• Home
  • News
  • દિલ્હીમાં ટ્રેક્ટર રેલી બેકાબૂ:તોડફોડ અને હિંસામાં 86 પોલીસકર્મચારી ઇજાગ્રસ્ત, દિલ્હીમાં વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવાનો આદેશ, હરિયાણામાં હાઇ અલર્ટ
post

ખેડૂત સંગઠનોએ કહ્યું- આ રાજકીય દળના લોકો, બદનામ કરવા માંગે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 09:31:24

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ નક્કી સમય પહેલાં જ શરૂ કરી હતી. પોલીસે પરેડ માટે મંગળવાર બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો સમય અને રૂટ નક્કી કર્યો હતો. દિલ્હીમાં પ્રવેશ માટે સિંધુ, ટીકરી અને ગાજીપુર એન્ટ્રી પોઇન્ટ બનાવવામાં આવ્યા હતાં. પરંતુ ખેડૂતો સવારે 8 વાગ્ચાથી જ એન્ટ્રી પોઇન્ટ્સ પર બેરિકેડ્સ તોડી દિલ્હીમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયા અને ટ્રેક્ટર પરેડ શરૂ કરી દીધી. સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થયા હતાં.

દિલ્હીમાં મંગળવારે થયેલી હિંસા બાદ ગૃહમંત્રી અમિત શાહે હાઇ લેવલ મીટિંગ બોલાવી હતી, જેમાં તેમણે રાજધાની દિલ્હીમાં અર્ધસૈનિક દળોની વધુ કંપનીઓ તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો તેમજ દિલ્હી પોલીસને તોફોનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે સાત FIR દાખલ કરી છે. બીજી તરફ દિલ્હીમાં હિંસાને પગલે હરિયાણામાં કેબિનેટની ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. મુખ્યમંત્રી ખટ્ટરે પોલીસેને હાઇએલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો તથા ખેડૂતોને ઘરે પરત ફરવા અપીલ કરી હતી.

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ નક્કી રૂટથી બહાર નિકળી લાલ કિલ્લા સુધી પહોંચી ગઇ હતી. આ ખેડૂતો સિંધુ બોર્ડરથી આવ્યા હતાં. હિંસક ભીડે તહેનાત પોલીસકર્મીઓ પર ડંડાથી હુમલો કર્યો. જેથી જીવ બચાવવા માટે સુરક્ષાકર્મીઓ ખીણમાં કૂદી પડ્યા હતાં. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં 41 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે.

દર વર્ષે 15 ઓગસ્ટે જે લાલકિલ્લા પર આઝાદીનો પર્વ ઊજવાય છે, ત્યાં આ વર્ષે 26 જાન્યુઆરીએ ખેડૂતોએ કબજો કરી લીધો છે. દિલ્હીમાં દાખલ થયેલું ખેડૂતોનું મોટું ગ્રુપ મંગળવારે બપોરે અંદાજે 2 વાગે લાલ કિલ્લા પર પહોંચી ગયું હતું. શોર-બકોર અને હોબાળાની વચ્ચે એક યુવક દોડતો આગળ વધ્યો અને તે પોલ પર ચડીને ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ અને ખેડૂત સંગઠનનો ઝંડો બાંધ્યો, જ્યાં વડાપ્રધાન દર વર્ષે સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજ લહેરાવે છે.

અંદાજે એક કલાક સુધી આ ઉપદ્રવ ચાલતો રહ્યો. ત્યાર પછી ખેડૂત નેતાઓએ અપીલ કરી, સેનાએ બળ પ્રયોગ કર્યો ત્યારે પ્રદર્શનકારીઓને પ્રાચીર પરથી હટાવી શકાયા.

06/1 અને 26/1: અમેરિકા જેવી તસવીર ભારતમાં
દુનિયાના સૌથી મોટા લોકતંત્રની તસવીર દુનિયાની સૌથી જૂના લોકતંત્ર જેવી જોવા મળી રહી છે. જે રીતે લાલકિલ્લા પર આંદોલનકારીઓએ ઉપદ્રવ કર્યો એવી જ રીતે અમેરિકામાં 6 જાન્યુઆરીએ ટ્રમ્પના સમર્થકોએ હોબાળો કર્યો હતો. હજારોની સંખ્યામાં ટ્રમ્પ સમર્થકો હથિયારો સાથે કેપિટલ હિલ્સમાં ઘુસી ગયા હતા. જોકે લાંબા સંઘર્ષ પછી સેનાને તેમને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ હિંસામાં 4 લોકોનાં મોત થયાં હતાં.

નક્કી કરેલો રુટ તોડીને લાલકિલ્લા તરફ આગળ વધ્યા ખેડૂતો
ખેડૂતોનો જે રુટ નક્કી કરવામાં આવ્યો હતો તેમાં લાલકિલ્લો ક્યાંય નહતો. સિંધુ બોર્ડરથી જે ખેડૂતો દિલ્હીમાં દાખલ થયા ત્યાં રુટ તોડીને તેઓ લાલકિલ્લા તરફ આગળ વધ્યા હતા. સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરથી તેમને આઉટર પોઈન્ટ તરફ જવાનું હતું, પરંતુ તે બાજુ ન જઈને તેઓ લાલકિલ્લા તરફ વળી ગયા. મુબારકા ચૌક પાસે અમુક જવાનોએ તેમને રોક્યા, પરંતુ ઝપાઝપી પછી પોલીસ ત્યાંથી ખસી ગઈ અને ત્યાં હજારો ખેડૂતો ભેગા થઈ ગયા. ત્યારપછી તે દરેક લોકો લાલકિલ્લામાં દાખલ થયા. લાલકિલ્લા બહાર ખેડૂતોએ તેમના ટ્રેક્ટરો ખડકી દીધા હતા.

ખેડૂત સંગઠનોએ કહ્યું- આ રાજકીય દળના લોકો, બદનામ કરવા માંગે છે
લાલકિલ્લા પર પોલીસ પ્રદર્શનકારીઓને સમજાવતી રહી કે તિરંગો ઉતરાવીને પોતાનો ઝંડો લહેરાવવો યોગ્ય નથી. પરંતુ તેમણે ખેડૂતોની એક પણ વાત ન માની. આ દરમિયાન તિરંગો, ખેડૂત સંગઠનોના ઝંડા સિવાય ડાબેરી પક્ષનો ઝંડો પણ દેખાયો હતો.
આ હિંસક અને ઉગ્ર આંદોલન પર ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમને ખબર છે કે, કોણ મુશ્કેલીઓ ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ તે રાજકીય પક્ષો છે જે આંદોલનને બદનામ કરવા માંગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post