• Home
  • News
  • 120 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો રાજ્યના 8 જિલ્લામાં હળવો વરસાદ, વલસાડના 33 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
post

સુરત એરપોર્ટ પર વિમાનોને બચાવવા 1800 કિલોના વજનિયાં લટકાવવા પડ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 10:56:17

ગાંધીનગર: ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ બુધવારે બપોરે 12.30 વાગ્યે મહારાષ્ટ્રના અલીબાગ કાંઠે ટકરાયું હતું. જો કે રાહત અને બચાવ માટેની અભતૂપૂર્વ તૈયારીઓના લીધે વાવાઝોડાના કારણે જાનમાલનું મોટું નુકસાન નિવારી શકાયું હતું. વાવાઝોડાથી 120 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઘણા વૃક્ષો, હોર્ડિંગ તૂટી પડ્યા હતા. મુંબઈથી 95 કિમી દૂર વાવાઝોડું ટકરાયું હતું. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 8 જિલ્લામાં હળવો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બચાવ માટે 170 મેડિકલ ટીમો તહેનાત રખાઈ હતી તો સુરત એરપોર્ટ પર નાના વિમાનોને બચાવવા 1800 કિગ્રાના વજનીયા લટકાવાયા હતા.

વલસાડમાંથી 33 હજારનું સ્થળાંતર
વાવાઝોડાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં જોવા મળી હતી. અહીં કેટલાક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક ઠપ થઈ ગયા હતા. રત્નાગીરી અને પાલઘર વિસ્તારમાં પણ અસર જોવા મળી હતી. સાંજે 4 વાગ્યા પછી વાવાઝોડાની ગતિ ધીમી પડી હતી. વાવાઝોડાને કારણે બેંગલોરથી આવેલું એક વિમાન મુંબઈ એરપોર્ટ પર લપસી ગયું હતું.  આ તરફ ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાંથી 33,680 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતા. જ્યારે નવસારીમાં 14 હજાર, અમરેલીમાં 2 હજાર, ભરૂચમાં 1200 અને ગિર સોમનાથમાં 268 લોકોને ખસેડવામાં આવ્યા હતા. 

તંત્ર દ્વારા મોટા પાયે સ્થળાંતર, લોકોમાં જાગૃતિથી વાવાઝોડું બેઅસર 
રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 63,798 લોકોને 332 આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા જેમાં 252 સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા 17 લાખ લોકોને સાવચેતીના મેસેજ કરવામાં આવ્યા છે. 

ટ્રાન્સફોર્મર પડતા 1નું મોત ટ્રેનોના રુટ બદલાયા 
વાવાઝોડું ત્રાટક્યું એ દરમ્યાન રાયગઢમાં ટ્રાન્સફોર્મર પડવાથી એક જણનું મોત નીપજ્યું હતું. આ સાથે કાંઠા વિસ્તારમાં અનકે વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. મુંબઈથી રવાના થતી પાંચ સ્પેશિયલ ટ્રેનોનો સમય બદલાયો હતો. તો ત્રણ અન્ય સ્પેશિયલ ટ્રેનોનો રુટ બદલવામાં આવ્યો હતો. 

એક લાખથી વધારે લોકોને સુરક્ષિત ખસેડાયા હતા
વાવાઝોડા દરમ્યાન રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની કુલ 43 ટીમો તહેનાત હતી. મહારાષ્ટ્રમાં 21 અને ગુજરાતમાં 16 ટીમો તહેનાત હતી. એનડીઆરએફે જણાવ્યું હતું કે 1 લાખ લોકોને સુરક્ષિત ખસેડાયા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post