• Home
  • News
  • PM મોદીના આગમન પૂર્વે કેવડિયાને કોરોના ફ્રી બનાવવા 8 દિવસમાં 18 હજાર લોકોના ટેસ્ટ થશે, સી-પ્લેનની જેટી અને ટર્મિનલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ
post

PMના આગમન પૂર્વે કર્મચારીઓ-અધિકારીઓ તેમજ આસપાસના 6 ગામના લોકોનું 20 થી 28 ઓક્ટોબર દરમિયાન ચેકિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 10:07:07

આગામી 31મી ઓક્ટોબરે PM મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તેમના આગમનને લઈને ફરી એક વખત કેવડિયાને કોરોના ફ્રી ઝોન બનાવવા માટે તંત્રએ કમર કસી છે. કેવડિયાના 10 કિમી વિસ્તારમાં સ્ટેચ્યુના કર્મચારી, સુરક્ષા જવાનો તેમજ આસપાસના 6 ગામોના લોકો મળી કુલ 18 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે સી-પ્લેનની જેટી અને ટર્મિનલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે.

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા પાલિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરવા આદેશ કરાયો છે. 31 મી ઓક્ટોબરે સુરક્ષા માટે પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા અન્ય કર્મીઓ હાજર રહેવાના હોય 20 થી 28 ઓક્ટોબર સુધીમાં આશરે 18 હજાર લોકોના 2 થી 3 વખત RT PCR તથા રેપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવાના હોવાથી એન્ટીજન ટેસ્ટ માટેની 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે રાજ્ય કક્ષાએ માંગણી કરી છે.

તમામ લોકોના કોરોના ટેસ્ટ તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવશે. તંત્રએ કોરોના ટેસ્ટિંગ માટે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિત અન્ય આરોગ્ય કર્મીઓની 4 ટીમો બનાવી છે. પ્રત્યેક ટીમમાંં 6 આરોગ્ય કર્મી હશે. જ્યારે સેમ્પલ મોકલવા માટેની અને સેનેટાઈઝ માટેની એક-એક ટીમ મળી કુલ 6 ટીમો તથા કેવડિયામાં 10 ટીમો મળી જિલ્લામાં કુલ 16 ટીમો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવાની કાર્યવાહીમાં જોતરાશે.

સી-પ્લેનની જેટી અને ટર્મિનલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ
કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તેઓ સી-પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે ઉતરવાના છે. આ સાથે રાજ્યનો પ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટ પણ શરૂ થવાનો છે. અમદાવાદથી આવનારું સી પ્લેન જ્યાં ઉતરવાનું છે તે તળાવ નંબર-3 પાસે જેટી બનવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

SRP 100થી વધુ જવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા
લોકડાઉન વખતે સુરત વિસ્તારમાં કેવડિયા SRPની ત્રણ ટુકડી સુરક્ષા માટે ગઈ હતી. બાદમાં અનલોક થતા આ ટુકડીને પરત કેવડિયા મોકલાઇ હતી.જેમાં એક પછી એક SRP જવાનો પોઝિટિવ નીકળતા ગયા અને પોતાના પરિવારને પણ કરતા ગયા હતા. આમ 100થી વધુ જવાનો સહિત પરિવારજનો પણ સંક્રમિત થયા હતા.તમામે કોરોના હરાવી પરત ઘરે ફર્યા છે.

અગાઉ સ્ટેચ્યુ ખાતે 2800 કર્મીનું કોરોના ટેસ્ટિંગ થયું હતું
આ પહેલાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2800 કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 50 જેટલાં પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ કેસોમાં સ્ટેચ્યુની સુરક્ષા અર્થે આવેલી CISFના 13 જવાનો પણ સામેલ હતા. આ બધી બાબતો જોતાં ફરીથી માસ ટેસ્ટ કરવામાં આવશે.

આદિવાસીઓ ઘર પર સૂત્રો લખેલી ધ્વજા ફરકાવી કાયદાનો વિરોધ કરશે
31
ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના 14 ગામોના આદિવાસી કુટુંબો સ્વેચ્છાએ પોતાના ઘર પર હું સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાયદાનો વિરોધ કરું છુંકેમ્પેઈન હેઠળ પોતાના ઘર ઉપર સિમ્બોલિક ધ્વજા ફરકાવી કાર્યક્રમનો વિરોધ નોંધાવશે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019નો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post