• Home
  • News
  • 16 વર્ષે શહીદના પરિવારને મદદ:25 વર્ષની ઉમરે શહીદ થનારા કચ્છના માણશી ગઢવીના પત્નીને 16 વર્ષ પછી જમીન મળી, તે પણ અડધી !
post

જમ્મુ કશ્મીરમાં 2004માં વીરગતિ પામેલા ઝરપરાના શહીદની પત્નીએ છેક પ્રધાનમંત્રી પાસે સરકારી નોકરીની માંગ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 10:39:34

જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ સામે સામી છાંતીએ લડતા વીરગતિ પામનારા કચ્છના ઝરપરાના વીર શહીદ માણશી ગઢવીના પરાક્રમને સરકાર ભુલી ગઇ હતી. પત્નીની 16 વર્ષની રજૂઆતો બાદ આખરે સરકારે પોતાની ફરજનું પાલન કર્યું છે. વિધવા પત્ની સોનલબેનને ભુજ તાલુકાના રતીયા પાસે આઠ એકર ખેતીની જમીન આપવામાં આવી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે કાયદેસર રીતે 16 એકર જમીન મળવી જોઇએ. વળી સોનલબેને છેક પ્રધાનમંત્રી પાસે કરેલી સરકારી નોકરીની માંગણી પર હજુ કોઇ પગલા લેવાયા નથી.

મુન્દ્રા તાલુકાના ઝરપરા ખાતે ગત તા. 14/2/1979માં માતા સુમાબાઇના કુખે માણશી રાજદેભા ગઢવીનો જન્મ થયો હતો. 11 ધોરણ સુધી અભ્યાસ કરી તેઓ નાની વયમાં જ ભારતીય સેનામાં જોડાઇ ગયા હતા. તેઓ 12મી બટાલિયન મહાર રેજિમેન્ટમાં લાન્સ નાયકના પદે જમ્મુ-કાશ્મીરમાં દેશની સેવા કરી રહ્યાં હતા. આ દરમિયાન તા. 22/9/2004ના તેઓએ પોતાના પરાક્રમનો પરચો આપ્યો હતો.

પુંચ સરહદ પર પાંચ આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં હતા, ત્યારે ચારણકુળનો લડાયક મિજાજ બતાવી માણશી ગઢવીએ સામસામે ગોળીબારમાં ચાર આતંકીઓને મોતના મુખમાં ધકેલી દીધા હતા. જ્યારે છૂપાયેલા પાંચમાં આતંકી સાથે થયેલી સામસામેની અથડામણમાં લડતી વખતે કચ્છના આ જાબાંઝ જવાન વિરગતિ પામ્યા હતા. ત્યારે તેઓની ઉંમર માત્ર 25 વર્ષની હતી ! પત્ની સોનલબેન સાથે તેઓના નાની વયમાં જ લગ્ન થઇ ગયા હતાં.

પતિએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપતા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદના પત્ની સોનલબેનનું સન્માન કર્યું હતું. પરંતુ સન્માન સિવાય વિધવા પત્નીને સરકાર તરફથી કોઇ સહાય મળી ન હતી ! તેઓએ વર્ષો સુધી સરકારી નોકરીની માંગ કરતા રહ્યાં હતા. પરંતુ સરકારના બહેરા કાન સુધી આ રજૂઆતો સંભળાતી ન હતી. તેઓએ સોશિયલ મિડીયા મારફતે છેક પ્રધાનમંત્રી સુધી પોતાની વાત પહોંચાડી હતી. આખરે 16 વર્ષ બાદ સોનલબેનને ભુજ પાસે રતીયાના ટ્રાવર્સ 200 પૈકીની 1ની ખેતી માટેની 8 એકર જમીન કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. ખાસ તો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જમીન માટે ખાસ પ્રયત્નો કર્યા હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post