• Home
  • News
  • રામનાથ મંદિર હવે સોમનાથની પ્રતિકૃતિ જેવું નહીં બને
post

નદીમાં 12 ફૂટ ઊંચેથી પાણી વહે તો પણ શિવલિંગને ન સ્પર્શે તેવી ડિઝાઇન હતી જે ફેરવી નખાઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 10:24:08

રાજકોટ: રાજકોટ શહેરના 400 વર્ષ જૂના પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરનો પુનરુદ્ધાર કરી અદલોઅદલ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ બનાવવા નિર્ણય કરાયો હતો, પરંતુ તેમાં પૂજારી અને સ્થાનિકોના વિરોધ વંટોળના કારણે ડિઝાઇનમાં સતત ફેરફાર થતા હવે રામનાથ મહાદેવ મંદિર સોમનાથ મંદિરની પ્રતિકૃતિ નહીં બને. તેમજ મંદિરની ડિઝાઇનમાં ફેરફારો કરાતા મંદિરમાં આજી નદીના ગંદા પાણીથી શિવલિંગને બચાવવાનો હેતુ પણ માર્યો જશે તેવી ભીતિ છે.

શિવલિંગ ફરતે ચારે દિશામાં 40-40 ફૂટના અંતરે આરસીસીની દોઢ-દોઢની ફૂટની દીવાલ બનાવી હતી
રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શહેરના આસ્થાના પ્રતીકસમા સદીઓ જૂના રામનાથ મહાદેવ મંદિરની કાયાપલટનો 2017માં નિર્ણય કરાયો હતો અને તેની જવાબદારી રાજકોટના આર્કિટેક્ટ અશ્વિનભાઇ સંઘવીએ ઉઠાવી હતી અને મંદિરના જીર્ણોદ્ધારની ડિઝાઇન બનાવવા માટે એક રૂપિયો પણ ફી નહીં લેવાની ખાતરી આપી હતી. આર્કિટેક્ટ અશ્વિનભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, શિવલિંગ ફરતે ચારે દિશામાં 40-40 ફૂટના અંતરે આરસીસીની દોઢ-દોઢની ફૂટની દીવાલ બનાવી હતી અને આ 40 ફૂટની દીવાલથી દસ પગથિયાં આપી શિવલિંગ સુધી પૂજા માટે જઇ શકાય તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ અદ્યતન એલિવેશન પણ અપાયું હતું. તેમાં પણ ખાસ કરીને આજી નદીનું ગંદું પાણી મહાદેવના શિવલિંગને ન અડે તે પ્રકારની આખી ડિઝાઇન તૈયાર કરી હતી અને અત્યારની આજી નદીની રેગ્યુલર સપાટીથી 11 થી 12 ફૂટ ઊંચે નદી બે કાંઠે વહેતી હોય તો પણ નદીનું પાણી અંદર ન જાય તે પ્રકારનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. તેમજ ખાસ કરીને આ પ્રોજેક્ટમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયરને પણ ડિઝાઇન મોકલી તેની મંજૂરી પણ લીધી હતી. છતાં આ પ્રોજેક્ટમાંથી મને દૂર કરી ડિઝાઇનમાં અનેક ફેરફાર કરાયા છે.

ડિઝાઇનમાં વારંવાર ફેરફાર કરવાથી કામ મોડું થયું
રામનાથ મહાદેવ મંદિરની ડિઝાઇનમાં કોન્ટ્રાક્ટરે વાંધાવચકા કાઢતા જૂની ડિઝાઇનમાં ફેરફારો કરાયા છે. અગાઉ વિવાદના કારણે કામ બંધ થયું હતું અને હાલમાં નદીના કારણે કામ બંધ થયું છે. કોરોનાને કારણે લેબર મળતા નથી. સમયમર્યાદા પૂરી થઇ ગઇ છે પરંતુ કામ બાકી છે. - નીતિન ચોબલ, ડેપ્યુટી ઇજનેર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ

આ ફેરફાર કરી નખાયો
રામનાથ મહાદેવ મંદિરમાં ઉપર ગુંબજ બનાવવાના હતા જે હવે નથી બનાવવાના અને બીજો ફેરફાર પ્લીન્થની દીવાલનો કર્યો છે. ધાર્મિક ભાવનાને કારણે તે સ્ટેપ નથી કરવા તેમ કોન્ટ્રાક્ટર કહે છે તેથી પ્લીન્થની દીવાલ નહીં કરાય. -નિલેશ સચદેવ, હાલના આર્કિટેક્ટ

 

adv

Related News

post
post
post
post
post
post
post