• Home
  • News
  • ગુજરાતમાં કોરોના રસીનું સોમવારથી ટ્રાયલ-રન, 25-25 વ્યક્તિને બોલાવી ડમી રસીકરણ થશે, રસી લાવવાથી માંડી આપવા સુધીનો શિડ્યૂલ તૈયાર થશે
post

વેક્સિનેશનના વાહનનો સમય, વેક્સિનેટર સાથે ચાર તબીબની ટીમ દ્વારા તબીબી પરીક્ષણનો સમય, એક કલાકમાં કેટલા લોકોને રસી આપી શકાય એનું મોનિટરિંગ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 11:29:19

કોરોના રસી આપતા પૂર્વે એનું ટ્રાયલ-રન કરવા તાજેતરમાં જ રાજ્યના અધિક આરોગ્યસચિવ ડો. જયંતી રવિએ કલેક્ટરો સાથે એક વિડિયો-કોન્ફરન્સ યોજી હતી.આ વિડિયો-કોન્ફરન્સથી 28થી 29 ડિસેમ્બરે હેલ્થ સેન્ટરોમાં કોરોનાની રસી આપવા માટેની સમગ્ર કામગીરીનું રિહર્સલ કરવામાં આવશે.

કોલ્ડસ્ટોરેજથી રસી લઈને જે-તે હેલ્થ સેન્ટરે વાહન નીકળશે
કોરોના ટ્રાયલ-રનમાં થનારી કાર્યવાહીમાં જે વાહન કોરોના રસી લઈને નીકળશે એ જે-તે હેલ્થ સેન્ટરમાં કેટલા સમયમાં પહોંચે છે એ નોંધવામાં આવશે. આ વાહનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હશે. આ વાહનમાં રસી નહીં હોય, પરંતુ રિહર્સલના ભાગરૂપે નિયત સમયમર્યાદામાં હેલ્થ સેન્ટર ખાતે રસી લઈ જતું વાહન પહોંચે છે કે કેમ, એનો સમયગાળો નોંધવામાં આવશે. કોલ્ડસ્ટોરેજથી રસી લઈને જે-તે હેલ્થ સેન્ટરે વાહન નીકળશે, એનો નીકળવાનો અને પહોંચવાનો સમય નોંધવામાં આવશે.

ચાર તબીબ આવનારી વ્યક્તિને ડમી રસીકરણ કરશે
કોરોના રસીકરણના ટ્રાયલ-રનમાં નિશ્ચિત સમયમર્યાદામાં તમામ વ્યક્તિઓને રસીકરણ થાય એ માટે આબેહૂબ કામગીરી ચરિતાર્થ કરવામાં આવશે, જેમાં 25-25 વ્યક્તિઓને એસએમએસ કરી રસીકરણ કેન્દ્ર પર બોલાવવામાં આવશે. આ વ્યક્તિ આવશે ત્યારે તેને સૌપ્રથમ વેઈટિંગ રૂમમાં બેસાડવામાં આવશે. ત્યાર બાદ વેક્સિનેશન રૂમમાં લઈ જવામાં આવશે, ત્યાં પહેલેથી ઉપલબ્ધ કરવામાં આવેલા વેક્સિનેટર અને તેની સાથેના ચાર તબીબો આવનારી વ્યક્તિને ડમી રસીકરણ કરશે. ત્યાર બાદ રસી લીધેલી વ્યક્તિને ઓબ્ઝર્વેશન રૂમમાં લઈ જવામાં આવશે, જયાં તેને 30 મિનિટ બેસાડી તેની તબિયતનું પરીક્ષણ કરવામાં આવશે. આમ, કોરોના રસીનું આબેહૂબ ટ્રાયલ-રન કરી નિશ્ચિત સમયગાળા દરમિયાન એક કલાકમાં કેટલી વ્યક્તિઓને રસીકરણ થઈ શકે એનું એક નિશ્ચિત શિડ્યૂલ તૈયાર કરવામાં આવશે.

દરમિયાન આ સમગ્ર કામગીરીમાં જે રીતે વેક્સિનેશન આપવાનું છે એ તમામ પ્રક્રિયાઓ આબેહૂબ નિરૂપણ કરવામાં આવશે, પરંતુ તેમાં કોરોના રસી નહીં હોય, પરંતુ વેક્સિનેટર, તબીબો, વેક્સિનેટર વાહન અને એને આનુષંગિક તમામ જરૂરિયાતવાળી વસ્તુઓ અને વાહનો ઉપલબ્ધ હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post