• Home
  • News
  • ડૉક્ટર-નર્સો પર હુમલો બિનજામીનપાત્ર ગુનો, 7 વર્ષની જેલ, 5 લાખ દંડની જોગવાઈ
post

મહામારીના કાયદામાં કડક જોગવાઈ ઉમેરવા માટે વટહુકમને મંજૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 11:47:07

નવી દિલ્હી: કોરોના વાઈરસ ચેપગ્રસ્તોની સારવારમાં લાગેલા ડૉક્ટરો, નર્સો અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારાને 7 વર્ષની જેલ થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે આવી ઘટનાઓને ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો બનાવતાં વટહુકમને મંજૂરી આપી હતી. તેના માધ્યમથી 123 વર્ષ જૂના મહામારી કાયદામાં કડક જોગવાઈઓ ઉમેરાઈ છે. નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ડૉક્ટરો અને નર્સો પર હુમલા સાંખી નહીં લેવાય. સ્વાસ્થ્યકર્મી લાંબા સમયથી વટહુકમની માગ કરી રહ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનએ બુધવારે સાંજે કેન્ડલ માર્ચ અને ગુરુવારે કાળો દિવસ મનાવવાની ચેતવણી ઉચ્ચારી હતી. બુધવારે સવારે ગૃહમંત્રી અમિત શાહે આઈએમએ સાથે બેઠકમાં આશ્વાસન આપ્યું કે ડૉક્ટરોની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમજૂતી નહીં કરાય. તેના પછી આઈએમએએ દેખાવોને પાછા ખેંચી લઈ કહ્યું કે તેનાથી આપણા દેશની એકતા અંગે દુનિયા સમક્ષ ખોટો સંદેશ જશે.

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો થશે તો કાયદો આ રીતે કામ કરશે

·         આ કાયદા હેઠળ આરોપીએ જ પોતાને નિર્દોષ સાબિત કરવો પડશે. બાકી કાયદામાં તપાસ એજન્સીએ દોષિત સાબિત કરવાનું હોય છે. 

·         આ કાયદો ત્યાં સુધી લાગુ રહેશે, જ્યાં સુધી મહામારી રહેશે. તેના પછી કોઈ રાજ્ય સરકાર મહામારી જાહેર કરે છે તો આ કાયદો લાગુ મનાશે. 

·         સંપત્તિના નુકસાન બદલ બમણી વસૂલાત

·         પોલીસે 30 દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે.

·         વટહુકમ મુજબ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલાની તપાસ 30 દિવસમાં પૂરી કરવાની રહેશે. હુમલાખોરોને 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. ગંભીર ઇજાના કિસ્સામાં 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલ થઇ શકે છે. આવા કિસ્સામાં 1 લાખથી 5 લાખ રૂ. સુધી દંડ વસૂલાશે. વાહન, ક્લિનિક કે સંપત્તિને નુકસાન પહોંચાડ્યાની સ્થિતિમાં હુમલાખોર પાસેથી બજારભાવથી બમણી રકમ વસૂલાશે.

·         સ્વાસ્થ્યકર્મીઓના કારણે ચેપ ફેલાયાની આશંકાથી જો કોઇ પડોશી કે મકાનમાલિક સ્વાસ્થ્યકર્મીઓને હેરાન કરો તો તેમને પણ આ વટહુકમ લાગુ પડશે. 

·         આ વટહુકમ હેઠળ ગુનો કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે. એટલે કે પોલીસ આરોપીની તત્કાળ ધરપકડ કરી શકશે અને તેને જામીન માત્ર કોર્ટમાંથી જ મળશે.

·         ડૉક્ટર અને નર્સો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ તથા આશા વર્કર પણ આ વટહુકમના દાયરામાં આવશે.

જાવડેકરે ટ્વીટ કરી જાણકારી આપી

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના વિવિધ નિર્ણય અંગે માહિતી આપી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને છ મહિનાથી સાત વર્ષની કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેલની સજા ઉપરાંત રૂપિયા એક લાખથી રૂપિયા પાંચ લાખનો દંડ કરવાની પણ જોગવાઈ રજૂ કરવામાં આવી છે.

 

કોરોના બાદ કાયદો લાગુ રહેશે?, જાવડેકરે કહ્યું- સારી શરૂઆત છે
જ્યારે જાવડેકરને પૂછાયું કે કાયદામાં સુધારો કોરોના રોગચાળા પછી પણ લાગુ રહેશે કે કેમ? તો તેમણે કહ્યું કે હાલ તો આ વટહુકમ રોગચાળા કાયદામાં સુધારા માટે મંજૂર કરાયો છે. વધુ વિગત આપ્યા વિના તેમણે કહ્યું કે આ એક સારી શરૂઆત છે.

ચેન્નઇમાં ડૉક્ટરનો મૃતદેહ દફનાવતી વખતે ટોળાએ હુમલો કર્યો હતો
ઇન્દોરના ટાટપટ્ટી બાખલમાં કોરોનાના શંકાસ્પદોને તપાસવા ગયેલા સ્વાસ્થ્યકર્મીઓ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તે પછી દેશના ઘણા ભાગોમાં આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. 3 દિવસ અગાઉ ચેન્નઇમાં ડૉક્ટરના મોત બાદ તેમનો મૃતદેહ દફનાવવા ગયેલા લોકો પર હુમલો થયો હતો.

સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં: મોદી 
અમે કોરોના વિરુદ્ધ બહાદુરીથી લડી રહેલા દરેક સ્વાસ્થ્યકર્મીની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. મહામારી(સુધારેલ) વટહુકમ તે જ દર્શાવે છે. હું પ્રોફેશનલ્સની સુરક્ષા સુનિશ્ચિત કરીશ. સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન થઈ શકે. - નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે થતી હિંસાને અટકાવવા કેન્દ્રનું કડક વલણ

પ્રધાનમંત્રી નિવાસ સ્થાને કેબિનેટની બેઠકમાં આર્થિક સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. અગાઉ જ કેન્દ્ર સરકાર તરફથી રાહતરૂપે રૂપિયા 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત થઈ ચુકી છે.મહામારી રોગો ધારો,1897માં સુધારો કરવામાં આવ્યો છે તેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરવા જેવી ઘટનાઓને અટકાવવા તેને ગુનાહિત કૃત્ય ગણવા તથા બિનજામીનપાત્ર સજા માટે વટહુકમ લાવવામાં આવ્યો છે.આ પ્રકારની ઘટનાની તપાસ 30 દિવસની અંદજ પૂરી કરી લેવામાં આવશે. સ્વાસ્થ્ય કર્મચારીઓના વાહનો અથવા ક્લિનિકને નુકસાન પહોંચાડવામાં આવશે તો નુકસાન પામેલી મિલકતોના બજાર મૂલ્ય કરતા બમણી રકમ હુમલો કરનાર પાસેથી વસૂલવામાં આવશે, તેમ કેન્દ્રીય પ્રધાને આજે જાહેરાત કરી હતી.

ઉડ્ડયન સેવા શરૂ કરવા અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાશે
દેશમાં ઉડ્ડયન સેવા ફરી શરૂ કરવા માટે હજુ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે યોગ્ય સમયે નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવશે, તેમ પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતુંય આ ઉપરાંત હવે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી સંબંધિત મંત્રાલય તરફથી એક સપ્તાહબમાં 4 દિવસ આપવામાં આવશે. જે વર્તમાન સમયમાં દરરોજ આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post