદાવાદમાં જો કે અગાઉના દિવસોમાં કેસ વધારે હતા ત્યારે અસ્થિ નહીં સ્વીકારવાનું પ્રમાણ પણ વધારે હતું. હવે મૃતકોની સંખ્યા ઘટતા આ પ્રમાણ ઘટ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post