• Home
  • News
  • રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાનને એકાંતમાં રાખવા પાછળ છે એક રસપ્રદ કહાની
post

રથયાત્રા પહેલાના પંદર દિવસ ભગવાન બીમાર હોવાની એક કથા એવી છે કે, જેઠ માસની પૂનમના દિવસે ભગવાનને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને તે દિવસે ખૂબ જ ગરમી હોવાને કારણે ભગવાનને તાવ આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-01 12:00:51

સુરત :અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે તેના ૧૫ દિવસ પહેલા ભગવાનને એકાંતમાં રાખવાની એક કથા પ્રચલિત છે. આ દિવસોમાં તેઓ બીમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે પાતળી ખીચડી અને ઔષધિ આપવામાં આવે છે. 

ઠંડા પાણીથી સ્નાન કરવાથી ભગવાન બીમાર પડે છે 
શહેરમાં અષાઢી બીજને દિવસે પાંચ રથયાત્રા નીકળે છે. જેમાંથી સૌથી મોટી 12 કિલોમીટરની રથયાત્રા ઈસ્કોન દ્વારા સુરત રેલ્વે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી યોજાય છે. જેમાં આશરે 6 લાખ જેટલા ભક્તો જોડાય છે. આ વચ્ચે રથયાત્રા પહેલાના પંદર દિવસ ભગવાન બીમાર હોવાની એક કથા એવી છે કે, જેઠ માસની પૂનમના દિવસે ભગવાનને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને તે દિવસે ખૂબ જ ગરમી હોવાને કારણે ભગવાનને તાવ આવે છે. જેથી તેમને એકાંતમાં રાખવામાં આવે છે. કોરોનાકાળમાં જે રીતે દર્દીના ભોજનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેવી જ રીતે આ સમયે ભગવાનના ભોજનને પણ સાત્વિક કરી દેવાય છે. તેમને મગની દાળની પાતળી ખીચડી અને ઉકાળો આપવામાં આવે છે. મંગળા આરતી પહેલા સાબુદાણાની ખીચડી, તુલસીના પાન અને તજ, લવિંગ, લીંબુ, લીમડો અને તુલસીના પાનનો રસ બનાવી ત્રણ વાર ધરાવવામાં આવે છે. 

આ કારણે ભગવાન નગરયાત્રા પર નીકળે છે 
સુરત ઈસ્કોન મંદિરના સંચાલક સૂચિ સુત કુમાર દાસે કહ્યું કે, બીમારીના સમય દરમિયાન ભગવાન માતા લક્ષ્મી પાસે વ્રજવાસીઓ સાથે એક દિવસ વિતાવવા માટેની પરવાનગી માંગે છે. આ માટે તેઓ માતાને સાડી, અલંકારો અને મીઠાઈ આપીને મનાવવાનો પ્રયત્ન કરે છે અને માતા માની પણ જાય છે. એક દિવસની પરવાનગી તેમને આપે છે. જેથી ભગવાન અષાઢી બીજને દિવસે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જ્યારે સ્વસ્થ થઈને નગરયાત્રા પર નીકળે છે. ત્યારે એક દિવસને બદલે વધુ દિવસ પસાર કરી દે છે. ત્યારે લક્ષ્મીજી નારાજ થઈ ભગવાન સાથે ઝઘડો પણ કરે છે. તેમ છતાં નવ દિવસ ભગવાન પોતાના ભકતો સાથે પસાર કરી દે છે. 

સરકાર પરવાનગી આપશે તો રથયાત્રા કાઢીશું 
તેઓએ વધુમાં કહ્યું કે, જો સરકાર અમને પરવાનગી આપશે તો અમે રથયાત્રા કાઢવા માટે તૈયાર છીએ. રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, સુભદ્રા અને બલરામને જોવાનો અર્થ એ છે કે, લોકોને તમામ પાપોમાંથી મુક્તિનો દ્વાર મળે છે. જેથી જો રથયાત્રા થશે તો ભક્તો પ્રસન્ન થશે. ઈસ્કોન સાથે ખૂબ જ શિક્ષિત લોકો જોડાયેલા છે. અમે સરકાર ઉપર કોઈપણ પ્રકારનું દબાણ નાંખવા ઈચ્છતા નથી. સરકાર અમને શરતોને આધીન પરવાનગી આપશે તો અમે તમામ ગાઈડલાઈનનું પાલન કરીને રથયાત્રા કાઢીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post