• Home
  • News
  • Tokyo Olympics 2020: હોકીમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, વંદના કટારિયાના 3 ગોલ, તીરંદાજીમાં મેડલનું સપનું રોળાયું
post

ભારતની મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના છેલ્લા મુકાબલામાં જીત મેળવી છે. તેણે દક્ષિણ આફ્રીકાને 4-3થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની ટોકિયો ઓલિમ્પિકમાં આ બીજી જીત છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-31 13:43:30

ટોકિયો ઓલિમ્પિકનો આજે 9મો દિવસ છે. પણ ભારતને શરૂઆતથી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. બોક્સર અમિત પંઘલ અને તીરંદાજ અતનુ દાસ હારી જતા મેડલની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સર પૂજા રાની પર બધાની નજર છે. 

હોકીમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
ભારતની મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના છેલ્લા મુકાબલામાં જીત મેળવી છે. તેણે દક્ષિણ આફ્રીકાને 4-3થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની ટોકિયો ઓલિમ્પિકમાં આ બીજી જીત છે. ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટેની આશા હજુ જીવંત છે. ભારત તરફથી વંદના કરારિયાએ મેચની ચોથી મિનિટમાં પહેલો ગોલ કર્યો હતો. બીજો ગોલ પણ મેચની 17મી મિનિટમાં વંદનાએ  જ કર્યો જે પેનલ્ટી કોર્નરથી આવ્યો. 

ત્યારબાદ નેહાએ મેચની 32મી મિનિટમાં ભારત તરફથી ત્રીજો ગોલ કર્યો. આ ગોલ પણ પેનલ્ટી કોર્નરથી જ આવ્યો. ભારત તરફથી વંદના કટારિયાએ ફરીથી ગોલ કર્યો. મેચની 49મી મિનિટમાં તેણે ચોથો ગોલ કર્યો. મેચમાં આ તેનો ત્રીજો ગોલ હતો. વંદના ભારતની પહેલી હોકી ખેલાડી બની ગઈ છે જેણે ઓલિમ્પિક મેચમાં ત્રણ ગોલ કર્યા. 

કમલપ્રીત કૌર ડિસ્કસ થ્રોની ફાઈનલમાં પહોંચી
ભારતની કમલપ્રીત કૌરે એકદમ શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓની ડિસ્કસ થ્રોની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 

બોક્સર અમિત પંઘલ પણ હાર્યા
બોક્સર અમિત પંઘલ 52 કિગ્રા વર્ગની પ્રી ક્વોર્ટર ફાઈનલમાં કોલંબિયાના યુબેર્જેન રિવાસ સામે હારી જતા ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે. 

તિરંદાજીમાં મેડલનું સપનું રોળાયું
તીરંદાજીમાં મેડલ જીતવાનું સપનું રોળાયું છે. અતનુ દાસ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગયા છે. તેમને જાપાનના તાકાહારુ ફુરુકાવાએ હરાવ્યા. આ મુકાબલો શૂટ આઉટ સુધી પહોંચ્યો હતો. જેમાં ફુરુકાવા બાજી મારી ગયા. 

છઠ્ઠા નંબરે રહી સીમા પૂનિયા
ડિસ્કસ થ્રોમાં ગ્રુપ એનો ક્વોલિફિકેશન રાઉન્ડ પૂરો થઈ ગયો છે. જેમાં ભારતની સીમા પૂનિયા છઠ્ઠા નંબરે રહી. તેમનો થ્રો 60.57 મીટરનો રહ્યો. પહેલા સ્થાને ક્રોએશિયાની સાંદ્રા પરકોવિક છે. જેનો થ્રો 63.75 મીટરનો હતો. ત્યારબાદ ગ્રુપ બીનો ક્વોલિફિકેશન રાઉન્ડ થશે. જેમાં ભારતની કમલપ્રીત કૌર ભાગ લેશે. બીજા ગ્રુપના પરિણામ બાદ જ નક્કી થશે કે ફાઈનલમાં કયા એથલીટ જશે.