• Home
  • News
  • અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ:રાજુલામાં 4 કલાકમાં 4 ઇંચ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, શેત્રુંજી નદીમાં પુર આવ્યું, ટીંબીના કોઝવે પર પાણી ફરી વળ્યાં
post

પીપાવાવ પોર્ટ આસપાસ અને રાજુલાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-30 18:55:50

અમરેલી જિલ્લામાં આજ સવારથી વરસાદી માહોલ વચ્ચે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આજે રાજુલા શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાજુલાના ઘાતરવડી ડેમ 2માં 1100 ક્યુસેક ઉપર પાણીની આવક થઈ છે. ખાંભા રાયડી ડેમમાં 600 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે. સમગ્ર રાજુલા કોસ્ટલ વિસ્તારમાં અવિરત પણે વરસાદ પડી રહ્યો છે.

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રૂપેણી નદીમાં ધસમસતા પ્રવાહમાં લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ટીંબી ગામના કોઝવે પર નદીના પાણી ફરી વળ્યાં હતા. ત્યારે તંત્રના અધિકારીઓ નહીં હોવાને કારણે લોકો અવર જવર કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. રાજુલાના ચૌત્રા ગામની રાયડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત જિલ્લાની અનેક નદીઓમાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

પીપાવાવ પોર્ટ આસપાસ અને રાજુલાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગ્રામ્ય શિયાળ બેટ, મીઠાપુર, નાગેશ્રી, દુધાળા, ભટવદર, સરોવડા, કથારીયા, ચોત્રા સહિત ગામોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ધરતી પુત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડતાં શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. ગ્રામ્ય વિસ્તાર બાઢડા, જાબાળ સહિત આસપાસના ગામડામાં સારો વરસાદ પડતાં જાબાળની સુરજવડી નદીમાં પણ પુર આવ્યું છે, જેના કારણે ખેડૂતોને ફાયદો થશે.

અમરેલી તાલુકાની શેત્રુંજી નદી જિલ્લાની સૌથી મોટી નદી છે, જેમાં આજે પુર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. અહીં છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જેથી આસપાસના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય તેવી શકયતા જોવા મળી રહી છે.

લાઠી તાલુકાના છભાડીયા ગામમાં ગઈ કાલે મોડી સાંજે વાડીમાં જતી વખતે શારદાબેન નામની મહિલા પાણીના પ્રવાહમાં તણાય જતા તેમનું મોત થયું છે. તેમના મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

દામનગર-ઠાસા રોડ ઉપર નદીના પ્રવાહમાં કોઝવે પર પસાર થતા બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ ઘટના ગઈકાલે મોડી રાતની હોવાનું સામે આવ્યું છે, અહીં મોડી રાતે દામનગર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પુર આવ્યું હતું. આ ઘટનામાં બંને સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post