• Home
  • News
  • સરકાર બનાવવાની પ્રક્રિયા શરુ, 5 વર્ષ પૂરા કરીશું-શરદ પવાર
post

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા માટે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સમન્વય સમિતિએ ગુરુવારે પહેલી બેઠક કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-15 16:32:39

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા માટે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સમન્વય સમિતિએ ગુરુવારે પહેલી બેઠક કરી હતી. આ બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP)ની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. શુક્રવારે શરદ પવારે કહ્યું છે કે, સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમારી સરકાર 5 વર્ષ પૂરા કરશે. અમે મુલાકાત માટે રાજ્યપાલ પાસે શનિવારે બપોરે 3 વાગ્યાનો સમય માંગ્યો છે.

પવારે કહ્યું- પાર્ટિઓ સ્થિર સરકાર ઈચ્છે છે, તેમનો હેતુ વિકાસ કરવાનો છે. વચગાળાની ચૂંટણીની કોઈ શક્યતા નથી. આ સરકાર બનશે અને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. અમે બધાએ વચન આપીએ છીએ કે સરકાર પાંચ વર્ષ ચાલશે. તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન 6 મહિના કરતા વધારે નહીં ચાલે. આ વિશે પૂછવામાં આવેલા સવાલ વિશે પવારે કહ્યું છે કે, હું દેવેન્દ્રજીને અમુક વર્ષોથી ઓળખું છું પરંતુ મને એ નથી ખબર કે તેઓ જ્યોતીષ પણ છે.

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે શુક્રવારે કહ્યું છે કે, કોમન મિનિમમ પ્રોગ્રામમાં મહારાષ્ટ્રના હિતોને ધ્યાનમાં રાખવામા આવશે. પૂરા 5 વર્ષ શિવસેનાના જ મુખ્યમંત્રી રહેશે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું છે કે, શિવસેના સાથે આવવાથી કોંગ્રેસને થોડી તકલીફ થઈ રહી છે. ડ્રાફ્ટની કોપી સોનિયા ગાંધીને મોકલવામાં આવી છે. જો કોંગ્રેસ સાથે નહીં આવે તો અમે સરકાર નહીં બનાવીયે.

કોંગ્રેસ ધારાસભ્ય વિજય વેડટ્ટીવારને જણાવ્યું કે, ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. તેમાં ખેડૂતનો મુદ્દો મુખ્ય રાખવામાં આવ્યો છે. માત્ર એક-બે મુદ્દા વિશે જ ચર્ચા કરવાની બાકી છે. નવી સરકારમાં મુખ્યમંત્રી પદ શિવસેના પાસે જ રહેશે. એનસીપી પ્રવક્તા નવાબ મલિકે આ વિશે સ્પષ્ટ સંકેતો આપ્યા છે. મલિકે કહ્યું છે કે, મુખ્યમંત્રી પદના મુદ્દા માટે જ શિવસેના-ભાજપનું ગઠબંધન ટૂટ્યુ છે. તેથી તેમના સન્માન અને સ્વાભિમાનને જીવીત રાખવાની જવાબદારી અમારી જવાબદારી છે. મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનસીપી ઉપમુખ્યમંત્રીના પદ માટે રાજી થઈ ગઈ છે.

કોંગ્રેસ અને એનસીપીએ શિવસેના સામે કટ્ટરવાદીની હિન્દુવાદી પાર્ટીની છબીમાંથી બહાર આવવાની શરત મુકી છે. કોંગ્રેસને શિવસેનાને સમર્થન આપવામાં સૌથી મોટી મુશ્કેલી તેમની આ છબીના કારણે જ થઈ છે. જ્યારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 17 નવેમ્બરે દિલ્હીમાં શિવસેના સાથે ગઠબંધન સરકાર બનાવવાના મુદ્દે ચર્ચા કરવાના છે.

શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન સરકાર વિશે તૈયાર સીએમપી ડ્રાફ્ટમાં આ વિશે સહમતી બની છે કે, દરેક પાર્ટીના ચાર ધારાસભ્યએ એક મંત્રી બનાવાશે. આ ફોર્મ્યૂલા લગભગ નક્કી છે. શિવસેનાના 56 ધારાસભ્યો છે. તેમને અન્ય સાત ધારાસભ્યોનું સમર્થન છે. આમ શિવસેનાના કુલ 63 ધારાસભ્યો છે. આ સંજોગોમાં તેમને 15 અથવા 16 મંત્રી મળશે. એનસીપીના 11 અથવા 12 મંત્રી હશે. કોંગ્રેસના 44 ધારાસભ્યો છે, તેથી તેમને 11 મંત્રી મળશે.